GSTમાં કમ્પોઝિશન સ્કીમનો લાભ હવે સર્વિસ પ્રોવાઈડરોને પણ મળશે

PC: vsijaipur.com

કેન્દ્ર સરકાર GSTમાં કમ્પોઝિશન સ્કીમના લાભમાં વધારો કરવા જઈ રહી છે. આ લાભ માત્ર ઉત્પાદકો અને વેપારીઓને મળતો હતો, પરંતુ હવે તે સર્વિસ પ્રોવાઈડરોને પણ મળશે.

GSTના ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતું કે સૂચવવામાં આવેલા આ સુધારાનો અમલ થાય તો જે ઉત્પાદકો કે વેપારીઓ તેમના ટર્નઓવરના 10 ટકા સુધીની સેવાઓ આપતા હોય અને તેઓ કમ્પોઝિશન સ્કીમની મર્યાદા મુજબનું ટર્નઓવર ધરાવતા હોય તો તેઓ કમ્પોઝિશન સ્કીમનો લાભ મેળવી શકશે. આ સુધારો થશે તો લાખો વેપારીઓને કમ્પ્લાયન્સમાં રાહત મળશે.

સરકારે GSTમા 46 સુધારા સૂચવ્યા છે અને તેના માટે જાહેર અભિપ્રાય મેળવ્યા છે. ટૂંક સમયમાં આ ભલામણો પર અમલ થવાની શક્યતા છે. હાલમાં એક કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ અને ઉત્પાદકો GSTની કમ્પોઝિશન સ્કીમ (ટર્નઓવરનો 1 ટકા ઉચ્ચક વેરા)નો લાભ મેળવી શકે છે.

જોકે, સર્વિસ સેક્ટરને કમ્પોઝિશનમાં આવરી લેવામાં આવી નથી તેથી જે ઉત્પાદકો કે વેપારીઓ વેચાણ પછીની અમુક સેવાઓ પણ આપતા હોય, તેઓ એક કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા હોય તો પણ કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકતા નથી. હવે સરકારે સુધારો સૂચવ્યો છે કે કમ્પોઝિશન સ્કીમનો લાભ દોઢ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને આપવામાં આવે. ઉપરાંત તેઓ તેમના ટર્નઓવરના 10 ટકા અથવા તો ₹5 લાખ (બેમાંથી જે ઊંચું હોય)ની સેવાઓ આપે તો પણ તેઓ કમ્પોઝિશન સ્કીમનો લાભ મેળવી શકશે.

જો આ સુધારો અમલી બને તો ઘણા વેપારીઓ અને ખાસ તો નાના ઉત્પાદકો કમ્પોઝિશન સ્કીમમાં જોડાઈ શકશે કારણ કે તેઓ નાની-મોટી સર્વિસ ઓફર કરતા હોય છે અને આ સુધારાનો તેમને લાભ મળશે. નાના વેપારીઓ પર કાયદાના પાલનને લઈને જે દબાણ છે તે ઘટશે અને કોમ્પ્લાયન્સમાં તેમને સરળતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp