26th January selfie contest
BazarBit

રાજ્યના ઉદ્યોગોકારોને જાણો શું કરવા માટે મુખ્યમંત્રીએ કહ્યું

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઉદ્યોગો ક્વોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઉદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની GIDCમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટસ-બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજી-રોટી મળતી થાય તેવી આ સરકારની સ્પષ્ટ નેમ છે.

રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોએ પણ પહેલીવાર તેમના પ્રશ્નોનો 100 ટકા નિકાલ થયો છે તેનો સંતોષ વ્યકત કરતા મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDCના ઉપક્રમે યોજિત ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં ટંકારાની છત્તર-મીતાણા જી.આઇ.ડી.સી.માં 127 MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરાઇઝ ડ્રો થી પ્લોટ ફાળવણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસેથી કરી હતી.

તેમણે ભરૂચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના પ્રદૂષિત-ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના 40 MLDના બે CETP પ્લાન્ટસના લોકાર્પણ પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત વિશ્વના વેપાર ઉદ્યોગકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા FDIના રોકાણ આંકડા મુજબ ગુજરાતમાં 240 ટકાનો વધારો થયો છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સ્પષ્ટ નિતી, ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગોને મોકળા વાતાવરણને કારણે વિશ્વના ઉદ્યોગો ગુજરાતમાં રોકાણો માટે આવવા મોટા પાયે પ્રેરિત થાય છે. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લામથકોએથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા ઉદ્યોગકારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણની મહામારી બાદ MSME એકમોને બેઠા કરવા રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી રૂ. 3.50 લાખ કરોડ ફાળવ્યા છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, 1 લાખ 65 હજાર જેટલા એકમોએ 9 હજાર કરોડનો લાભ મેળવ્યો છે. એટલું જ નહિ, ગુજરાતમાં પણ એટ વન કલીક રૂ. 1371 કરોડની સહાય 13 હજારથી વધુ MSMEને આપીને દરેક ક્ષેત્રના હરેક લોકોને કામ મળે, રોજગારી મળે તે માટે પહેલરૂપ કામગીરી કરી છે.

વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતે હંમેશા દેશને માર્ગ ચીંધ્યો છે. ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણની જાળવણીને પણ અગ્રતા આપી છે અને ઔદ્યોગિક વસાહતોમાં CETP પ્લાન્ટ દ્વારા ઉદ્યોગોના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ GIDCની માળખાકીય સુવિધાઓને કારણે ઉદ્યોગકારોનો વિકાસ થાય છે સાથોસાથ પ્લગ એન્ડ પ્રોડયુસ, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત 458 કરોડ રૂપિયાની વિવિધ રાહતોથી સરકારે કોરોનાના કપરા સમયમાં ઉદ્યોગકારોને બોટલ નેકસ દૂર કરી વધુને વધુ ઉદ્યોગો શરૂ કરવા આકર્ષિત કર્યા છે તેની પણ વિશદ છણાવટ કરી હતી.

રાજ્યમાં 217 GIDCમાં 60 હજાર જેટલા ઉદ્યોગો 18 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડી રહ્યા છે અને ગુજરાત માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ કરી રહ્યું છે તેનું ગૌરવ તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પ્રજાના હિતાર્થે કામ કરે છે, કાયદાઓ-યોજનાઓ પ્રજા માટે અને પ્રજાની સાનુકૂળતા માટે છે. કોરોનાની મહામારીમાં પણ સરકારે સઘન કામગીરી કરીને ટ્રીટમેન્ટની ઊંચી ગુણવત્તા, ધનવંતરી રથ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોનિટરીંગથી કોરોના સામે જીતવાનો સંકલ્પ કર્યો છે. મૃત્યુ દર પણ ઘટીને 4.7 ટકા થયો છે તેને વધુ નીચે લઇ જવો છે.

તેમણે ઉમેર્યુ કે, કોરોના સંક્રમણ વચ્ચે અનલોક કર્યુ છે તેમાં પ્રજાજનો, નાગરિકોના સહયોગથી વેપાર-ઉદ્યોગ-ધંધા જેવી રોજીંદી પ્રવૃત્તિઓ ધમધમતી થઇ છે. આ અંગે તેમણે વધુમાં ઉમેર્યુ કે, ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઉદ્યોગોનો જે વીજ વપરાશ 207 મિલીયન યુનિટ હતો તે આ વર્ષના જુલાઇ મહિનામાં પણ 207 મિલીયન યુનિટ યથાવત છે એનો સીધો અર્થ એ છે કે ઉદ્યોગો-એકમો ફરી ધમધમતા, ધબકતા થઇ ગયા છે.

જી.આઇ.ડી.સી.ના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારના સકારાત્મક અભિગમને પગલે ગુજરાતમાં ઉદ્યોગકારોને પોતાના કારોબાર-વ્યવસાયને વિશ્વ ફલકે વિકસાવવાની તક મળી છે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું. તેમણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં પ્લોટની ફાળવણી પારદર્શીતાથી કોઇ લાગવગ – ભ્રષ્ટાચાર વિના થાય છે અને નાનામાં નાના ઉદ્યોગકારને પણ સરળતાએ જમીન મળે છે તેની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ડાઇસેલ સેફટી સીસ્ટમ ઇન્ડીયા પ્રગતિને એરબેગ ઇન્ફલેટર્સના ઉત્પાદન માટે ખોરજ જી.આઇ.ડી.સી.માં પ્લોટ ફાળવણી પત્ર અર્પણ કર્યો હતો. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશ વરમોરા, વટવા એસોસિયેશનના પૂર્વ પ્રમુખ શંકર પટેલ તેમજ અંકલેશ્વરના ઉદ્યોગ સાહસિક કે. વત્સને રાજ્ય સરકારના પ્રો-એકટીવ અભિગમ માટે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ એમ. કે. દાસ, જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટર થેન્નારસન, જોઇન્ટ એમ.ડી. કિશોર બચાણી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp