MP પાટીલે જે લુથરાની પ્રદૂષણ ફેલાવતી કંપની બંધ કરાવી, તેમના જ મહેમાન કેમ બન્યા

PC: khabarchhe.com

રાજકારણી પાક્કા વેપારી હોય છે. તેમનો વિરોધ અને તેમની તરફેણ બંન્નેમાં તેમનો સ્વાર્થ હોય તો તેઓ મેદાનમાં ઉતરે છે. આવું જ કંઈક નવસારીના સાંસદ સી. આર. પાટીલે કર્યુ છે. આમ તો પાટીલ સાહેબ જમીનના માણસ છે, ખુબ નાના સ્તરેથી સાંસદ બન્યા છે. પણ તેમને પરિસ્થિતિની નસ પારખતા આવડે છે. અંકલેશ્વરથી લઈ  વાપી સુધી ઝેર ઓકતી ફેકટરીઓ સામે અનેક જન આંદોલનો થયા. પણ જેમણે પણ આ જન આંદોલનનો ઝંડો પકડયો તેઓ સમય જતા માલા-માલ થઈ ગયા હતા. જો કે આ બાબત બધાને લાગુ પડતી નથી છતાં મોટા ભાગના કિસ્સામાં આ જ સત્ય છે.

 2010-2011માં  સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગેપિલના માલિક ગીરીશ લુથરા છે, ગીરીશ લુથરાની કંપની સામે આંદોલન ઉગ્ર બનતા સી આર પાટીલ સમજી ગયા કે જો તેઓ પ્રજાની સાથે રહેશે નહીં તો પ્રજા યોગ્ય સમયે તેમને જવાબ આપશે. જેના કારણે આંદોલનની નેતાગીરી સી આર પાટીલે ઉપાડી લીધી. ગેપિલ સામે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સહિત વિવિધ એજન્સીઓમાં ખુદ સી આર પાટીલે ફરિયાદ કરી. જેનું  પરિણામ પણ આવ્યુ. ગેપિલને બંધ કરવાનો સરકારી આદેશ થયો. સાથે ગીરીશ લુથરા સામે જીપીસીબીએ ગુનો પણ નોંધવ્યો હતો.
 
પણ ગીરીશ લુથરા પણ વેપારી માણસ છે. તેઓ એક સી આર પાટીલ નહીં, પાટીલ જેવા એકસો નેતાઓને હેસીયત પ્રમાણે સાચવી લેવાની કુનેહ છે. લુથરાના સંબંધો કોંગ્રેસના મોવડી અહેમદ પટેલ સાથે પણ એટલા જ નજીકના છે. લુથરા સમજી ગયા કે પાટીલને હાથ પગ જોડવા તેની કરતા પાટીલ જેમમાં ખીલે કુદે છે તેવા નેતાઓ સાથે લુથરાએ સંપર્ક વધારી દીધા. ભાજપના તમામ નાના મોટા સરકારી અને ખાનગી સમારંભો તેઓ સાચવી લેવા લાગ્યા. જેનું પરિણામ પણ મળ્યુ. ગીરીશ લુથરાએ પલસાણામાં ગુજરાત ઈકો ઈનસિનરેટર પ્લાન્ટ નાખ્યો જેને ભારત સરકારે 75 કરોડ અને ગુજરાત સરકારે 32 કરોડની સહાયતા પણ આપી.
 
જે ગીરીશ લુથરા સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે, અને જેમનો ગેપિલનો પ્લાન્ટ કલોઝ થઈ ગયો છે તેવા જ ગીરીશ લુથરાના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ખુદ આવ્યા હતા. સાંસદ સી આર પાટીલ જે પ્લાન્ટ સામે વિરોધ કરી રહ્યા હતા તે સાંસદ પાટીલ આ  સમારંભના મહેમાન તરીકે ગીરીશ લુથરા સાથે મંચ ઉપર બેઠા હતા. સી આર પાટીલ માનતા હશે કે પ્રજાની યાદ શકિત બહુ ટુંકી હોય છે. પ્રજા ભુલી ગઈ હશે એટલે તેમણે લુથરા સાથે મંચ ઉપર બેસવાની હિમંત કરી હશે.
 
(પ્રશાંત દયાળ)
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp