કેમિકલ માફિયા સંદીપ ગુપ્તા સાથે અધધ 22 પોલીસ કર્મચારીઓ સંપર્કમાં!

PC: khabarchhe.com

(હરેશ ભટ્ટ).સચિન જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલ વખતે સર્જાયેલી દુર્ઘટનામાં 6 નિર્દોષ શ્રમિકોનાં મોત થયાં એ ઘટનામાં સંડોવાયેલા સૂત્રધાર કેમિકલ માફિયા સંદીપ ગુપ્તાના સંપર્કમાં એક બે કે ત્રણ નહીં પણ અધધ કહી શકાય તેટલા એટલે કે 22 જેટલા પોલીસ કર્મચારીઓ સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત રીતે આદરેલી તપાસમાં આ હકીકત સપાટી પર આવી ચૂકી હોવાનું પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

છેલ્લાં પાંચ વર્ષથી એટલે કે 2016થી સંદીપ ગુપ્તા આ રીતે કેમિકલનો ગેરકાયદે નિકાલ કરવાનું કારસ્તાન કરે છે. જેના કારણે તેને એક પછી એક એમ પોલીસ કર્મચારીઓ સાથે સંપર્ક થવા લાગ્યો. આજે લગભગ 22 જેટલા પોલીસ કર્મચારી તેના સીધા સંપર્કમાં હોવાનું સપાટી પર આવ્યું છે. જેમાં સચિન, સચિન જીઆઈડીસી, પાંડેસરા, ક્રાઇમ બ્રાન્ચ. પીસીબી અને એસઓજીનો સમાવેશ થાય છે.

એક વાત એ પણ સૂત્રો પાસેથી જાણવા મળી છે કે જોરુ, જલય અને ગુલાબ નામના ત્રણ પોલીસ કર્મચારી સાથે સંદીપ ગુપ્તાને ખાસ સાંઠગાંઠ છે. જેના કારણે જોરુ નામના પોલીસ કર્મચારી મારફતે પુરતી ગોઠવણ કરી સંદીપ ગુપ્તા પોલીસ સમક્ષ હાજર થયો હોવાનો ગણગણાટ પણ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો.

સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ સંદીપ ગુપ્તા ત્રણ મોબાઈલનો ઉપયોગ કરતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો તેના મોબાઈલનું બારિકાઈથી નિરિક્ષણ કરશે તો આ 22 કર્મચારી સાથેના તેના સંપર્કો નક્કી થઈ જશે.

દુર્ઘટના બની તે દિવસે હિકલ કંપનીનાં પાંચ ટેન્કરો આવ્યાં હતાં

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટના સર્જાઈ તે દિવસે હિકલ કંપનીનાં કુલ પાંચ ટેન્કરો આ રીતે કેમિકલનો ગેરકાયદે નાશ કરવા આવ્યાં હતાં. જેમાંથી ચાર ખાલી થઈ ગયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp