10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ માટે દેશના પાંચ શહેરો અને વિદેશોમાં રોડ શો યોજાશે

PC: vibrantgujarat.com

ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહિનાના આખરમાં સરકાર વિદેશમાં ત્રણ અને દેશના પાંચ શહેરોમાં રોડ શો નું આયોજન કરવા જઇ રહી છે. એટલું જ નહીં, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદેશમાં પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 10 થી 12 જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 10મી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થવાની છે. કોરોના સંક્રમણના કારણે આ સમિટમાં આ વખતે વિદેશી ડેલિગેટ્સ અને બિઝનેસ પ્રતિનિધિઓ ઓછી સંખ્યામાં આવી શકે તેમ હોવાથી સરકારે આ સમિટમાં આત્મનિર્ભરતાની થીમ પસંદ કરી છે.

ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાંથી રોડ શો ની શરૂઆત કરશે. આ પ્રકારના રોડ શો મુંબઇ, લખનૌ, હૈદરાબાદ અને ચેન્નાઇમાં યોજાશે. એટલું જ નહીં વિદેશમાં રોડ શો યોજવાનું આયોજન ચાલી રહ્યું છે. 22 થી 26 નવેમ્બર દરમ્યાન ગુજરાત સરકારની ત્રણ ટીમો આ ત્રણ દેશોમાં રોડ શો અને બિઝનેસ મિટીંગ કરવા માટે જશે. રાજ્યના મુખ્યમંત્રી 8 અને 9 ડિસેમ્બરે દુબઇના વર્લ્ડ એક્સ્પોમાં જઇ રહ્યાં છે.

દુબઇમાં ચાલી રહેલા એક્સ્પોમાં અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાના હતા પરંતુ સરકાર બદલાઇ જતાં હવે ભૂપેન્દ્ર પટેલ આવતા મહિને જવાના છે. તેમની સાથે મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સેક્રેટરી અવતિંકા સિંઘ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા જોડાય તેવી સંભાવના છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને અમેરિકા, જાપાન, કોરિયા, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવા દેશોમાં જશે. જે દેશોના ડિપ્લોમેટ્સ અને બિઝનેસ ડેલિગેશન ગુજરાતમાં આવીને વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહી શકે તેમ નથી તેમના માટે ગુજરાત સરકારે મહાત્મા મંદિરમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પણ ઉભું કરવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ માટે કેન્દ્ર સરકારના મંત્રીઓ, વિવિધ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, દેશના રાજ્યોના મુખ્યમંત્રી તેમજ બિઝનેસ ડેલિગેશનને આમંત્રણ આપ્યાં છે. આ સમિટનું ઉદ્ધઘાટન 10મી જાન્યુઆરીએ સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તેઓ ગુજરાતની આ સમિટના મહેમાન બનીને આવશે. તેમની સાથે સિનિયર કેન્દ્રીય મંત્રીઓ પણ સમિટમાં ભાગ લેવા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp