સોલર પ્રોજેક્ટ્સથી રૂ. 10000 કરોડથી પણ વધુ રકમનું મૂડી રોકાણ આવશેઃ ઉર્જામંત્રી

PC: Khabarchhe.com

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપી અને ગ્રીન એનર્જી હબ બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સની એક અનોખી યોજના હેઠળ 2500 મેગાવોટ સૌર ઊર્જા માટે PPA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ વર્ષ 2022ના અંત સુધીમાં પૂરા કરવામાં આવશે અને જળવાયુ પરિવર્તનના વૈશ્વિક એજન્ડામાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત કરેલ 175 ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ 2022 સુધી અને 450 ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ 2030 સુધી હાંસલ કરવાના દેશના મિશનને વેગ આપીને ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરશે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, CM વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે આવા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સની મારફતે આટલી મોટી ક્ષમતા માટે વીજ ખરીદીના કરાર કર્યા હોય. આ સોલર ક્ષમતાઓનો વિકાસથી માત્ર બિન ઉપજાઉ જમીનના અનેક નાના વિસ્તારોમાં સોલર પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ નાના રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોની તેમાં ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે. તેમણે ઉમેર્યું કે, આ તમામ સોલર પ્રોજેક્ટ્સ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આવવાના હોવાથી રિન્યૂઅબલ એનર્જીની ક્ષમતા ઉમેરાતા રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે સાથે રાજ્યના વર્તમાન મજબૂત વીજ ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્કનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની તક મળી રહેશે. આ સોલર પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં રૂ. 10 હજાર કરોડથી પણ વધુ રકમનું ગ્રીન ઊર્જા અને તેના એલાઇડ સેક્ટર ક્ષેત્રે મૂડી રોકાણ આવશે.

ઊર્જામંત્રીએ ઉમેર્યું કે, અગાઉ રાજ્ય સરકારે વર્ષ 2019માં "સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સના વિકાસ માટેની નીતિ" જાહેર કરી હતી જેનો ઉદ્દેશ રાજ્યના વીજ વિતરણ નેટવર્કમાં 0.5 મેગાવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સના વિકાસને ઝડપી અને સરળ બનાવવાનો છે. કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા ખાનગી જમીન ધરાવતા હોય તે જમીન ઉપર અથવા PPAના સમયગાળા માટે ખાનગી જમીન લીઝ ઉપર લઈ પ્રોજેકટ સ્થાપી કરાર કરી શકે તેવી આ પોલિસી હેઠળ આવા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ સ્થાપવા અને 25 વર્ષના સમયગાળા માટે પ્રતિ યુનિટ રૂ. 2.83ના દરથી રાજ્યની વીજ વિતરણ કંપનીઓને ઉત્પાદિત વીજળી આપવા માટે અગાઉ GUVNL દ્વારા અરજીઓ મંગાવાઈ હતી. આ પોલિસીને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓ – પશ્ચિમ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીઓ ખાતે વિવિધ વ્યક્તિઓ, માલિકી કંપનીઓ, ભાગીદારી કંપનીઓ, કંપનીઓ વગેરે સહિત નાના પાયાના પ્રોજેક્ટ ડેવલપર્સ દ્વારા કોરોના મહામારીની વિપરીત પારિસ્થિતિ હોવા છતાં ફક્ત ત્રણ મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન કુલ 12,404 અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેની કુલ ક્ષમતા 7,959 મેગાવોટ હતી. આ અરજદારોને ટ્રાન્સમિશન નેટવર્કની કનેક્ટિવિટી વહેલા તે પહેલાના (ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ) ધોરણે ફાળવવામાં આવી હતી. આવા સોલર પ્રોજેક્ટ્સ વિકાસકર્તાઓ દ્વારા કોરોના મહામારીના સંજોગોમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ રાજ્યના રેગ્યુલેટર - જી.ઇ.આર.સી. દ્વારા PPAના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવેલ અને આ રૂ. 2.83 પ્રતિ યુનિટ લેખેના PPA પર હસ્તાક્ષર કરવાની તારીખ 31/05/2021 સુધી લંબાવાઈ હતી.

તેમણે ઉમેર્યું કે, કોરોનાની બીજી લહેર અને વિનાશક તાઉતે વાવાઝોડાની અસર વચ્ચે પણ સોલર પ્રોજેક્ટ્સ ડેવલપર અને ઉદ્યોગસાહસિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા એપ્રિલ તથા મે-2021 ફક્ત બે મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન, વીજ વિતરણ કંપનીઓ દ્વારા કુલ 3979 PPA પર વીજ ખરીદના કરાર કરવામાં ભવ્ય સફળતા મળી છે. જેની કુલ સ્થાપિત સોલર વીજ ક્ષમતા 2480 મેગાવોટ થાય છે. આ 3979 સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ PPAની તારીખથી 18 મહિનામાં કમિશન થશે.

વધુ વિગતો આપતા ઊર્જા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પોલિસી હેઠળના કોઈપણ પ્રોજેકટ માટે સરકારી જમીન ઉપયોગ માટે આપવામાં આવેલ નથી. આ પ્રોજેકટના અમલીકરણ માટે ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા(જેડા)ને રાજ્ય સરકાર દ્વારા નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના ખેડૂતો તેમની બિનઉપજાઉ જમીન ઉપર ખેડૂત પોતે પ્રોજેકટ સ્થાપીને કે જમીનને લીઝ ઉપર આપીને આવક પ્રાપ્ત કરી શકે તે હેતુથી જાહેર કરાયેલ આ નીતિ અંતર્ગત આ પ્રકારના નાના સોલાર પ્રોજેકટ સ્થપાવાના કારણે જે તે વિસ્તારમાં ખેડૂતોની આવક પણ વધશે તેમજ રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે તેમ મંત્રી સૌરભ પટેલે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp