26th January selfie contest

ઔદ્યોગિક મૂડી રોકાણમાં જાણો ગુજરાતનો નંબર કયો છે

PC: indextb.com

દેશના રાજ્યોમાં સૌથી વધુ ઔદ્યોગિક મૂડી રોકાણ ધરાવતા રાજ્યમાં ગુજરાતનો નંબર અગ્રસ્થાને રહ્યો છે, પરંતુ તાજેતરના આંકડા પ્રમાણે ગુજરાત ઔદ્યોગિક મૂડી રોકાણમાં પાછળ જતું રહ્યું છે. ગુજરાત જ નહીં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ પાછળ રહી ગયું છે. વર્તમાન વર્ષમાં પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં સૌથી વધુ મૂડી રોકાણની દરખાસ્તો આવી હોય તો તે કર્ણાટક રાજ્ય છે. આ રાજ્યમાં ભાજપની નહીં પણ કોંગ્રેસ અને JDSની મિલીઝૂલી સરકાર છે અને ત્યાં વાયબ્રન્ટ સમિટ થતાં નથી છતાં તે ઔદ્યોગિક મૂડી રોકાણમાં નંબર વન રાજ્ય બન્યું છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કર્ણાટકમાં કુલ 83,236 કરોડ રૂપિયાની રોકાણ દરખાસ્ત આવી છે. જે ભારતમાં આવેલા કુલ 3.38 લાખ કરોડ રૂપિયાની રોકાણ દરખાસ્તોનો 25 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, કુલ પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાંથી 6 ટકા જ કર્ણાટકના હિસ્સામાં છે. 9 મહિનામાં ભારતને 1486 પ્રસ્તાવ મળ્યા હતા, જેમાંથી કર્ણાટકમાં 92 છે. આ દર્શાવે છે કે કર્ણાટક રાજ્યમાં આવેલા મોટાભાગના પ્રોજેક્ટ્સ વિશાળકાય છે.

આ દરખાસ્તોમાં 240 કરોડ રૂપિયાની જેએસડબલ્યુ સોલાર પ્રોજેક્ટ્સ, એમકે એગ્રોટેકનો 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ, મેની ગ્રૂપના અનેક પ્રસ્તાવ, એસકે સ્ટીલનો પ્લાન્ટ અને અલ્ટ્રાટેક અને અદાણી સિમેન્ટના પ્રોજેક્ટ્સ સામેલ છે. ગુજરાતમાં કર્ણાટકમાંથી ચાર ગણા, 347 અને મહારાષ્ટ્રમાં 275 પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત થયા છે. જો કે પ્રોજેક્ટ્સની કુલ વેલ્યુની વાત કરીએ તો ગુજરાતમાં 59089 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રમાં 46428 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે. છેલ્લા બે મહિનામાં કર્ણાટકમાં એરોસ્પેસ, આયર્ન અને સ્ટીલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, આઈટી જેવા સેક્ટર્સમાંથી 23 પ્રસ્તાવ મળ્યા છે.

ગયા મહિનાના અહેવાલો અનુસાર કર્ણાટકમાં મોટાભાગની દરખાસ્ત ચૂંટણી અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં આવી હતી. આગામી કેટલાક મહિનામાં તેમાં ઘટાડો થયો છે પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી તેની ગતિ વધી છે. ઉલ્લેખનીય છે કે અહીં JDS અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર સત્તામાં છે. જો કે ગુજરાતનો ક્રમ બીજો આવ્યો છે અને ગુજરાતે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રને પછાડ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ આઠ વાયબ્રન્ટ સમિટ થયા છે અને તેનું આ પરિણામ છે. અત્યાર સુધી ગુજરાત મહારાષ્ટ્ર કરતાં પાછળ હતું પરંતુ આ સમયગાળામાં ગુજરાત પાડોશી રાજ્ય કરતાં આગળ છે તેનું ગૌરવ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp