ગાય-ભેંસનું દૂધ સારું કે સોયા-બદામનું? અમૂલના MD સોઢીએ આપ્યો આ જવાબ

PC: thehindubusinessline.com

 

“પ્રાણીજન્ય દૂધ એક શાકાહારી સંપૂર્ણ ખોરાક છે અને તે તંદુરસ્તી આપે છે તેમાં કોઇ શક નથી. પુરાણકાળથી દૂધને માન્યતા આપવામાં આવેલી છે પરંતુ હાલના સમયમાં સોયા અને બદામ જેવા વનસ્પતિજન્ય દૂધને વેચવા માટે બજારમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે પરંતુ દૂધની માંગ ક્યારેય ઘટવાની નથી. ગ્રાહકોને ભરમાવવાની પ્રવૃત્તિ અટકાવવાની જરૂર છે.”

આ વિધાન અમૂલના એમડી આરએસ સોઢીએ આપ્યું છે. તેમણે કહ્યું છે કે બજારમાં વનસ્પતિજન્ય દૂધના ઉત્પાદનો વેચાણમાં મૂકવામાં આવે છે ત્યારે એવું પ્રતિપાદિત કરવામાં આવે છે કે દૂધ નુકશાનકારક છે તેથી તેને બંધ કરવું જોઇએ પરંતુ હકીકતમાં બજારમાં મૂકવામાં આવતા આવા ઉત્પાદનો નુકશાનકર્તા છે. દૂધ એ તો શાકાહારી ખોરાક છે. પરંપરાગત દૂધની માંગ સાથે કોઇ ખતરો ઉભો થયો નથી.

તેમણે કહ્યું કે વનસ્પતિ આધારિત પીણાનું વેચાણ વધારવા માટે દૂધ અંગે ગેરસમજ ફેલાવવામાં આવે છે તેમ છતાં અમૂલ અને બીજી ડેરીઓના દૂધના વેચાણમાં કોઇ ઘટાડો થયો નથી. એકમાત્ર અમૂલનું ટર્નઓવર 2019-20ના વર્ષમાં 52000 કરોડ રૂપિયા થયું છે. બજારમાં જૂઠ વેચીને ઉત્પાદનો વેચી શકાય નહીં તેવું મારૂં મંતવ્ય છે.

સોઢી કહે છે કે એવો સતત આરોપ મૂકવામાં આવ્યો છે કે ડેરી ઉદ્યોગ હાનિકારક પ્રવૃત્તિમાં સામેલ છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ વ્યવસાય સાથે 10 કરોડ પશુપાલકો જોડાયેલા છે. ગૌચર પ્રાણીઓને આપણે આદર કરીએ છીએ. જે લોકો દૂધમાં ભેળસેળ કરી ઉદ્યોગને બદનામ કરે છે તે ખૂબ નાનો સમૂહ છે તેથી તેનાથી મોટો સમૂહ બદનામ કરી શકાય નહીં. સોયા અને બદામનું દૂધ બજારમાં આવેલું છે પરંતુ અમે તેને પડકાર તરીકે જોતા નથી, કારણ કે દૂધ એક પ્રાદેશિક આહારનું મહત્વપૂર્ણ અને નિયમિત ઘટક છે.

તેમણે કહ્યું છે કે પ્લાન્ટ આધારિક બેવરેજીસ કે પીણાં સાથે દૂધને કોઇ લેવાદેવા નથી. પરંપરાગત ઉત્પાદનો જેવાં કે નાળિયેરના દૂધ સિવાય બીજા કોઇ પ્લાન્ટ આધારિત પીણામાં દૂધનો શબ્દ ઉપયોગ કરવાની છૂટ હોવી જોઇએ નહીં. વનસ્પતિજન્ય પીણાં માટે દૂધ શબ્દનો પ્રયોગ કરવો હિતાવહ નથી. આ અંગે કેન્દ્ર સરકારે એફએસએસએઆઇ 2020ના ડ્રાફ્ટ નિયમનને વહેલીતકે મંજૂરી આપવી જોઇએ.

સોઢીએ કહ્યું છે કે કેટલીક કંપનીઓ સોયા અને બદામ પીણાં કુદરતી હોવાનો દાવો કરે છે પરંતુ પ્લાન્ટ આધારિત મોટાભાગના પીણાંને તૈયાર કરવા માટે અનેક ઘટકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેની સામે દૂધમાં કોઇ ઘટક ઉમેરવામાં આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp