ટાઈલ્સથી દુનિયાને સ્વચ્છ રાખતું મોરબી પ્રદૂષણમાં કુખ્યાત, કારખાના બંધ થશે

PC: khabarchhe.com

મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જવાબદાર છે. ઘર, દિવાલ, ધાબા અને દેશને સ્વચ્છ રાખતી ટાઈલ્સ બનાવતું શહેર પોતે અસ્વચ્છ બની ગયું છે.

વિકાસની સૌથી ખતરનાક આડ અસર અહીં જોવા મળે છે. મોરબી અને વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રીબ્યુનલનો ચૂકાદો આવ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો છે. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ આપ્યો છે. 

એક હજાર કારખાના

મોરબીથી વાંકાનેર સુધી તેમજ અન્ય સિરામિક ઝોન સહિત 700થી 1000 જેટલી ફેક્ટરીઓ છે. જેમાંથી 550થી વધુ ફેક્ટરી કોલગેસનો ઉપયોગ કરી રહી છે. જ્યારે 30 લાખ ક્યુબિક મીટર કુદરતી ગેસ રોજનો વાપરે છે. નેચરલ ગેસના ભાવોમાં સતત વધારો થવાથી તેમજ કોલગેસ સસ્તો પડતો હોવાથી તેઓ વાપરે છે.  જો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી ના કરે તો સમિતિ સમક્ષ ફરિયાદ કરવા માટે જણાવ્યું છે. 

સિરામિક કંપનીઓ દ્વારા કોલગેસ રૂપી જૈવિક કચરાના નિકાલમાં બેદરકારીની અનેક ફરિયાદો અવારનવાર ઊઠે છે. જે અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ મોરબીની મુલાકાત લઈને કોલગેસના પ્રદુષણ મામલે તપાસ હાથ ધરી હતી. કોલગેસથી પ્રદૂષિત સ્થળો, કારખાનામાં ગેસીફાયર પ્લાન્ટની ટેકનોલોજીની ચકાસણી તથા વેસ્ટ નિકાલની વ્યવસ્થા વગેરે બાબતે ચકાસણી કરી હતી.

ગ્રીન ઈંઘણ 

પ્રદૂષણ ન કરે તેને ગ્રીન ફ્યુલ કહે છે. ગ્રીન ફયુલ તરફ મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ આગળ વધે તેના માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ સાથે મળીને કોલગેસના બદલે નેચરલ ગેસના ઉપયોગનો નિર્ણય 30 ઓક્ટોબર 2013માં લેવાયો હતો. વડી અદાલતના નિર્ણય બાદ આ નિર્ણય લેવાયો હતો. કોલગેસનો ઉપયોગ બંધ કરીને તમામ 450 યુનિટોએ નેચરલ ગેસનો ઉપયોગ કરવા પર સંમંતિ દર્શાવી હતી. જેનાથી 15 ટકા ભાવ વધી ગયા હતા. 

વડી અદાલતે પણ આવો જ આદેશ આપ્યો હતો 

કોલસા આધારિત ગેસીફાયરથી કારખાના ચાલતા હોવાને કારણે આસપાસના વિસ્તારમાં કોલસાની રજકણોથી પ્રદૂષણ ફેલાતું હોવાના મામલે હાઇકોટર્માં જાહેરહિતની રિટ થઇ હતી. કોલગેસ પ્લાન્ટ મુદ્દે વડી અદાલતે ગેરકાયદેસર રીતે ચાલતા બી ટાઈપ ગેસીફાયર બંધ કરાવવા ગુજરાત પોલ્યુશન બોર્ડને આદેશ કર્યો હતો. ત્યારે મોરબીમાં 15 જેટલા સીરામીક એકમોમાં જ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કોલગેસ પ્લાન્ટ ચાલી રહ્યા હતા. ગેસીફાયર પર પ્રતિબંધ મુકી દીધો હતો. અદાલતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નવી ટેકનોલોજીથી ચાલતા ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ઉદ્યોગોને છૂટ આપવી કે નહીં તે અંગે પણ નિર્ણય કરવા આદેશ કર્યો હતો. 

બોર્ડે ફરી મંજૂરી આપી 

વડી અદાલતે બંધ કરાવી અને જીપીસીબીએ 24 જુન 2014માં ફરીથી આ ફેક્ટરીઓ ચાલુ કરાવવા માટે નિર્ણય લીધો હતો. કોલસા આધારીત ગેસીફાયર ચલાવતા એકમોએ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી અપનાવવાની રહેશે. જે બાદ તેઓ એકમો ચાલુ કરી શકશે. 

2012માં બંધ

ઓગસ્ટ 2012માં કેન્દ્રીય પર્યાવરણ બોર્ડ દ્વારા કોલસા આધારિત આ ગેસીફાયર બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. જે કેસમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝીરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી લાગુ કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી.

35 હજાર કરોડનું ટર્નઓવર 

વોલ, ફલોર અને વેટ્રીફાઇડ પ્રકારની દેશની 80 ટકા સિરામિક મોરબીમાં જ ઉત્પાદન થાય છે. વર્ષે 35 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં અને તેમાંથી 10 હજાર કરોડ નિકાસ કરવામાં આવે છે. સરકારને વર્ષે રૂ.4500થી રૂ.5000 કરોડનો વેરો ચૂકવે છે. મોરબી જિલ્લાની વસતી 9 લાખ છે.શહેરની વસતી 4 લાખ છે. પણ તેમાં સીધી રોજગારી મળતી હોય એવા 3 લાખ અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા બીજા ઉદ્યોગો મળીને 6 લાખ એમ 9-10 લાખ લોકોને અહીં રોજગારી મળે છે. નવા 60 ઉદ્યોગો સીરામિક ઉદ્યોગમાં રૂ.5000 કરોડના રોકાણ 2015-16 અને 2016-17માં રૂ.4000 કરોડનું નવું રોકણ આવ્યું હતું. 4થી 5 લાખ કરોડનું મૂડી રોકાણ મોરબીમાં આ ઉદ્યોગમાં થયું હોવાનું આજના બજાર ભાવ પ્રમાણે ગણી શકાય છે. 

2000 મીલીયન સ્ક્વેર ફૂટ ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. જે ચીન દેશને હંફાવે છે

છતાં અહીં ટાટા નેનો કે સાણંદની જીઆઈડીસી જેવી સુવિધા ભાજપ સરકારે ક્યારેય આપી નથી. વળી અહીં વીજળી વારંવાર જતી રહે છે. તેથી ઉદ્યોગને મોટો ફટકો પડે છે.

વિદેશોને હંફાવે છે 

ભારતીય સીરામિકનો અગાઉ મિડલ ઇસ્ટ અને ફાર ઇસ્ટમાં નિકાસ બજાર હતો. હવે યુરોપની ડિજીટલ ટેકનોલોજી ચીન પહેલા મોરબીએ અપનાવી હતી. તેથી યુરોપ અને આફ્રિકાના બજારમાં વર્ચસ્વ ઊભું કરી દીધું છે. યુરોપ, અમેરિકા, કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો જેવા દેશોમાં મોરબીની ટાઈલ્સ જાય છે. સસ્તા ઉત્પાદદના કારણે ચીન અને ઇટાલીની કંપનીઓ અહીં આવી રહી છે. 

2200 ટાઈલ્સ ડિઝાઈનર 

ચીન, સ્પેન કે ઇટાલીમાં જે ડિઝાઇનો નથી બનતી એવી હવે મોરબીમાં બની રહી છે. મોરબીના સીરામિક ઉદ્યોગમાં આશરે 2200 કરતા વધારે ડિઝાઇનરો કામકાજ કરી રહ્યા છે.

હિમતનગરમાં કેમ મનાઈ નહીં 

જીપીસીબીના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હિંમતનગરમાં પણ મોટાપાયે સિરામીક ઉદ્યોગો વર્ષો જૂની ગેસીફાયર પધ્ધ્તિનો ઉપયોગ કરી ભયંકર હવા, પાણી અને જમીનનું પ્રદુષણ ફેલાવી રહ્યા છે. તેમની સામે કોઈ પગલાં એટલા માટે લેવામાં આવતાં નથી કારણ કે ઉત્તર ગુજરાતના નેતાઓનું તેમને રક્ષણ મળે છે. 

કોલસાનું કેમિકલ પ્રદુષણ 

કોલગેસમાંથી નીકળતા ઝેરી કેમિકલયુક્ત કડદાનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો પ્રદુષણ ફેલાવનારા સામે કાર્યવાહી કરવામાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી નિષ્ફળ નીવડી છે. મોરબીમાં લાઈટ સીટી એકમના સંચાલક દ્વારા 12 હજાર લીટર ઝેરી ગંદા પાણી અવાવરૂ જગ્યાએ નિકાલ કરતાં પકડાયા હતા. ગ્રામ્ય વિસ્તારની ગૌચર કે ખેતીની જમીનમાં કેટલાક શખ્સ સિરામિક વેસ્ટ ફેકી જતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને મોરબીના નીચી માંડલ ગામમાં કેટલાક સમયથી કોઈ અજાણ્યા લોકો ટ્રકમાં સિરામિક ફેકટરીમાંથી નીકળતા વેસ્ટ મટીરીયલ, સિરામિક પાઉંડર તેમજ અન્ય ખરાબ ચીજ ફેકી જતા હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપર, રંગપર, બેલા, તેમજ માળિયા હાઇવે પર આવેલ ગામડામાં સિરામિક કેમિકલ યુક્ત પાણી નાખવા,કોલગેસનો કદડો ફેકી જવાની ફરિયાદ ઉઠી હતી. કેમિકલ યુક્ત માટીને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતાને ભારે અસર પડે છે. 

9 ફેક્ટરી બંધ કરાવી 

12 સપ્ટેમ્બર 2018માં 9 ફેક્ટરીઓને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બંધ કરવા નોટિસ આપી હતી. જેમાં એટોમ સિરામિક, કાવેરી સિરામિક, કાસ્વા ટાઈલ્સ પ્રા.લી., જીગોન સિરામિક પ્રા.લી. શિવ ઈન્ડસ્ટ્રીઝ, સ્વાગત સિરામિક, લેન્ડમાર્ક ટાઈલ્સ પ્રા.લી., મેગાટ્રોન સિરામિક અને લેકટોન ટાઈલ્સનો સમાવેશ થાય છે.

જમીન બંજર બની 

મોરબી આસપાસના 104થી વધું ગામોની જમીન ખરાબ થઈ રહી છે. મોરબીના જાંબુડિયા ગામના ખેડૂત મનસુખ ગોકલદાસ રામાનુજ દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી હતી કે તેની માલિકીની ખેતીની જમીનની બાજુમાં કોમેટ વિટ્રીફાઈડ ફેક્ટરી આવેલી હોય જે ફેક્ટરી દ્વારા જમીનમાં વ્હાઈટ પાવડર નાખવામાં આવે છે. જેથી ખેતીની જમીનને મોટાપાયે નુકશાન થાતાં જમીન બિનઉપજાઉ બની ગઈ છે. ટીંબડી ગામના રહેવાસી ખેડૂત લાલજી મોહનભાઈ વડસોલાની 14 વીઘા જમીન નકામી થાય છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરી તો ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હતા. જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી તો પણ કોઈ કાર્યવાહી ફેક્ટરી સામે કરી નથી. 

લીલાપર ગામમાં આવલા મેજર સિરામિક અને પાર્થ પેપરમિલ દ્વારા હવાનું પ્રદુષણ થતું હોવાથી ખેતરોમાં પાકના છોડ પર તેની ધૂળ-રજકણ જામી જાય છે. તેથી છોડની પ્રકાશ સંષ્લેશણની ક્રિયા ખોરવાઈ જાય છે. વાંકાનેરના ઢુવા વિસ્તારમાં પ્રજા પરેશાન છે. પશુઓને અવનવા રોગ થઈ રહ્યાં છે. આરોગ્ય સાથે ચેડાં કરવાનો છૂટો દૌર ગુજરાતની સરકારે ઉદ્યોગોને આપી દેતા લોકોને હવે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. તેથી પહેલા વડી અદાલત અને હવે ગ્રીન ટ્રીબ્યુનલે કારખાના બંધ કરવા આદેશ આપવો પડ્યો છે. આવી કહાની દરેક ગામની છે. 

ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ

ઓરપેટ સાથે મળીને અહીં 130 ડેટલાં ઘડીયાળ કે તેના પૂર્જા બનાવતાં હોય એવા ઉદ્યોગો છે. જે રૂ.450થી 500 કરોડનું ઉત્પાદન કરે છે. ઘડીયાળમાં 18થી 20 હજાર લોકો કામ કરે છે. જેમાં મહિલાઓ વધું છે. ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp