સરકાર ગંભીર, ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે પડતી મુશ્કેલીઓ દૂર કરવા આદેશ

PC: indianexpress.com

ગુજરાતમાં સ્થપાઇ રહેલા ઉદ્યોગજૂથોને પડતી મુશ્કેલીઓ તેમજ વિવિધ મંજૂરીઓ આપવામાં થતો વિલંબ રોકવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી થયેલા આદેશ પછી સીએમઓ તેમજ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એમકે દાસે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને વિવિધ સૂચનો કર્યા છે. તેમણે વાયબ્રન્ટ MoU પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા વિનંતી કરી છે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પછી થયેલા MoUનું પ્રોપર મોનિટરીંગ થતું નહીં હોવાની તેમજ ઉદ્યોગ સ્થાપવા માટે આતુર ઉદ્યોગજૂથની ફરિયાદોનો ઝડપથી નિવેડો નહીં આવતો હોવાની વિવિધ ફરિયાદને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમઓના અધિકારીઓને સૂચના આપી હતી.

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ગુજરાતમાં મૂડીરોકાણ કરવાના MoU કરીને ઉદ્યોગ સ્થાપવા માગતા ઉદ્યોગજૂથો વિવિધ મંજૂરીઓમાં વિબંલ થતાં ગુજરાત બહાર સરકી રહ્યાં છે. કેટલાક મોટા ઉદ્યોગજૂથો સીએમઓમાં સીધી ફરિયાદ કરતા જોવા મળ્યાં છે. ફેક્ટરી કે એકમ સ્થાપવા માટે સરકારના વિવિધ વિભાગોની મંજૂરીઓ લેવામાં ભારે વિલંબ થતાં ઉદ્યોગજૂથ ઘણીવાર નારાજગી વ્યક્ત કરતા હોય છે.

આવા તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઇને તેનો નિવેડો લાવવાની સૂચના મુખ્યમંત્રીએ તેમના સીએમઓના અધિકારીઓને આપ્યાં પછી તાજેતરમાં સીએમઓના અધિક મુખ્ય સચિવ એમકે દાસે સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની વિનંતી કરી છે. એ સાથે તેમણે સચિવાલયમાં કામ લઇને આવતા મુલાકાતીઓ, ખાસ કરીને એમપી અને એમએલએની ભલામણોનો ત્વરિત નિકાલ કરવાનું પણ સૂચન કર્યું છે.

ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાતનો ક્રમ ઉપર આવ્યો છે ત્યારે તેને જાળવી રાખવા માટે મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે એમકે દાસે વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ફેક્ટરી, એકમ કે બિઝનેસ સ્થાપિત કરવા માગતા ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સમયાંતરે બેઠકો કરીને તેમના પ્રોજેક્ટને નડતી બાબતોનો ધ્યાનથી અભ્યાસ કરવા તેમજ તેના નિરાકરણ માટે એમકે દાસે અધિકારીઓને વિનંતી કરી છે.

સચિવાલયની મુલાકાતે આવેલા એક ઉદ્યોગજૂથના પ્રતિનિધિનું કહેવું હતું કે અમારે ગુજરાતમાં પ્રોજેક્ટ શરૂ કરવો છે પરંતુ વિવિધ વિભાગોની મંજૂરીઓ મેળવવામાં અમને ખૂબ મુશ્કેલી પડે છે. સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમ ક્રિયેટ કર્યા પછી અમને ઝડપથી મંજૂરીઓ મળતી નથી. આ સંજોગોમાં જો સરકારની બ્યુરોક્રેસી કોઇ મહત્વનો નિર્ણય લેશે તો અમારા જેવા ઉદ્યોગજૂથો ઝડપથી ગુજરાતમાં તેમનો પ્રોજેક્ટ નાંખીને તેને નિર્ધારિત સમયગાળામાં શરૂ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp