26th January selfie contest

ગુજરાત-2020 સુધીમાં બે હજાર નવા સ્ટાર્ટઅપ તૈયાર કરશેઃ CM રૂપાણી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાશક્તિના ટેક્નિકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી 2020 સુધીમાં રાજ્યમાં 2000થી વધુ નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી તૈયાર કરવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોના ટેક્નિકલ જ્ઞાન, વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશન ચેલેન્જીસના નવા અભિગમો અપનાવ્યા છે.

ગુજરાતે આ અભિગમને આગળ ધપાવતાં રાજ્યમાં રૂ. 200 કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડીને યુવાનોના સપના સાકાર કરવાની દિશા આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના 10 હજારથી વધુ યુવા છાત્રો 70થી વધુ વિવિધ સ્પર્ધાઓમાં પોતાના ટેક્નિકલ-વૈજ્ઞાનિક જ્ઞાન કૌશલ્યની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાના છે.

CM વિજય રૂપાણીએ ‘એમ્પાવરીંગ ઇન્ડીયા થ્રુ ઇનોવેશન્સ’ની થીમ સાથે યોજાઇ રહેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન્સ -રિસર્ચથી ‘શેપિંગ એ ન્યુ ઇન્ડીયા’ની સંકલ્પના સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે આ હોનહાર યુવાશક્તિને ભવિષ્યના ભારતના નિર્માતાઓ તરીકે નવાજતાં કહ્યું કે વડાપ્રધાનએ યુવાનોને સ્કીલ+વીલ+ઝિલ=વિનનો મંત્ર આપીને યુવાનો માટે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતીજો ખોલી આપી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ઇઝરાયેલના સહયોગથી સ્ટાર્ટઅપને વેગ આપવા સાથે નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે સાયન્સ ટેક્નોલોજી ક્ષેત્રે રિસર્ચ-ડેવલપમેન્ટને વેગ આપવા ઇનોવેશન ફંડ અંતર્ગત રૂ. 50 કરોડનું ફંડ રચવાના નિર્ણયની છણાવટ કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ઇઝરાયેલ વ્યકિત દીઠ સ્ટાર્ટઅપ રેવન્યુમાં આખા વિશ્વમાં ટોપ પર છે ત્યારે ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગથી આઇ-ક્રિયેટ અને સ્ટાર્ટઅપ ઇનોવેસન્શ માટે આ સરકાર યુવાનોના કૌશલ્યને નિખારવા પ્રતિબદ્ધ છે.

CM વિજય રૂપાણીએ તાજેતરની વાયબ્રન્ટ સમિટમાં પણ MSME અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે સેમિનાર અને કન્વેન્શન્સ યોજીને મેન્યુફેકચરીંગ હબ-ઓટોહબ ગુજરાતને યુવાનોના નવા રિસર્ચ-ઇનોવેશન્સથી હરેક ક્ષેત્રે અગ્રેસર બનાવવા આગળ વધ્યા છીયે તેની પણ ભુમિકા આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સેકટરમાં જે પોટેન્શયલ છે તે સંદર્ભમાં રાજ્યની યુવાશક્તિના આ ક્ષેત્રોમાં રિસર્ચ –ઇનોવેશન્સને વેગ આપવા સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ ઉમેર્યુ હતું. તેમણે ગુજરાતના 3 યુવા ઇજનેરોના પ્રોજેકટ આર્મી ટેક્નોલોજી સેમિનારમાં પસંદ પામ્યા છે તેને ગૌરવપૂર્ણ ગણાવ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp