ગુજરાતના 40 ટકા ઉદ્યોગો બેફામ પ્રદૂષણ કરતા હોવા છતાં મામૂલી દંડ ભરી છૂટી જાય છે

PC: dnaindia.com

ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો મામૂલી દંડ ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, ગ્રીનરી સમાપ્ત થઇ રહી છે.

5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન છે. આ વખતની થીમ ઇકો સિસ્ટમની પુનસ્થાપના રાખવામાં આવી છે પરંતુ ગુજરાતમાં પ્લાસ્ટીક સહિનના પ્રદૂષકોની માત્રા પાણી અને જમીનનો બગાડ કરે છે છતાં એવા ગુનેગારો સામે પગલાં લેવામાં આવતા નથી. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી પાણી અને વાયુનું પ્રદૂષણ વધારે જોવા મળે છે. રાજ્યની 80 ટકા નદીઓમાં પ્રદૂષણ છે.

પ્રદૂષણ બોર્ડનો એવો નિયમ છે કે ફરિયાદના આધારે જે ઉદ્યોગજૂથ પ્રદૂષણ ફેલાવતું હોય તેને સીલ મારીને દંડ વસૂલ કરવામાં આવે છે પરંતુ કાયદાની છટકબારી પ્રમાણે મામૂલી દંડ ભરીને ઉદ્યોગજૂથ સીલ ખોલાવી દેતું હોય છે અને ફરીથી પ્રદૂષણ કરવા પ્રેરાય છે. રાજ્યના પર્યાવરણવિદ્દોની મહેનત એળે જાય છે.

પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પર્યાવરણિય નિયમોના ભંગ બદલ નોટિસ અપાય છે અને દંડ લેવાય છે પરંતુ કસૂરવારોને જેલની સજા ભાગ્યે જ થતી હોય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે બેન્ક ગેરંટી સ્કીમ અને પર્યાવરણને નુકશાન બદલ કાયદાકીય દંડ વસૂલ કરવાની સત્તા છે. આ રકમ પર્યાવરણિય કાર્યો માટે કરવાની હોય છે પરંતુ તેમાંથી ખર્ચ કરવામાં આવતો નથી.

રાજ્યના પર્યાવરણવિદ્દ મહેશ પંડ્યાએ કહ્યું છે કે ગુજરાતમાં 40 ટકા ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે જે પૈકી 25 ટકા ઉદ્યોગોના ગંદા પાણી નદી અને સમુદ્દમાં ઠલવાય છે. બીજી તરફ હલકાં પ્લાસ્કીકનું ચલણ વધતું જાય છે. રાજ્ય સરકારે પાંચ વખત પ્લાસ્ટિક ફ્રી ગુજરાતના આદેશ કર્યા છે તેમ છતાં આજેપણ બજારમાંથી પ્લાસ્ટિક અદ્રશ્ય થયું નથી. ઉદ્યોગોના પ્રદૂષણો હવા અને પાણી ખરાબ કરી લોકોના આરોગ્યને જોખમાવે છે છતાં દંડની રકમનો ઉપયોગ ઇકો રિસ્ટોરેશન માટે થતો નથી.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બેન્ક ગેરંટી સ્કીમ મુજબ જો કોઇ ઉદ્યોગ પર્યાવરણના કાયદાનો ભંગ કરે તો તેની પાસેથી 25000 રૂપિયાથી લઇને 1,00,00,000 રૂપિયા સુધીની બેન્ક ગેરંટી લેવાય છે અને તે નિયમોનો ભંગ કરે તો બેન્ક ગેરંટી જપ્ત કરાય છે. પરંતુ તે જમા થયેલી રકમને પર્યાવરણ જાળવણી કે પ્રદૂષણથી નુકસાનની ભરપાઇ કરવા માટે થતો નથી. એ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચૂકાદા મુજબ ઉદ્યોગો પ્રદૂ્ષણ કરે અને તેનાથી જે નુકસાન થાય તેની આકારણી કરીને એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન (ઇડીસી)ની રકમ તેમની પાસેથી લેવામાં આવે છે, આ રકમ ક્યાં જાય છે તે ખબર પડતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp