26th January selfie contest

સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં કોરોનામાં પણ આગળ વધવાનું સામર્થ્યઃ સ્મૃતિ ઈરાની

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવાયા મુજબ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી દેબાશ્રી ચૌધરીની ઉપસ્થિતિમાં સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ટેક્સટાઈલ ટેક્નોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ 2021’ ને ખૂલ્લું મૂક્યું હતું.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા.9 થી 11 જાન્યુ દરમિયાન આયોજિત 'સીટેક્ષ-2021'માં સંબોધન કરતાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવા માટે તમામ ક્ષેત્રો સહિત ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ કોરોના કટોકટીના માહોલમાં પણ આગળ વધવાનું સામર્થ્ય ધરાવે છે, એ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ સાબિત કર્યું છે. રાજ્યના ઉદ્યોગો વિષમ પરિસ્થિતિમાં પણ રાખમાંથી બેઠા થઈને વિકાસના માર્ગે આગળ વધી રહ્યાં છે, એ આજે સુરતે સાર્થક કરી બતાવ્યું છે. લોકડાઉન અને કોરોના કાળમાં મશીનરી માટે વિદેશ પર નિર્ભર રહેવાને બદલે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગો, લઘુઉદ્યોગોએ નજીવા અને પોષણક્ષમ દરે સ્વદેશી કિફાયતી મશીનો બનાવ્યાં છે, જે બદલ તેમણે સુરતને અભિનંદન આપ્યાં હતાં.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ટેક્સટાઈલ મંત્રાલય ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી રહી છે. તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અદા કરી રહી છે. સુરત સસ્ટેનેબલ ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં આગળ વધે તો સુરત દેશમાં નવી ટેક્સટાઈલ ક્રાંતિનું જનક બનશે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે ગર્વ સાથે કહ્યું કે, ભારતમાં કોરોના મહામારી જેવા કઠિન સમયે માર્ચ મહિનામાં માસ્ક અને PPE કીટનું ઉત્પાદન કરતી એક પણ કંપની ન હતી, પરંતુ આજે 1100 કંપની કાર્યરત થઇ છે. આ સાથે જ કોરોના મહામારીના શરૂઆતી ગાળામાં એન-95 માસ્ક બનાવતી માત્ર 2 કંપની હતી, પરંતુ આજે તે આંકડો વધીને 250 થઇ ગયો છે. આટલું જ નહીં, માત્ર ત્રણ મહિનામાં જ સમગ્ર વિશ્વમાં આપણો દેશ માસ્ક અને PPE કીટ બનાવતો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે એમ જણાવી તેમણે 'આત્મનિર્ભર ભારત'નું ઉત્તમ ઉદાહરણ આ પ્રકારના સાહસિક ઉદ્યોગકારોએ પૂરૂ પાડ્યું હોવાનું ઉમેર્યું હતું.

માસ્ક અને PPE કીટ ઉત્પાદનમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ધારાધોરણોને અનુસરી ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમાધાન ન કરવાની નીતિને દેશના આ ક્ષેત્રના ઉદ્યોગકારો વળગી રહ્યાં, કોરોના વોરિયર્સને ઊની આંચ પણ ન આવે એવાં અભિગમ સાથે એમાં માસ્ક અને PPEનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કર્યું એમ પણ તેમણે ગૌરવથી કહ્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી દેબાશ્રી ચૌધરીએ જણાવ્યું કે, સુરત અને ટેક્ષટાઈલ, મશીનરી ઇન્ડસ્ટ્રીઝને નજીકથી નિહાળવાનો આનંદ છે. પશ્ચિમ બંગાળમાં પણ સુરતની માફક કાપડ ઉદ્યોગ ધબકતો થાય એવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે સુરતના ઉદ્યોગકારોને શુભકામનાઓ પાઠવી હતી. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોના મહામારી પછી ટેક્સટાઈલ ઉદ્યોગની મશીનરી પ્રદર્શિત કરતું રાજ્યનું સૌપ્રથમ પ્રત્યક્ષ બી–ટુ–બી એક્ઝિબીશન સુરતમાં યોજાઈ રહ્યું છે, ગુણવત્તાયુક્ત કાપડ, મેનમેડ ફાઈબર, એપેરલ અને યાર્ન સેક્ટરમાં સુરત ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝના દેશના વિકાસમાં યોગદાન અંગે તેમણે વિસ્તૃત વિગતો આપી હતી.

CM વિજય રૂપાણીએ પણ ‘સીટેક્ષ– 2021’ને સુરત અને ગુજરાત રાજ્યના કાપડ ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ ગણાવતા પોતાનો લિખિત શુભેચ્છા સંદેશ પાઠવી પ્રદર્શનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ કેન્દ્રીય મંત્રી દ્વારા ચેમ્બર ઓફ કોમર્સનું મુખપત્ર ‘સમૃદ્ધિ’ અને ‘સીટેક્ષ એક્ષ્પો-2021’ પુસ્તિકા સહિતના સોવેનિયરનું વિમોચન કરાયું હતું. તેમણે ટેક્ષટાઈલ મશીનરી સંબંધિત તમામ સેક્ટર્સને આવરી લેનાર પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લઇ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતાં. નોંધનીય છે કે, કોવિડ-19 ગાઈડલાઈન્સ સાથે આયોજિત આ પ્રદર્શનમાં અહીં 110 સ્ટોલોમાં ટેક્સટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશિન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિક્સ મશીન, ટીએફઓ જેવી ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત થઈ રહી છે.

આ કાર્યક્રમમાં સાંસદ દર્શનાબેન જરદોશ, કોન્સ્યુલેટ જનરલ ઓફ રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા, મુંબઇના કોન્સ્યુલ જનરલ હીઝ એકસલન્સી આગુસ પ્રિહાતીન સાપ્તોનો, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, વિવેક પટેલ, અરવિંદ રાણા, ઓફિસ ઓફ ધિ ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ એડી. ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્ષ્ટર્નલ) એચ.ડી. શ્રીમાળી, કેન્દ્રીય ટેક્સટાઈલ કમિશનર રૂપરાશિ મહાપાત્ર, ચેમ્બર ઉપપ્રમુખ આશિષ ગુજરાતી સહિત ઉદ્યોગકારો, એક્ઝિબીટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp