દારૂની પરમિટ લેવી હોય તો હવે સિવિલમાં આટલો વધુ ચાર્જ ચૂકવવો પડશે

PC: nbcnews.com

સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય ના કારણોસર નવી લીકર પરમીટ માટે અરજી કરનાર પાસેથી મેડિકલ ઓપિનિયન પેટે અત્યાર સુંધી દસ હજાર રૂપિયા ચાર્જ લેવાતો હતો. જોકે સિવિલ દ્વારા 11 મી ઓક્ટોબરે તેમાં ગુપચુપ સુધારો-ઠરાવ કરી રૂ પાંચ હજાર નો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે નવી લીકર પરમીટ માટે અરજદારે પંદર હજાર રૂપિયા ચૂકવવા પડશે. તો બીજીબાજુ રીન્યુ પરમીટ માં પણ એક હજાર રૂપિયાનો વધારો કર્યો છે. જેથી હવે જૂની લીકર પરમીટ રિન્યુ કરવાની ફી છ હજાર રૂપિયા થઈ ગઈ છે. આમ નવી લીકર પરમીટ માં 50 ટકા અને રીન્યુ લીકર પરમીટમાં 20 ટકાનો વધારો પાછલા બારણે  કરી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા લીકર પરમીટની કામગીરી એકાએક અસારવા સિવિલ હોસ્પિટલમાંથી બદલીને સોલા સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવી હતી. જેને કારણે અસારવા સિવિલમાં લીકર પરમીટની કામગીરીમાં ગોલમાલ થતી હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. જોકે  સોલા સિવિલમાં લીકર પરમીટની કામગીરી નો ભરાવો થઈ જતાં કામગીરી ફરી અસારવા સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવી છે. 

લીકર પરમીટની કામગીરી અસારવા સિવિલને પુનઃ સોંપાઈ ત્યારે જ યુનિટ સિસ્ટમ ને બદલે ફિક્સ મેડિકલ ઓપિનિયન ચાર્જ નક્કી કરી નવી પરમીટ માટે રૂ દસ હજાર અને રીન્યુ પરમીટ માટે રૂ પાંચ હજાર કરી વધારવામાં આવ્યા હતાં.

આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારી કહે છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા લીકર પરમીટ બદલ જે મેડિકલ ઓપિનિયન પેટે ચાર્જ લેવાય છે તે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં યૂઝર્સ ચાર્જ તરીકે જમા થાય છે જે લોકકલ્યાણમાં વપરાય છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે જે રોગી કલ્યાણ સમિતિમાં આ પૈસા જમા થાય છે તેનાની દર્દીઓનું કેટલું કલ્યાણ થાય છે એ જ એક મહત્વનો પ્રશ્ન છે. જોકે લીકર પરમીટ પેટે કરોડો રૂપિયા જે રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે તેનું પણ સમયસર ઓડિટ કરાતું નથી. આથી આ નાણાંથી કોનું કલ્યાણ થાય છે એ તપાસનો વિષય છે. અલબત હાલના તબક્કે તો મદીરાના રસિકો માટે મદીરાપાન મોંઘું થઈ ગયું છે એ વાત ચોક્કસ છે.

લીકર હેલ્થ પરમીટ કઈ રીતે આપવામાં આવે છે

સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો જે એમ સોલંકી કહે છે કે, 'જે વ્યક્તિને આરોગ્ય સંબંધી તકલીફ હોય તેને જ આ લીકર (હેલ્થ) પરમીટ આપવામાં આવે છે.
આ માટે જે તે અરજદારે રાજ્યના નશાબંધી વિભાગમાંથી લીકર હેલ્થ પરમીટનું ફોર્મ લઈ તે માટેના આવશ્યક દસ્તાવેજો રજૂ કરી નશાબંધી વિભાગમાં નિશ્ચિત ફી ભરવી પડે છે. ત્યારબાદ જે તે અરજદારને લીકર હેલ્થ પરમીટ આપવી કે નહિ તે માટેના મેડીકલ ઓપિનિયન માટે ફોર્મ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જ્યાં અમે અરજદારની યોગ્ય મેડિકલ તપાસ કરાવીએ છીએ. આ માટે અરજદારે મેડીકલ ઓપિનિયન પેટે ફી ભરવી પડે છે. જે તે અરજદારની શારીરિક તપાસ બાદ અમે અરજદાર અંગેનો મેડિકલ ઓપિનિયન નશાબંધી ખાતાને મોકલી આપીએ છીએ. જેને આધારે નશાબંધી ખાતા દ્વારા અરજદાર ને લીકર પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે. 

 છેલ્લા 10 વર્ષમાં લીકર (હેલ્થ) પરમીટ થી સિવિલ હોસ્પિટલને કરોડોની આવક

લીકર હેલ્થ પરમીટમાં મેડિકલ ઓપિનિયન આપવા બદલ હોસ્પિટલ તંત્રને વર્ષે દહાડે લાખો કરોડોની આવક થાય છે. સૂત્રો જણાવે છે કે લીકર પરમીટ દ્વારા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જે રકમ જમાં થાય છે , તે ક્યારેક તો સરકાર દ્વારા રોગી કલ્યાણ સમિતિને આપવામાં આવતી ગ્રાન્ટ કરતાં પણ વધારે હોય છે. છેલ્લા દસ વર્ષમાં 2011થી 2018 સુધી વાર્ષિક આવક 1 કરોડથી લઇને 2.43 સુધીની થઇ હતી. જોકે, 2018 પછી પરમિટ આપવાના નિયમો કડક કરાતા તેમાં મોટો ઘટાડો પણ નોંધાયો છે. આવક ઘટીને 7 લાખથી લઇને 61 લાખ સુધી થઇ ગઇ છે. જો પરમિટની સંખ્યાની વાત કરીએ તો 2015થી 2019સુધી 950થી લઇને 2994 જેટલા પરમિટ જુદા જુદા વર્ષોમાં અપાયા છે જેમાં નવા અને રીન્યુઅલ બન્નેનો સમાવેશ થાય છે. 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp