26th January selfie contest

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના અંતર્ગત 5 વર્ષમા 25586 કરોડની મંજૂરી, જાણો આ યોજના વિશે

PC: PIB

ભારતનો વિકાસ ઝડપી ગતિએ થઇ રહ્યો છે. મહત્વાકાંક્ષાઓ અને અપેક્ષાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં ખાસ કરીને મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) સહિત ઉદ્યમશીલતાની સંભાવનાઓ ધરાવતો એક એવો મોટો વર્ગ છે જેઓ તેમનો પોતાનો કોઇ એવો વ્યવસાય ઉભો કરવા માંગે છે, જેમાં તેઓ પોતાનો વિકાસ કરી શકે, પોતાની ઇચ્છા અનુસાર કામ કરવાની ઝંખના પૂરી કરી શકે. આવા ઉદ્યોગ સાહસિકો સમગ્ર દેશમાં પ્રસરેલા છે અને તેઓ પોતાના માટે અને તેમના પરિવારો માટે શું કરી શકે તે માટે સંખ્યાબંધ નવતર વિચારોથી છલકાઇ રહ્યાં છે.

મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગ સાહસિકો ઊર્જાવાન અને ઉત્સાહી છે પરંતુ તેમને પોતાના સપનાં સાકાર કરવામાં સંખ્યાબંધ પડકારોનો સામનો કરવો પડે છે. આર્થિક સશક્તિકરણ અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યમશીલતાને પાયાના સ્તરેથી પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે.

આપણે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાની પાંચમી વર્ષગાંઠ ઉજવી રહ્યાં હોવાથી, ચાલો આ યોજનાની વિશેષતાઓ અને સિદ્ધિઓ પર એક નજર કરીએ. સ્ટેન્ડ-અપ ઇન્ડિયાનો ઉદ્દેશ મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીના લોકોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો છે જેથી તૈયાર અને તાલીમાર્થી ધિરાણ લેનારાઓ દ્વારા વેપાર, વિનિર્માણ અને સેવા ક્ષેત્રમાં તેમને હરિતક્ષેત્ર ઉદ્યોગનો પ્રારંભ કરવામાં મદદરૂપ થઇ શકાય.

મહિલાઓ, SC, ST શ્રેણીમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવું.

તૈયાર અને તાલીમાર્થી ધિરાણ લેનારાઓ દ્વારા વિનિર્માણ, સેવા અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાં તેમને હરિતક્ષેત્ર ઉદ્યોગો ઉભા કરવા માટે ધિરાણ પૂરું પાડવું.

અનુસૂચિત કમર્શિયલ બેંકોની પ્રત્યેક શાખા દીઠ ઓછામાં ઓછા એક અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ ધિરાણ લેનારા અને ઓછામાં ઓછા એક મહિલા ધિરાણ લેનારને રૂપિયા 10 લાખથી રૂપિયા 1 કરોડ સુધીના બેંક ધિરાણની સુવિધા પૂરી પાડવી.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના SC, ST અને મહિલા ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગો ઉભા કરવામાં, ધિરાણ લેવામાં સામનો કરવા પડતા પડકારો અને વ્યવસાયમાં સફળતા માટે સમય સમયે જરૂરી અન્ય સહકારને ઓળખવા માટે શરૂ કરવામાં આવી છે. આથી, આ યોજના એક એવી ઇકો-સિસ્ટમ તૈયાર કરવા માટે પ્રયાસ કરે છે જે વ્યવસાય કરવા માટે સહાયક માહોલ પૂરો પાડે અને સતત સહકાર આપે. આ યોજનાનો ઉદ્દેશ ધિરાણ લેનારાઓને તેમનું પોતાનું ઉદ્યોગ સાહસ ઉભું કરવા માટે બેંકોની શાખાઓમાંથી ધિરાણ સુધીની પહોંચ પૂરી પાડવાનો છે. આ યોજનામાં આવરિત અનુસૂચિત કોમર્શિયલ બેંકોની તમામ શાખાઓ ત્રણ સંભવિત રીતોથી ઍક્સેસ કરી શકાશે:

સીધા જ શાખા પર અથવા,

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પોર્ટલ (www. standupmitra.in) દ્વારા અથવા,

લીડ જિલ્લા વ્યવસ્થાપક (LDM) દ્વારા

ધિરાણ લેવા માટે કોણ લાયકાત ધરાવે છે?

18 વર્ષથી વધુ ઉંમરના SC/ ST અને/અથવા મહિલા ઉદ્યોગ સાહસિકો.

આ યોજના અંતર્ગત ધિરાણ માત્ર હરિતક્ષેત્ર પરિયોજનાઓ માટે ઉપલબ્ધ છે. આ સંદર્ભમાં હરિતક્ષેત્ર મતલબ, વિનિર્માણ, સેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાં લાભાર્થીનું પ્રથમ ઔદ્યોગિક સાહસ

બિન-વ્યક્તિગત ઉદ્યોગના કિસ્સામાં, 51% હિસ્સેદારી અને નિયંત્રણનો હિસ્સો SC/ ST અને/અથવા મહિલા ઉદ્યોગ સાહસિકની માલિકીનો હોવો જોઇએ.

ધિરાણ લેનાર વ્યક્તિ કોઇપણ બેંક/ નાણાકીય સંસ્થામાં નાદાર થયેલી ના હોવી જોઇએ.

આ યોજના અંતર્ગત 23.03.2021 સુધીમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ થયો ત્યારથી 23.03.2021 સુધીમાં 1,14,322થી વધારે ખાતાને આ યોજના હેઠળ રૂપિયા 25,586 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp