‘મન કી બાત’માં PMની હાકલ બાદ ખાદીના વેચાણમાં અનેકગણો વધારોઃ સરકાર

PC: PIB

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રમોટ કરવા માટે વારંવાર કરેલી અપીલને કારણે 2014 બાદ ભારતભરમાં ખાદીના વેચાણમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2016 બાદ નવી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે ભારતમાં ખાદીના પ્રમુખ આઉટલેટમાં અલગ અલગ 11 વખત એક જ દિવસમાં ખાદીના વેચાણનો આંક એક કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. રવિવારે 25મી જુલાઈએ પ્રસારિત થયેલા પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં ખાદીના વેચાણના આ વિક્રમી દેખાવ અંગે ખાસ નોંધ લેવામાં આવી હતી.

સરકારે જણાવ્યું હતું કે, આથી પણ વધુ નોંધપાત્ર બાબત એ છે કે ઓક્ટોબરથી નવેમ્બર 2020ના ગાળામાં આર્થિક મંદી અને કોરોનાની મહામારીની દહેશત વચ્ચે ખાદીના વેચાણનો આંક એક જ દિવસમાં એક કરોડ રૂપિયાને પાર કરી ગયો હોય તેમ ચાર વખત બન્યું છે. અગાઉ 2018માં પણ કોનોટ પ્લેસના આઉટલેટ ખાતે ચાર વખત એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુ ખાદીનું વેચાણ થયું હતું. 2019ની બીજી ઓક્ટોબરે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશને (KVIC) કોનોટ પ્લેસ આઉટલેટ ખાતે 1.27 કરોડ રૂપિયાના વેચાણનો આંક નોંધ્યો હતો જે એક જ દિવસમાં સૌથી વધુ ખાદીના વેચાણનો વિક્રમ છે અને આજે પણ આ રેકોર્ડ અકબંધ છે.

સરકારે જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત 22મી ઓક્ટોબર 2016ના રોજ કોનોટ પ્લેસ ખાતે ખાદીના વેચાણનો આંક એક કરોડ રૂપિયાને પાર કરીને 1.16 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.. અગાઉ એક જ દિવસમાં સૌથી વધુ ખાદીના વેચાણનો આંક 66.81 લાખ રૂપિયા હતો જે 2014ની ચોથી ઓક્ટોબરે નોંધાયો હતો. પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ દ્વારા તેમનું પ્રથમ સંબોધન કર્યું તેના બીજા જ દિવસે ચોથી ઓક્ટોબરે આ આંક નોંધાયો હતો. રેડિયો કાર્યક્રમના તેમના પહેલા જ એપિસોડમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કમસે કમ ખાદીની એક ચીજ ખરીદવાની અપીલ કરી હતી કેમ કે તેનાથી ગરીબ કલાકારો અને મજૂરોને તેમના ઘરે દિવાાળીના દિપ પ્રગટાવવામાં મદદ મળશે.

KVICના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ ખાદીના વેચાણમાં થઈ રહેલા વધારાને પ્રધાનમંત્રી દ્વારા ખાદીને પ્રમોટ કરવા માટે સતત થઈ રહેલી અપીલને આભારી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની અપીલને કારણે જ સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને યુવાનો ખાદીની ખરીદી તરફ આકર્ષાયા છે. ‘સ્વદેશી’ અંગેની જાગૃતિને કારણે જ લાખો ગ્રામોદ્યોગને કોરોનાની મહામારીના કપરા સમયમાં પણ સમૃદ્ધ થવામાં મદદ મળી છે.

એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોવીડ-19ની મહામારીની કારમી અસર છતાં 2020-21માં KVICએ તેનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક ટર્ન ઓવર હાંસલ કર્યું છે જે આંક 95,741.74 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે જે આંક 2019-20માં 88,887 કરોડ રૂપિયા હતો. આમ એક વર્ષમાં તેમાં 7.71%નો વધારો નોંધાયો છે.

ખાદીમાં એક જ દિવસના જંગી વેચાણના આંક

- ઓક્ટોબર 4, 2014 – રૂ. 66.81 લાખ

- ઓક્ટોબર 2, 2015 – રૂ. 91.42 લાખ

- ઓક્ટોબર 22, 2016 – રૂ. 116.13 લાખ

- ઓક્ટોબર 17, 2017 – રૂ. 117.08 લાખ

- ઓક્ટોબર 2, 2018 – રૂ. 105.94 લાખ

- ઓક્ટોબર 13, 2018 – રૂ. 125.25 લાખ

- ઓક્ટોબર 17, 2018 – રૂ. 102.72 લાખ

- ઓક્ટોબર 20, 2018 – રૂ. 102.14 લાખ

- ઓક્ટોબર 2, 2019 – રૂ. 127.57 લાખ

- ઓક્ટોબર 2, 2020 – રૂ. 102.24 લાખ

- ઓક્ટોબર 24, 2020 – રૂ. 105.62 લાખ

- ઓક્ટોબર 7, 2020 – રૂ. 106.18 લાખ

- ઓક્ટોબર 13, 2020 – રૂ. 111.40 લાખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp