26th January selfie contest
BazarBit

સુરતના મેયર જગદીશ પટેલ પણ કાશીરામ રાણાની રાહ અનુસરશે, કાપડ ઉદ્યોગ બચાવવાનો છે

PC: firstpost.com

સુરતમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ બાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ કોરોનાના કેસએ ભૂસ્કો સુરત મહાનગર પાલિકાએ હવે ટેક્સટાઈલ સંગઠનો સાથે બેઠક શરૂ કરી છે. જેમાં હીરા ઉદ્યોગની જેમ જ શનિ અને રવિવારે 165 માર્કેટ બંધ રાખવા સહિતની અનેક આચારસંહિતાઓ મુકી કામદારોને કોરોનાથી બચાવવાની દિશામાં આગળ વધાયું છે.

કેસ વધતા માર્કેટ ફરી બંધ થવાની હોવાની અફવાએ પણ જોર પકડ્યું હતું. જોકે, ફોસ્ટાએ તેને અધિકૃત રીતે ખારીજ કરી છે. બીજી તરફ, બેઠકમાં મેયર અને કમિશનર દ્વારા વેપારીઓને એક કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું. હાલ પરપ્રાંતથી કોઈ પણ શ્રમિકાને ન બોલાવવાની શરત મુક્યા બાદ આ કમિટમેન્ટ અપાયું હતું. હાલ શ્રમિકોની ઓછી સંખ્યાને લઈને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને તકલીફ પડી રહી છે તે વાત સામે મેયર અને કમિશનરે તમામ ઉદ્યોગકારોને કહ્યું હતું કે, કોરોના કેસ વધતા પરિસ્થિતિ હાલ વિપરિત થઈ છે જેથી, તેમાં રાહત થયા બાદ બંને મહાનુભાવો જાતે શ્રમિકોને તેડવા જશે એવી હૈયાધરપત તેઓએ વેપારીઓને આપી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં 1992ના રમખાણો પછી ઓરિસ્સાના કામદારો જતા રહ્યા હતા. તેઓ ડરના કારણે પરત આવતા ન હતા. ત્યારે કાશીરામ રાણા સુરતના સંસદસભ્ય હતા. તેઓ પોતે ઓરિસ્સા ગયા હતા અને કામદારોને પરત લાવ્યા હતા. એ રીતે જ સુરતના મેયર જગદીશ પટેલ પણ ઓરિસ્સાથી કામદારોને પરત લાવશે, તેવી બાંયધરી આપી છે. 

 ત્રણ દિવસમાં 82 કેસથી ચિંતા

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા ત્રણ દિવસમાં 82 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે. ડાયમંડ ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની, મેયર જગદીશ પટેલે સુરત મહાનગરપાલિકાની કચેરી પર વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિવર્સ આગેવાનોની સાથે બેઠક કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે ઓછું કરી શકાય તે બાબતે ચર્ચા કરી હતી..મેયર ડો. જગદીશ પટેલે કહ્યું હતું કે, ટેક્સટાઈલ ઉદ્યોગની કાર્યપદ્ધતિ અલગ અલગ છે. હાલના સમયમાં તે લાંબો સમય સુધી ચાલે તે રીતે સ્વંયભૂ વ્યવસ્થાનું આંદોલન તરીકે ચલાવવું પડશે. મનપા કમિશનર બીએસ પાનીએ લસકાણા જેવા વિસ્તારમાં ચાલતા કારખાનાઓ માટે જે મેસ ચાલે છે ત્યાં સામુહિક ભોજનને બદલે પાર્સલ તેમજ ટિફિન કારખાનામાં જ મંગાવી કારીગરોને જુદાં જુદાં જમાડવા સૂચના આપી હતી. 

 -બેઠકમાં નીચે મુજબની ગાઈડલાઈન પાળવા સૂચના અપાય

1) કારખાનાઓમાં ઈન હાઉસની વ્યવસ્થા હોય તો ત્યાં જ શ્રમિકોને રાખવા.

2) પરપ્રાંતીય શ્રમિકો એક રૂમમાં ચાર જ રહી શકશે.

3) ધોવાય તેવા માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો, હાથ વારંવાર ધોવા, સેનેટાઈઝ કરવું, સામાજિક અંતર જાળવવું વગેરે નિયમો પાળવા

4) પરપ્રાંતથી હાલ કોઈ પણ કામદારને સુરત બોલાવવા નહીં

5) બહારથી આવતા રો-મટિરિયલનો ઉપયોગ ત્રણ દિવસ પછી કરવો

6) મશીનરી,કારખાનાઓ વગેરે સેનેટાઈઝ કરતા રહેવું

7) શ્રમિકો-કારીગરો, કર્મચારીઓ માટે દવા- આર્યુવેદિક ઉકાળા અને ગરમ પાણીની વ્યવસ્થા કરવી

8) માર્કેટ વિસ્તારની દુકાનોમાં એરકન્ડિશનર (એસી)નો ઉપયોગ ઓછો કરવા અને હવા-ઉજાસ (વેન્ટિલેશન) રાખવા

9) માર્કેટમાં આવતા તમામ પાર્સલ સેનેટાઈઝ કરવા, સંડાસ-બાથરુમને પણ સેનેટાઈઝ કરતા રહેવું

10) 60થી વધુ વયની વ્યક્તિઓને કામ પર બોલાવવા નહીં.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp