CM રૂપાણીનો મોટો નિર્ણય, સંખ્યાબંધ કંપનીઓને વાયબ્રન્ટમાંથી કરી આઉટ

PC: khabarchhe.com

 ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટમાં જે કંપનીઓએ રાજ્ય સરકાર સાથે એમઓયુ સાઇન કર્યું છે અને પછી તે કંપની બેન્કોના દેવા નીચે દબાયેલી છે અથવા તો બેન્ક ફ્રોડમાં ફસાયેલી છે તેવી કંપનીઓને પ્રોજેક્ટ નહીં આપવાનું નક્કી કરીને સરકારે અનેક પ્રોજેક્ટ રદ કરી દીધા છે.

પ્રોજેક્ટ રદ કરવાના બીજા કારણોમાં પર્યાવરણની મંજૂરી નહીં મળતાંકંપની તરફથી પ્રોજેક્ટનું કામ શરૂ નહીં થતાં અથવા તો બેન્કોના દેવાં વધી જતાં બિનકાર્યક્ષમ બનેલી કંપનીઓને સમાવેશ થાય છે. આ કામગીરી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂ કરી છે. રૂપાણીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી સાથે સંકળાયેલા આઇએલએન્ડ એફએસ કંપનીને દૂર કરી છે, કારણ કે આ કંપનીએ બેન્કોની લોન ચૂકવવામાં દેવાળું કાઢ્યું છે.

ગુજરાતમાં સૌથી વધુ પ્રોજેક્ટ રદ થઇ રહ્યાં છે તે બંદર વિભાગને લગતા છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે થયેલા એમઓયુ પછી મોટી કંપનીઓ પ્રોજેક્ટમાંથી સરકી રહી છે અથવા તો સરકાર પ્રોજેક્ટ રદ કરી રહી છે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા છ મહિનામાં પ્રોજેક્ટ રદ થવાથી રાજ્યમાં આવી રહેલું 30,000 કરોડનું મૂડીરોકાણ અટકી ગયું છે. સરકાર માટે આ મોટો આંકડો ગણી શકાય તેમ છે.

રાજ્યમાં પ્રોજેક્ટ શરૂ કરવા ઇચ્છતી કંપનીઓના પ્રોજેક્ટ ખતમ થઇ રહ્યાં છે. જે કંપનીઓ બેકરપ્ટ છે તેમની પાસેથી સરકારને 325 કરોડ રૂપિયા લેવાના નિકળે છે. સરકારે રદ કરેલા આ પ્રોજેક્ટોમાં કંપની પાસેથી વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. જે રકમ લેવાની થાય છે તેમાં વિવિધ ચાર્જીસનો સમાવેશ થાય છે. બંદર વિભાગમાં થયેલા મોટાભાગના એમઓયુ પડતા મૂકાયા છે અથવા તો સરકારે રદ કરી દીધા છે.

કેટલીક કંપનીઓને પર્યાવરણીય મંજૂરી નહીં મળતાં અને આર્થિક રીતે પોસાય તેવા નહીં હોવાથી તેમના પ્રોજેક્ટ ડ્રોપ કર્યા છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડે પીપાવાવ બંદર માટેનો એક પ્રોજેક્ટ રદ કર્યો છે. કન્ટેનર ટર્મિનલ અને એલપીજીના વિસ્તારના પ્રોજેક્ટમાં 6000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે મૂડીરોકાણ થવાનું નથી. કંપનીએ તેનો પ્રોજેક્ટ ડ્રોપ કર્યો છે.

મેરીટાઇમ બોર્ડના અધિકારીના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં નિરમા કંપનીનો ગ્રીનફિલ્ડ પોર્ટનો પ્રોજેક્ટ રદ થયો છે. આ પ્રોજેક્ટમાં કંપની 1000 કરોડનું મૂડીરોકાણ કરવાની હતી. એવી જ રીતે બેન્કોનું દેવું વધી ગયું છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાયનાન્સ સર્વિસિઝ (આઇએલએન્ડએફએસ) કંપનીના 4000 કરોડ રૂપિયાના મૂડીરોકાણના કચ્છના શીપયાર્ડના પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યા છે.

આ કંપનીની પેટા કંપની સીએલ લેન્ડ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ખંભાતના અખાતમાં 1200 કરોડના મૂડીરોકાણના બંદર ડેવલપ કરવાના પ્રોજેક્ટને સરકારે રદ કર્યો છે. આ કંપનીએ દેવાળું ફૂંક્યું છે તેથી સરકાર તેના પ્રોજેક્ટ રદ કરી રહી છે. એબીજી શિપયાર્ડને પણ મોટો ઝટકો લાગ્યો છે. સરકારે તેની એક યોજના રદ કરી છે. આ કંપનીએ 5000 કરોડના ખર્ચે મગદલ્લા અને દહેજમાં બે શિપયાર્ડ યોજનાઓ બનાવવાનું નક્કી કર્યું હતું પરંતુ આ કંપની પણ બેન્કોના દેવામાં ડૂબેલી હોવાથી સરકારે સામેથી પ્રોજેક્ટ રદ કર્યા છે.

ગયા વર્ષના અંતે સરકારે કાર્ગો મોટર્સ સાથે પીપીપી સમાપ્ત કર્યો છે. એ જ પ્રમાણે સ્ટર્લિંગ ગ્રુપ સાથે સરકારે નારગોલ અને દહેજમાં પોર્ટનો એક પ્રોજેક્ટ સાઇન કર્યો હતો. આ પ્રોજેક્ટમાં કંપની 4100 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા જઇ રહી હતી. આ પ્રોજેક્ટને પણ રદ કરવામાં આવ્યો છે.

ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના ગિફ્ટ સિટીમાંથી બેન્ક ફ્રોડ કંપની આઇએલ એન્ડ એફએસને પણ સરકાર હટાવી રહી છે. આ કંપનીએ ગિફ્ટ સિટીમાં બે ટાવર બનાવવામાં 1200 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ પછી કંપનીએ દેવાળું ફૂંકતા ગુજરાત સરકારે તેનું મૂડીરોકાણ દૂર કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ કેટલીક જગ્યા વેચવા કાઢી છે અને સરકારે 50 ટકા હિસ્સો સમાપ્ત કર્યો છે. આ કંપનીના ગુજરાતમાં જેટલા પ્રોજેક્ટ ચાલતા હશે તે તમામમાં સરકારે પગલાં લેવાનું નક્કી કર્યું છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp