સ્થાનિક કક્ષાએ રોજગારી આપવા નીતિનભાઈએ જાણો ગુજરાતમાં શેની સ્થાપના કરવાની વાત કરી

PC: Khabarchhe.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના લક્ષને પહોંચી વળવા માટે ગુજરાત સમગ્ર દેશને નવો રાહ ચીંધશે. દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થાય તે માટે કેન્દ્ર સરકારે રૂા.20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે જેનો મહત્તમ લાભ ગુજરાત મેળવી રહ્યુ છે. રાજ્યના વેપારીઓ, નાના-મધ્યમ ઉધોગગૃહ સહિત લોકોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે પણ 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે જેના લાભો લાખો નાગરિકોને મળતા થયા છે અને ગુજરાત હવે પુન: ધમધમતુ થયું છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ખાતે 47 હેક્ટરમાં નવનિર્મિત GIDCમાં ઉધોગકારોને પ્લોટની ડ્રો દ્વારા ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રીએ ફાળવણી કરી હતી. તેમણે ઉમેર્યુ કે, કોવિડ-19ની પરિસ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન થાય એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે આ દિશામાં આ GIDC એક નક્કર કદમ સાબિત થશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં GIDCનો સિંહ ફાળો રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ 213 જેટલી GIDC કાર્યરત છે અને આગામી સમયમાં તાલુકા મથકે 100 ઉધોગકારો ભેગા થઇને જે વિસ્તાર નક્કી કરે ત્યાં જીઆઇડીસી સ્થાપવાનો પણ અમારો નિર્ધાર છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણી બજાર કિંમતે થતી હતી. અમારી સરકારે નાના સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સસ્તી જમીન મળી રહે એ માટે જંત્રીના ભાવે જમીન સહિત માળખાગત સવલતો માર્ગ, ગટર બનાવીને આપવાનો નિર્ણય કર્યો છે, એ જ રીતે પ્લોટની ફાળવણીમાં પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજન થકી વાઇબ્રન્ટ ગુજરાતનો અભિગમ અપનાવાયો અને આજે દેશ-દુનિયાના રોકાણકારો ગુજરાત તરફ મીટ માંડીને રોકાણ કરી રહ્યા છે એને આગળ વધારતા ગુજરાત સરકારે રાજ્યના યુવાન સાહસિકોને ઉદ્યોગો સ્થાપવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેઈક ઇન ઇન્ડિયાના માધ્યમ દ્વારા રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધારવાનો અદભુત પ્રયાસ કરી રહ્યા છે તે સરાહનીય છે.

નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં લોકડાઉન દરમિયાન ઉદ્યોગ-ધંધા ઠપ્પ્ થઈ ગયા હતા અને રાજ્યની આવક પણ ઘટી હતી તેવા સમયે ગુજરાત પુનઃ ધમધમતું થાય એ માટેના પ્રયાસો અમે કર્યા છે. જેના પરિણામે લોકડાઉન પહેલા ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ ગૃહો વીજ વપરાશ કરતા હતા તે ગત અઠવાડિયે એટલો જ વીજ વપરાશ થઇ ગયો છે અને પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ વધી રહ્યું છે એ જ દર્શાવે છે કે ગુજરાત હવે પુનઃ ધબકતું થયું છે.

તેમણે એઠોર ખાતે નિર્મિત જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણીથી જે ઉદ્યોગકારોને પ્લોટ મળ્યા છે તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તેઓ હવે ઝડપથી તમામ મંજૂરીઓ મેળવીને તેમના એકમો ઝડપથી ઉત્પાદનમાં લાવી દે એ માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે એઠોર ખાતે 279 પ્લોટ બનાવાયા છે અને 245 પ્લોટ માટે 1135 જેટલી અરજીઓ આવી અને ડ્રો દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જી આઇ ડી સી ના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, આ જીઆઇડીસીનું ખાતમુહુર્ત પણ નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતું અને ઉદઘાટન પણ તેઓ આજે કરી રહ્યા છે તેનો અનહદ આનંદ છે. તેમણે ઉમેર્યું કે, આફતમાં લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકાર હંમેશા તત્પર હોય છે. લોકડાઉન સમયે પણ ઉદ્યોગકારોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનેકવિધ પ્રયાસો કર્યા છે. ગુજરાતનો વિકાસ મોડલ આજે દેશ-દુનિયામાં પ્રચલિત છે તે માત્ર ને માત્ર રાજ્ય સરકારની ઉદ્યોગગૃહોને પ્રોત્સાહિત કરતી હકારાત્મક નીતિને કારણે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક પેકેજ નો ઉલ્લેખ કરીને તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp