વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા જાપાન-કોરિયાએ રસ દાખવ્યોઃ સરકાર

PC: khabarchhe.com

ગુજરાત સરકારે કહ્યું હતું કે, જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (VGGS 2022)માં ભાગ લેવા માટે પૂર્વના બે મહત્ત્વના દેશ જાપાન તથા દક્ષિણ કોરિયાએ ઊંડો રસ દાખવ્યો છે.

ભારતનું સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાત તેની પ્રતિષ્ઠિત મૂડીરોકાણ ઈવેન્ટ VGGS 2022 માટે સજ્જ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે, પરિણામે વિકાસનાં ફળ સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે. ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 સમયે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે.

આ દ્વિવાર્ષિક ઈવેન્ટની તૈયારી સંદર્ભે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્માના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી પ્રતિનિધિમંડળે જાપાન અને કોરિયાના રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો તેમજ ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં જાપાન તરફથી 300 તથા કોરિયાના 160 પ્રતિનિધિએ ભાગ લીધો હતો.

છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાત સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના વ્યાવસાયિક સંબંધો મજબૂત થયા છે અને હાલ પણ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં બંને દેશોની નોંધપાત્ર હાજરી છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક તથા દક્ષિણ કોરિયાની કુકડો કેમિકલ્સ, હ્યુન્ડાઈ રોટેમ, સોંગવોન વગેરે કંપનીઓએ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે.

સરકારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન સાથેના ભારતના વ્યાવસાયિક સંબંધને હંમેશાં મહત્ત્વ આપ્યું છે અને આ જ કારણે ભારતમાં જાપાનનું મૂડીરોકાણ વધારવા માટે જાપાન પ્લસ નામે અધિકારીઓની એક વિશેષ ટીમ વડાપ્રધાન કાર્યાલયમાં સક્રિય છે. એ જ પ્રમાણે ગુજરાતમાં ઇન્ડેક્ટ્સબી વિભાગે રાજ્યમાં જાપાનીસ મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનાવવા વિશેષ વિભાગ તૈયાર કર્યો છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક કંપનીઓની હાજરી ગુજરાતમાં વધી છે. અમદાવાદ નજીક ખોરજ ખાતે જાપાનીસ ઔદ્યોગિક પાર્ક તૈયાર થઈ રહ્યો છે. એ જ રીતે વિરમગામ નજીક કેટલીક જાપાનીસ કંપનીઓનાં એકમ સ્થપાયાં છે અને એ વિસ્તાર ‘મીની-જાપાન’ તરીકે ઓળખાણ મેળવી રહ્યો છે.

 જાપાન રોડ-શો દરમિયાન મિઝુહો બેંક લિ. ના સિનિયર ડિરેક્ટર સંતોશિ વતાંબેએ કહ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાતને કારણે તમારા બિઝનેસના ક્ષેત્રની બહારના લોકો સાથે સંપર્કમાં આવવાની તક મળે છે. આ ઈવેન્ટ તમે ધારી ન હોય એવી તકો માટેના દરવાજા ખોલે છે.” જાપાન રોડ-શોમાં એલ એન્ડ ટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ટેકનોટ્રેન્ડ્સ ઑટોપાર્ક પ્રા. લિ.ના એમડી શિનજિરો ઓઝાકી, મિંદા જૂથના અનાદિ સિંહા, જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારી ઉપરાંત જીઆઈડીસી, જીપીસીબી અને ધોલેરા SIRના અધિકારીઓએ હાજરી આપી હતી.

 છેલ્લા થોડાં વર્ષમાં દક્ષિણ કોરિયાએ પણ ગુજરાતમાં મૂડીરોકાણ માટે રસ દાખવીને વિશ્વકક્ષાનાં ઉત્પાદન સુવિધાઓ તથા ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઑફર કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાની અગ્રણી કંપનીઓ કુકડો કેમિકલ્સ, હ્યુન્ડાઈ રોટેમ, સોંગવોન વગેરેએ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે. VGGS 2022 મારફત ગુજરાતમાં દક્ષિણ કોરિયાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. કોરિયા રોડ-શો માટેના પ્રતિનિધિમંડળમાં એસોચેમના ચેરમેન જક્ષય શાહ, કોટરાના એમડી જૂહ્વા બિન, પોસ્કોના એમડી ગુન બે, ઈ-ઈન્ફોચિપ લિ. ના ગ્રુપ પ્રેસિડેન્ટ સુધાર નાઇક, ઉષા ન્યૂરોસ ટર્બો એલએલપીના ડિરેક્ટર ચાઉન્ક જેઓંગ, ટાટા જેવૂ કોમર્સિયલ વેહિકલ લિ. ના સીઈઓ અનિલ સિંહા, સિઓલમાં ભારતીય દૂતાવાસના નાયબ વડા સુરિન્દર ભગત તથા અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

રોડ-શોને મળેલી સફળતા અંગે બોલતાં અંજુ શર્માએ કહ્યું હતું કે, “જાપાન અને દક્ષિણ કોરિયા તરફથી મળેલા પ્રતિભાવ અંગે અમે અત્યંત ખુશ છીએ. બંને દેશના રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોએ ગુજરાતમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે ઊંડો રસ દાખવ્યો છે.”

રોડ-શોનું આયોજન એસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્ડિયા (ASSOCHAM), જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) તથા કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA)ના સહયોગમાં કરવામાં આવ્યું હતું. VGGS 2022 માટેના આ વર્ચ્યુઅલ રોડ-શો દરમિયાન ગ્રીન મોબિલિટી, સ્વચ્છ ઊર્જા, કૃષિ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp