26th January selfie contest

1.45 લાખ કરોડનો ડાયમંડ ઉદ્યોગ કોરોના મુક્ત? કેટલા કારીગરો કામ કરે છે?

PC: hindustantimes.com

અમદાવાદ પછી સુરતમાં કોરોના સંક્રમણના કેસો વિક્રમી ગતિએ વધી રહ્યાં છે છતાં આ કેસોની અસર સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર પડી નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સુરત ડાયમંડ એસોસિયેશન કહે છે કે હાલની સ્થિતિએ સુરતમાં 3000થી વધુ નાના-મોટાં ડાયમંડ કટીંગ અને પોલિશિંગના યુનિટમાં પાંચ લાખ કરતાં વધુ કારીગરો કામ કરી રહ્યાં છે.

ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યા પછી સુરત ખાલી થઇ ગયું હતું. ડાયમંડના પરપ્રાંતિય કારીગરોએ શહેરમાંથી ઉચાળા ભરી લીધા હતા. જો કે તે સમયે માલિકોએ તેમના યુનિટ બંધ કરતાં કારીગરો બેકાર બની ગયા હતા અને તેમની પાસે રોજગારીનો કોઇ વિકલ્પ હતો નહીં.

આ વખતે કોરોના સંક્રમણના બીજા તબક્કામાં હજી સુધી ડાયમંડના વ્યાપારને કોઇ અસર થઇ નથી તેવું સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુ વેકરિયાનું કહેવું છે. તેમણે કહ્યું છે કે સુરતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે પણ 3000થી વધુ એકમોમાં કામ ચાલુ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે મોટાભાગના કારીગરો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી સ્થળાંતર કરીને સુરત આવ્યા છે. માત્ર 10 ટકા કારીગરો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના છે. હયાત કારીગરો પૈકી માત્ર પાંચ ટકા શ્રમિકો તેમના વતનના જિલ્લામાં ગયા છે જે મોટાભાગે લગ્ન અને સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપવા ગયા હતા. કેટલાક કોરોનાના ડરના કારણે વતન જતા રહ્યાં છે.

પ્રમુખે કહ્યું છે કે હાલમાં સુરતમાં પોલિશિંગ એકમો કાર્યરત છે. કામદારોની નાની સંખ્યા ગેરહાજર છ પરંતુ પરિસ્થિતિ સુધરશે ત્યારે તેઓ પાછા આવી જશે. કોરોના સંક્રમણની અસર ડાયમંડ ઉદ્યોગને થઇ નથી, કારણ કે સરકારે લોકડાઉન જાહેર કર્યું નથી.

બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે સુરતના હીરા ઉદ્યોગનું ટર્નઓવર 145000 કરોડ રૂપિયા છે. તેઓ પણ કહે છે કે સુરતનો આ ઉદ્યોગ અસરગ્રસ્ત નથી કેમ કે એકમોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય છે. વાયરસની તીવ્રતા વધી હોવા છતાં આ વર્ષે ખૂબ ઓછા કારીગરો શહેર છોડીને ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp