રાજકીય સ્થિરતા હોવાથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ ઉડીને આંખે વળગે એવો: ડી.થારા

PC: khabarchhe.com

વેપાર અને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્ય રહ્યું છે. રાજ્યમાં તમામ પ્રકારના ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ છે ત્યારે વેપારની પ્રવૃતિમાં વધારો થાય અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતની નવી ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે ગુજરાતના સાતત્યપૂર્ણ પરિણામલક્ષી પ્રયાસોની પ્રતીતિ વાયબ્રન્ટ સમિટના નવમી શૃંખલાના આજે દ્વિતિય દિવસે ગ્લોબલ કોન્કલેવ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ વિષયક મહત્ત્વપૂર્ણ સેમિનારમાં મનનીય વિચારો પર ચર્ચા વિચારણા થઈ હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ-જીસીસીઆઈના પ્રમુખ ડો. જૈમીન વસાએ મહ્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, જીસીસીઆઈ દ્વારા ગ્લોબલ કોન્કલેવ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ફોરમની સ્થાપના કરવામાં આવી છે. આ ફોરમ વિશ્વના દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની સંભાવના તથા વેપારની નવી દિશાઓ અંગે ચર્ચા વિચારણા કરશે. આ ફોરમ દર બે વર્ષે વાયબ્રન્ટ સમિટની સાથે યોજાશે. જે માટે વિશ્વના દેશોનો સંપર્ક કરવામાં આવશે. આ સાથે વસાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગના કારણે આજે વેપાર-ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વ એક નાનું ગામડું બની ગયું છે. બધા દેશોની ભાષા-પહેરવેશ-કુદરતી સંપત્તિ-ઉદ્યોગનીતિ અલગ અલગ હોવા છતા વિકાસ વૈશ્વિક ભાષા બની ગઈ છે. તેમણે સેમિનારનો મહત્ત્વના ઉદ્દેશો સ્પષ્ટ કરતા જણાવ્યું કે આ સેમિનાર ગુણવત્તાના માપદંડ તથા વેપાર વાણિજ્યની ભવિષ્યની જરૂરિયાતો ઉપર વિમર્શ કરી તેના પરિણામલક્ષી પગલાં ભર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.

GIDCના વાઈસ ચેરમેન ડી. થારાએ સેમિનારનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, દેશની કુલ વસ્તીના છ ટકા જનસંખ્યા હોવા છતા ગુજરાતનો મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે 22 ટકા હિસ્સો રહ્યો છે. દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. તેમણે ગુજરાતમાં થયેલા ઔદ્યોગિક મૂડીરોકાણ વિશે વિગત આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં વહીવટી પારદર્શિતા, ઉદ્યોગગૃહો અને શ્રમિકો વગેરેના તંદુરસ્ત સંબંધો તથા ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી નીતિઓની સાથે રાજકીય સ્થિરતા હોવાથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ ઉડીને આંખે વળગે એવો રહ્યો છે. આ સાથે ગુજરાતમાં ઉપલબ્ધ આંતરમાળખાકીય સુવિધા તેમજ કૌશલ્યવાન યુવાધનના કારણે ઉદ્યોગગૃહો મૂડીરોકાણ કરવા ઉત્સુક છે. ગુજરાતનું ભૌગોલિક સ્થાન તેના વિકાસનું પ્રેરકબળ રહ્યું છે. ગુજરાત દરિયાઈ માર્ગે મધ્ય એશિયા અને આફ્રિકા ખંડ સાથે જોડાયેલો છે. જેના પરિણામે રાજ્યમાં ડિેફેન્સ, એરોસ્પેસ, પે્ટ્રોકેમિકલ્સ, ફાર્મા સ્યુટિકલ અને ઓટોમોબાઈલ જેવાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ જોવા મળી રહ્યો છે.

પ્રસ્તુત સેમિનારમાં અમેરિકાના એરીઝોના, કેન્તુર્કી, હોંગકોંગ, ઓમાન, દુબઈ, શ્રીલંકા, કેન્યા, સિંગાપુર દેશના વેપારી સંસ્થાના પ્રતિનિધિઓએ ઔદ્યોગિક વિકાસ તથા મૂડીરોકાણની સંભાવના વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આ સાથે, સાર્ક દેશના ભારતના પ્રતિનિધિ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, યુરોપિય વેપાર સંગઠન, નેધરલેન્ડ, ઘાના, ઉઝબેકિસ્તાન, યુગાન્ડા, બ્રિક્સ સંગઠન ઉપરાંત પંજાબ, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર રાજ્યોના વેપારી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. આ તમામ પ્રતિનિધિઓએ ગુજરાત સરકાર દ્વારા વેપારી સંગઠનોને એક મંચ પર લાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જી.એસ.ટી.ના ચીફ કમિશનર ડૉ. પી. ડી. વાઘેલાએ વિવિધ વૈશ્વિક વેપારી સંગઠનોને એક મંચ પર લાવી વિકાસના નવા પરિમાણો સિદ્ધ કરવાનો સફળ પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ પ્રથમ પગલું છે અને આગામી વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોને માટે વિકાસના નવતર ક્ષેત્રો ખૂલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp