ભારત સરકારે જાહેર કરેલા સ્ટાર્ટઅપ રેન્કીંગ-2019માં ગુજરાત જુઓ કયા નંબરે આવ્યું

PC: techcircle.in

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે સતત બીજીવાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની ગૌરવ સિદ્ધિ મેળવી છે. ભારત સરકારના ડીપીઆઇઆઇટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા દેશના રાજયોના સ્ટાર્ટઅપ રેન્કીંગ-2019માં ગુજરાતે સતત બીજા વર્ષે આ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

ગુજરાત ઊદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના ઊદ્યોગ સાહસિકો, યુવાઓની આ ઊદ્યમીતાને સરકારના અનેક નવિનતાભર્યા પ્રોત્સાહનોથી બળ મળતું રહે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વ્યાપક અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પણ સફળતાપૂર્વક અમલી કરી છે.

વિજય રૂપાણીની રાજ્યના યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાની આવી પહેલ તેમજ સાતત્યપૂર્ણ અને સતત મદદને પગલે ગુજરાતે 2017માં પ્રાઇમિનિસ્ટર્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન પબ્લીક એડમિનિસ્ટ્રેશન મેળવેલો છે. એટલું જ નહિ, સ્ટાર્ટઅપ ઇન્ડીયા પ્રોગ્રામના સફળ અમલીકરણ માટે 2018ના વર્ષનો બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકેનો એવોર્ડ પણ ગુજરાતે હાંસલ કર્યો હતો.

હવે, 2019ના વર્ષનો પણ સ્ટાર્ટઅપ ક્ષેત્રે બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ જિતીને ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં નવું સિમાચિન્હ અંકિત થયું છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, 2019ના સ્ટાર્ટઅપ રેન્કીંગ ફ્રેમવર્કમાં 7 રિફોર્મ્સ એરિયાઝ અને 30 જેટલા એકશન પોઇન્ટસની કસોટી એરણે ગુજરાતે શ્રેષ્ઠતા મેળવી છે. આ 30 પોઇન્ટસમાં મુખ્યત્વે ઇન્સ્ટીટયુશનલ સપોર્ટ, ઇઝીંગ કોમ્પ્લાયન્સીસ, રિલેક્ષેશન ઇન પબ્લીક પ્રોકયોરમેન્ટ નોર્મ્સ, ઇન્કયુબેશન સપોર્ટ, સિડ ફંડીંગ સપોર્ટ, વેન્ચર ફંડીંગ સપોર્ટ તેમજ અવેરનેસ એન્ડ આઉટ રીચમાંથી ગુજરાતે બહુધા પોઇન્ટસમાં લીડર-અગ્રેસરતા હાંસલ કરેલી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2020માં પણ સ્ટાર્ટઅપને સિડ સપોર્ટ, સસ્ટેઇનન્સ એલાઉન્સ, સ્કીલ ડેવલપમેન્ટ માટે સહાય, સોશિયલ ઇમ્પેકટ ધરાવતા સ્ટાર્ટઅપને વધારાની સહાય જેવા અનેક પ્રોત્સાહનો જાહેર કરેલા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્કીમ ફોર આસીસ્ટન્સ ફોર સ્ટાર્ટઅપ-ઇનોવેશન અન્વયે 1500 કરતા વધુ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે અને રૂ. 30 કરોડ કરતા વધુ રકમની નાણાં સહાય 260 થી વધુ સ્ટાર્ટઅપને આપવામાં આવેલી છે. રાજ્યમાં આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સ્ટાર્ટઅપ પોલિસી તહેત રપ થી વધુ સ્ટાર્ટઅપ અને 6 ઇન્કયુબેટર્સને રૂ. 2 કરોડ જેટલી નાણાં સહાય અપાઇ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં 130થી અધિક યુનિવર્સિટી, કોલેજો અને 800 સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સપોર્ટ સરકારે આપેલો છે.

ગુજરાતમાં કોલોબરેટીવ પ્લેટફોર્મ સાથેની ઇકોસિસ્ટમ દ્વારા સ્ટાર્ટઅપ, ઇન્કયુબેટર્સ, ઇન્વેસ્ટર્સ, રાજ્ય સરકાર અને અન્ય હિત ધારકો મળીને યુવાનોના વિચારોને વાસ્તવિક રૂપ આપવાનું સાનુકૂળ વાતાવરણ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બધાના સમન્વય અને સહયોગથી ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુ સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીની આ પ્રતિબદ્ધતામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતને મળેલું આ બેસ્ટ પરફોર્મર સ્ટેટ રેન્કીંગ-2019 એક નવું સિમાચિન્હ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp