સરકાર ઉદ્યોગો માટે નવી નીતિ લાવી રહી છે, જાણો ક્યા ઉદ્યોગોને કેવા ફાયદા થવાના છે

PC: dnaindia.com

ગુજરાતમાં મોટા ઉદ્યોગોને સ્થાન મળે અને ઇનોવેટીવ ઉદ્યોગોનું આગમન થાય તે હેતુથી રાજ્ય સરકારે ગયા મહિને જ પૂર્ણ થયેલી એક નીતિને સુધારા અને સંશોધન સાથે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. નીતિ મેગા અને ઇનોવેટીવ ઉદ્યોગો માટે નાણાકીય અને જમીન સહાય સહિતનું કામ કરશે.

ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે અગાઉ જાહેર કરેલી મેગા અને ઇનોવેટીવ સ્કીમમાં જે ત્રુટીઓ અને મુશ્કેલીઓ હતી તેને દૂર કરી નવી સ્કીમમાં ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન અપાશે. આ નીતિમાં નવા કેટલાક સેક્ટરનો પણ ઉમેરો કરવાનો થાય છે.

તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી નીતિમાં નાણાકીય ઉપરાંત અન્ય તમામ પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવનાર છે. રાજ્યમાં બિનપરંપરાગત ઉર્જા, ઇલેક્ટ્રિક વાહન અને નોન પોલ્યુટેડ ઉદ્યોગોમાં વધુને વધુ મૂડીરોકાણ આવી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રોને પણ નીતિમાં સમાવવા સૂચનો કરવામાં આવ્યા છે.

ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે સરકારનો ઇરાદો એવો છે કે આ નીતિમાં નવા ક્ષેત્રોને જોડવામાં આવે કે જેથી તેમને સરકારી યોજનાનો લાભ મળી શકે. અત્યારે મૂડીરોકાણ અને રોજગારીની જે મર્યાદા છે તેમાં પણ ફેરફાર કરાશે. સરકાર મૂડીરોકાણ સામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં પણ પ્રોત્સાહન આપી શકે છે. નીતિ જાહેર કરતાં પહેલાં સરકાર સંભવિત મેગા અને ઇનોવેટીવ ઉદ્યોગના સંચાલકો સાથે પરામર્શ પણ કરવા માગે છે.

ઉદ્યોગ અને નીતિ સાથે જોડાયેલા અધિકારીઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ અન્ય રાજ્યમાં પ્રસ્થાપિત થયેલી મેગા ઉદ્યોગોની અલગ અલગ નીતિઓનો અભ્યાસ અને સમીક્ષા પણ કરે કે જેથી ગુજરાતની આ નીતિ વધારે લાભપ્રદ બની રહે.

રાજ્યની મેગા અને ઇનોવેટીવ સ્કીમ 30મી જૂન 2021ના રોજ સમાપ્ત થઇ ચૂકી છે તેથી હવે નવી આકર્ષક નીતિની જાહેરાત કરવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે. અગાઉની નીતિમાં 1000 કરોડનું મૂડીરોકાણ અને 2000 લોકોને રોજગારી હોય તેને મેગા પ્રોજેક્ટ તેમજ 500 કરોડનું મૂડીરોકાણ અને 1000 લોકોને રોજગારી હોય તેને ઇનોવેટીવ પ્રોજેક્ટ કહેવાતો હતો પરંતુ હવે આ મર્યાદામાં પણ અભ્યાસને અનુરૂપ ફેરફાર કરવાની વિચારણા સરકારે હાથ ધરી છે.

જૂની નીતિમાં ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, શીપ બિલ્ડીંગ એન્ડ રિપેર, સેમિ કન્ડક્ટર ફેબ્રિકેશન, નેનો ટેકનોલોજી, એરક્રાફ્ટ માટે મેન્ટેનન્સ, રીપેર અને ઓવરહોલ એટલે કે એમઆરઓ હબ સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત કોર ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં આવતા મેટ્રો રેલ, લોજીસ્ટીક પાર્ક, રેલવે લાઇન, ફાસ્ટ પેસેન્જર ટ્રેઇન અને હાઇ સ્પીડ ટ્રેઇન જેવા પ્રોજેક્ટને પણ તેમાં આવરી લેવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે મેગા અને ઇનોવેટીવ પ્રોજેક્ટમાં સરકાર ઉદ્યોગો માટે મેરીટના ધોરણે નાણાકીય સહાય કરશે. ખાસ કિસ્સામાં જમીન ઉપયોગ તેમજ લેન્ડ ટેન્યોર કન્વર્ઝનમાં મદદ કરશે. સહાયિત ઉદ્યોગોની સ્થાપના માટે જીઆઇડીસી જમીન શોધવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp