26th January selfie contest

ગુજરાતમાં 2021માં આ પ્રોજેક્ટ પૂરો થયા પછી ઔદ્યોગિક ઉત્પાદન 3 ગણુ વધવાનો અંદાજ

PC: khabarchhe.com

ગુજરાતમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડીએમઆઇસી) તેમજ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી)નું કામ ગતિમાં છે અને આ બન્ને કોરિડોર આગામી ત્રણેક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ કોરિડોરના કારણે ગુજરાત દિલ્હી અને મુંબઇ સાથે સીધું જોડાશે. ખાસ કરીને ઉદ્યોગો માટે પરિવહનનો સરળ અને ઝડપી માર્ગ તૈયાર થઇ રહ્યો છે.

ગુજરાતના ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી ડિસેમ્બર 2021 પહેલાં પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારે આ પ્રોજેકટ હેતુસર જમીન સંપાદન સહિતની બાબતોમાં સહયોગ કર્યો છે અને હવે આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યો છે. આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો માર્ચ-2020માં કાર્યરત થઇ જશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલરાજ્યના મુખ્યસચિવ અનિલ મુકીમ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વના પ્રવાસન ધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વડોદરાથી કેવડીયાની રેલ્વે કનેકટીવીટી માટે રાજ્ય સરકારે જમીન સંપાદન અંગે તેમજ અન્ય સહયોગ આપ્યો છે. આ રેલ્વે લાઇન પ્રોજેકટ ત્વરાએ પૂર્ણ થાય તે માટે રેલ્વે તંત્રના અધિકારીઓને પણ સૂચન કરવામાં આવ્યું છે.

 ગાંધીનગરનું રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલનું કામ 2020ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. એ ઉપરાંત અમદાવાદ અને મુંબઇ વચ્ચેના સુપર એક્સપ્રેસ હાઇવેના કામમાં ઝડપ કરવા પણ સૂચના આપી છે. સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગેના વિવિધ પાસાંઓની વિચારણા કરી આ કામગીરી ફાસ્ટ ટ્રેક પ્રોજેકટ તરીકે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

90 બિલિયન યુએસ ડોલરના સંભવિત રોકાણ સાથે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરની બન્ને બાજુએ 150 કિલોમીટર વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવશે. આ પ્રવૃત્તિ દિલ્હી થી વાયા ગુજરાત મુંબઇ સુધી થવાની છે. ડીએફસી ઉચ્ચ એક્સેલ મલ્ટી મોડલ અને કોમ્પ્યુટરાઈઝડ લક્ષણો સાથે નવી રેલ પરિવહન સિસ્ટમ છે

 ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ડીએફસીનો કુલ વિસ્તાર 1500 કિલોમીટરનો છે જે પૈકી ગુજરાતમાં તેની લંબાઇ 564 કિલોમીટરની છે. એટલે કે કુલ કોરિડોર પૈકી 38 ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. 2021માં આ કોરિડોરનું કામ પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાં ઔદ્યોગિક ઉત્પાદન ત્રણગણું વધી જશે, કારણ કે કોરિડોરની આસપાસ ઉદ્યોગો સ્થપાઇ રહ્યાં છે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp