14 વર્ષ બાદ વધ્યો માચીસનો ભાવ, આજથી બેગણી કિંમતે મળશે

PC: google.com

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ આમ તો અનેક ચીજો પર સીધી કે આડકતરી અસર ઉભી કરી છે, પણ એક એવી વસ્તુ છે જેના ભાવ છેલ્લાં 14 વર્ષમાં વધ્યા જ નહોતા, પરંતુ હવે તેના પણ ભાવ વધી ગયા છે. અમે વાત કરી રહ્યા છે માચીસની. માચીસના ભાવ છેલ્લા 14 વર્ષથી 1 રૂપિયો જ છે, પરંતુ ડિસેમ્બર 2021થી તેનો ભાવ 2 રૂપિયા થઈ ગયો છે. માચીસ ઉત્પાદકોએ સર્વસંમતિથી ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ મેચ ઇન્ડસ્ટ્રીઝની શિવાકાશીમાં ગુરુવારે બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર 2021થી માચીસના ભાવ 2 રૂપિયા કરી દેવામાં આવશે. આ પહેલાં વર્ષ 2007માં માચીસનો ભાવ 50 પૈસાથી વધારીને 1 રૂપિયો કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઉત્પાદકોએ કહ્યું હતું કે માચીસ બનાવવા માટે 14 કાચા માલની જરૂરિયાત પડતી હોય છે.

જેમાં લાલ ફોસ્ફરસનો ભાવ કિલોએ રૂપિયા 425થી વધીને 810 રૂપિયા થઇ ગયો છે, વેક્સનો ભાવ 58 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઇ ગયો છે, બહારના બોક્સનો ભાવ 36 રૂપિયાથી  55, અંદરના બોક્સનો ભાવ 32 રૂપિયાથી વધીને 58 રૂપિયા થઇ ગયો છે. ઉપરાંત કાગળ, પોટેશિયમ કલોરેટ અને સલ્ફરના ભાવોમાં પણ 10 ઓકટોબરથી વધારો થયો છે. ડીઝલના ભાવ વધારાએ પણ બોજ વધાર્યો છે.

નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેકચરર્સ એસોસિયેશનના સચિવ વી એસ સેથુરથિનમે ટાઇમ્સ ઓઇ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 600 માચીસ (દરેક બોક્સમાં 50 દિવાસળી)નું એક બંડલ અમે 270 રૂપિયાથી 300 રૂપિયામાં વેચી રહ્યા છીએ. પરંતુ હવે તે વધારીને 430થી 480 રૂપિયા સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં 12 ટકા જીએસટી અને ટ્રાન્સોપર્ટેશન કોસ્ટ સામેલ નથી.

તામિલનાડુમાં માચીસ ઉદ્યોગ સાથે સીધી કે આડકતરી રીતે લગભગ 4 લાખ લોકો  જોડાયેલા છે, જેમાં પણ 90 ટકા જેટલી તો મહિલાઓ આ ઉદ્યોગમાં કામ કરી રહી છે. માચીસના ભાવ વધારાની લોકોના બજેટ પર કોઇ ખાસ અસર પડશે નહીં, કારણ કે હવે મોટાભાગના ઘરોમાં માચીસને બદલે લાઇટરનો ઉપયોગ થતો થઇ ગયો છે. બીજું કે માચીસનો ઘરમાં વપરાશ હોય તો પણ 1 રૂપિયાનો ભાવ વધારાથી કોઇ ફરક પડવાનો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp