26th January selfie contest

મન કી બાતમાં PM મોદીએ કહ્યુ-15 ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા DPમા તિરંગાનો ફોટો લગાવો

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત, 13થી 15 ઑગસ્ટ સુધી, એક special movement, ‘હર ઘર તિરંગા- હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ movement નો ભાગ બનીને, 13થી 15 ઑગસ્ટ સુધી, તમે તમારા ઘર પર તિરંગો જરૂર ફરકાવો, અથવા તેને ઘર પર લગાવો. તિરંગો આપણને જોડે છે, આપણને દેશ માટે કંઈક કરવા માટે પ્રેરે છે. મારું એક સૂચન એવું પણ છે કે 2 ઑગસ્ટથી 15 ઑગસ્ટ સુધી, આપણે બધાં, પોતાની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલ પિક્ચર્સમાં તિરંગો લગાવી શકીએ છીએ.

તેમણે કહ્યું હતું કે, શું તમે જાણો છો, 2 ઑગસ્ટનો આપણા તિરંગા સાથે એક વિશેષ સંબંધ પણ છે? આ દિવસે પિંગલી વેંકૈયાજીની જયંતી આવે છે, જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન બનાવી હતી. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પોતાના રાષ્ટ્રીય ધ્વજ વિશે વાત કરતા હું, મહાન ક્રાંતિકારી મેડમ કામાને પણ યાદ કરીશ. તિરંગાને આકાર આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.

PM મોદીએ કહ્યું કે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં થઈ રહેલા આ બધાં આયોજનોનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આપણે બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. ત્યારે જ આપણે આ અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સપનું પૂરું કરી શકીશું. તેમનાં સપનાંનું ભારત બનાવી શકીશું. આથી આપણાં આગામી 25 વર્ષનો આ અમૃતકાળ પ્રત્યેક દેશવાસી માટે, કર્તવ્યકાળની જેમ છે. દેશને સ્વતંત્ર કરાવવા, આપણા વીર સેનાની, આપણને આ ઉત્તરદાયિત્વ આપીને ગયા છે અને આપણે તેને પૂરી રીતે નિભાવવાનું છે.

PMએ વધુમાં કહ્યું કે, મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ હજુ ચાલુ છે. સમગ્ર દુનિયા આજે ઝઝૂમી રહી છે. સર્વાંગીણ આરોગ્યકાળજીમાં લોકોની વધતી રૂચિએ તેમાં બધાની ખૂબ જ મદદ કરી છે. આપણે બધાં જાણીએ છીએ કે તેમાં ભારતીય પારંપરિક પદ્ધતિઓ કેટલી ઉપયોગી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં, આયુષે તો, વૈશ્વિક સ્તર પર મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. વિશ્વભરમાં આયુર્વેદ અને ભારતીય ઔષધિઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તે એક મોટું કારણ છે કે જેના લીધે આયુષ નિકાસમાં વિક્રમી તેજી આવી છે અને તે પણ ઘણું સુખદ છે કે આ ક્ષેત્રમાં અનેક નવાં સ્ટાર્ટ અપ પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ, એક ગ્લૉબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનૉવેશન સમિટ બેઠક થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં લગભગ દસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ પ્રસ્તાવો મળ્યા છે.

આજે આપણે સ્વતંત્રતાનાં 75 વર્ષ પર, દેશની યાત્રા સાથે, આપણી ચર્ચા શરૂ કરી હતી. આવતા વખતે, જ્યારે આપણે મળીશું તો આપણા આગામી 25 વર્ષની યાત્રા પણ શરૂ થઈ ગઈ હશે. પોતાના ઘર અને સ્વજનોનાં ઘર પર, આપણો પ્રિય તિરંગો ફરકે, તે માટે આપણે બધાંએ જોડાવાનું છે. તમે આ વખતે સ્વતંત્રતા દિવસ કેવી રીતે મનાવ્યો, શું વિશેષ કર્યું, તે પણ મને જરૂર જણાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp