વાયબ્રન્ટ સમીટમાં ફાર્મા ક્ષેત્ર માટે જાણો શું છે

PC: khabarchhe.com

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-2019 અંતર્ગત મહાત્‍મા મંદિર ગાંધીનગર ખાતે શેપિંગ અ ન્‍યુ પેરાડાઇમ ઇન હેલ્‍થ એન્‍ડ ફાર્મા સેક્ટર વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેન્‍દ્રિય આરોગ્‍ય રાજય મંત્રી અશ્‍વિની ચોબે, તથા રાજય આરોગ્‍ય મંત્રી કિશોર કાનાણીની ઉપસ્‍થિતિમાં ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રમાં રૂા.8224 કરોડના 273 સમજૂતી કરાર કરવામાં આવ્‍યા હતા. આના કારણે અંદાજે 18915 લોકોને રોજગારી મળશે. આ ઉપરાંત હેલ્‍થકેર ક્ષેત્રે 6 એમ.ઓ.યુ. થયા. જેમાં 4375 કરોડનું રોકાણ થશે, જેથી 5075 રોજગારીની તકોનું નિર્માણ થશે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ દ્વારા મહાત્‍મા મંદિર ખાતે યોજાયેલા આ સેમિનારમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉપસ્‍થિત રહી આરોગ્‍ય વિષયક સેવાઓ અને ભાવિ આયોજનો અંગે વિચાર-વિમર્શ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ સેમિનારનો હેતુ સ્‍પષ્‍ટ કરતા જણાવ્‍યુ કે, લોકોના આરોગ્‍યની દરકાર રાખવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના દીર્ધદ્રષ્‍ટીકરણ નેતૃત્‍વ હેઠળ વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ભારતીય સંસ્‍કૃતિ સર્વજન હિતાય, સર્વજન સુખાયના ધ્‍યેય સાથે નક્કર પરિણામો આપનારી છે. પ્રસ્‍તુત સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમિનાર યોજવાનો મુખ્‍ય ઉદેશ્‍ય હેલ્‍થકેર અને ફાર્મા ક્ષેત્ર સાથે સંકળાયેલા પક્ષકારોને એકમંચ પર લાવી કાર્યક્ષમ નીતિ બનાવીને સમાજના સર્વગ્રાહી વિકાસમાં ભાગીદાર બનાવવાનો છે.

સાતત્‍યપૂર્ણ અને સર્વસમાવેશક વિકાસના માર્ગે આગળ વધી રહેલા ગુજરાતે નાગરિકોના સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારીને પ્રાથમિકતા આપી છે. નાગરિકોને શ્રેષ્‍ઠ, ઝડપી, અધ્યતન અને ગુણવત્‍તાસભર આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવાનું વ્‍યાપક માળખુ રાજય સરકાર દ્વારા ગોઠવવામાં આવ્‍યુ છે. આ સમગ્ર પરિપેક્ષ્‍યમાં હેલ્‍થકેર અને ફાર્માસ્‍યુટિકલનું ક્ષેત્ર પાયારૂપ ભૂમિકા ભજવે છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ હેલ્‍થ સેક્ટરનું વધુ સુદૃઢ અને સંવેદનશીલ બનાવી નાગરિકોને ઉત્‍કૃષ્‍ટ સેવા આપવા સરકાર મૂડીરોકાણને પ્રોત્‍સાહન આપી રહી છે એમ ઉમેર્યું હતું.

નાયબ મુખ્‍યમંત્રીએ ફાર્માસ્‍યુટિકલ ક્ષેત્રની માહિતી પૂરી પાડતા જણાવ્‍યુ કે, ફાર્માસ્‍યુટિકલ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહયુ છે, તેમજ છેલ્‍લા બે દશકથી દેશમાં થતાં કુલ ફાર્માસ્‍યુટિકલ ઉત્‍પાદનમાં ત્રીજા ભાગથી વધુ હિસ્‍સો ધરાવે છે. ગુજરાત સ્‍થિત કંપનીઓ રીસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી રહી છે. જેના પરિણામે સમગ્ર વિશ્‍વમાં ફાર્માસ્‍યુટિકલ ક્ષેત્રે ગુજરાત આગવુ સ્‍થાન બનાવવામાં સફળ રહયું છે. વાયબ્રન્‍ટ ગુજરાતના સફળ આયોજન બદલ નાયબ મુખ્યમંત્રીએ મુખ્‍ય સચિવ ર્ડા. જે. એન. સિંઘના પ્રયાસોની પણ સરાહના કરી હતી. કેન્‍દ્રિય આરોગ્‍ય મંત્રી અશ્‍વિનીકુમાર ચોબેએ જણાવ્‍યુ કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્‍વમાં દેશના નાગરિકોને પ્રિવેન્‍ટીવ-પ્રોગેસીવ અને કવોલિટી આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવા કેન્‍દ્ર સરકારે રાષ્‍ટ્રીય આરોગ્‍ય નીતિ જાહેર કરી છે.

તેમણે જણાવ્‍યુ કે, દેશના નાગરિકોને અસરકારક, સસ્‍તી અને ઝડપી આરોગ્‍ય સેવાઓ આપવા વર્ષ 2022 સુધીમાં રાષ્‍ટ્રના 1.50 લાખ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોને વેલનેસ સેન્‍ટર બનાવવામાં આવશે. અત્‍યાર સુધીમાં દેશમાં 15 હજાર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોને વેલનેસ સેન્‍ટર તરીકે પ્રસ્‍થાપિત કરવામાં આવ્‍યા છે. અશ્‍વિની ચોબેએ જણાવ્‍યુ કે, દેશના 40 ટકા ગરીબ પરિવારોને આયુષ્‍યમાન ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ 10 કરોડ પરિવારોની 40 કરોડ જનસંખ્‍યાને આવરી લેવામાં આવી છે. આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ અત્‍યાર સુધીમાં આઠ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. જેની પાછળ કેન્‍દ્ર સરકારે રૂા.1100 કરોડનો ખર્ચ કર્યો છે. અશ્‍વિની ચોબેએ ઉમેર્યુ કે, સરકારી હોસ્‍પિટલોમાં પર્યાપ્‍ત સંખ્‍યામાં તબીબો ઉપલબ્‍ધ થાય, તથા નાગરિકોને ગુણાત્‍મક, કિફાયત અને સુયોગ્‍ય આરોગ્‍ય સેવાઓ ઉપલબ્‍ધ થાય તે માટે કેન્‍દ્ર સરકાર પ્રતિબધ્‍ધ છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ દેશમાં 3500 જેટલા જનઔષધિ કેન્‍્દ્રો શરૂ કરવામાં આવ્‍યા છે તેમ જણાવતાં અશ્‍વિની ચોબેએ ઉમેર્યુ કે, જનઔષધ કેન્‍દ્રોમાં રાહતદરથી દવાઓ મળતા નાગરિકોના રૂા.10 લાખની બચત થઇ છે. અશ્‍વિની ચોબેએ જણાવ્‍યું કે, ફાર્મા ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્‍વમાં આરોગ્‍ય ક્ષેત્રે નિદાન સારવાર માટે આધુનિક ટેકનોલોજીના મહત્‍તમ ઉપયોગ માટે ખાનગી વ્‍યુહાત્‍મક ભાગીદારી જરૂરી છે. અશ્‍વિની ચોબેએ જણાવ્‍યુ કે, એલોપેથી-આયુર્વેદ-યુનાની-હોમિયોપેથી જેવી સારવાર પધ્‍ધતિઓને પણ પ્રોત્‍સાહન પૂરૂં પાડવામાં આવી રહયું છે. વાયબ્રન્‍ટ ગુજરાત સમિટના આયોજન બદલ રાજય સરકારને અભિનંદન પાઠવતાં અશ્‍વિની ચોબેએ જણાવ્‍યું કે, ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રીમ સ્‍થાને રહી દેશના અન્‍ય રાજયોને માર્ગદર્શન પૂરૂં પાડવા સાથે દિશા દર્શન કર્યું છે. ગુજરાતમાં આરોગ્‍ય અને ફાર્મા ક્ષેત્રે મૂડીરોકાણ માટે વિપુલ તકો ઉપલબ્‍ધ છે, ત્‍યારે ગુજરાતમાં મૂડીરોકાણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આરોગ્‍ય રાજય મંત્રી કિશોર કાનાનીએ જણાવ્‍યુ કે, રાજય સરકાર લોકોને અસરકારક આરોગ્‍ય સેવાઓ પૂરી પાડી રહી છે. રાજયમાં 30 કિ.મી. વિસ્‍તારમાં ડાયાલિસીસ સેન્‍ટર કાર્યરત કરવામાં આવ્‍યા છે.

આરોગ્‍ય વિભાગના અધિક મુખ્‍ય સચિવ પી.કે.પરમારે જણાવ્‍યુ કે, ગુજરાતમાં 1400થી વધુ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, 362 સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રો, 36 સબ હોસ્‍પિટલ અને 24 જિલ્‍લા હોસ્‍પિટલ તેમજ 14 મેડિકલ કોલેજ દ્વારા રાજયના નાગરિકોને અસરકારક અને સુદૃઢ આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત આજે સમગ્ર દેશનું ફાર્મા કેપિટલ બન્‍યું છે તેમ પણ જણાવ્‍યુ હતું. ગુજરાત પાસે ઉચ્‍ચ કૌશલ્‍ય ધરાવતા તબીબો અને તબીબી ક્ષેત્રની માળખાકિય સુવિધાઓ ઉપલબ્‍ધ છે, તેથી વૈશ્‍વિક કક્ષાની ગુણવત્‍તાસભર સારવાર વાજબી ભાવે પૂરી પાડવાનું સામર્થય ગુજરાતે કેળવ્‍યુ છે. આ પરિસ્‍થિતિમાં યોગ્‍ય લાભ લઇને ગુજરાતને મેડિકલ હબ તરીકે મજબૂત રીતે પ્રસ્‍થાપિત કરવાના દુરોગામી ઉદેશ્‍ય સાથે આ સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારના ચર્ચા સત્રમાં તજજ્ઞોએ આરોગ્‍ય વિભાગ વિષયક માહિતી પૂરી પાડી હતી. આ સેમિનારમાં તજજ્ઞ પ્રીતિ સુદાન, ડો.ઇન્‍દુ ભૂષણ, ડો.યાસ્‍મિન અલી હક, રીટા ટીઓટીઆ, જાવેદ ઝિયા, પદ્મ ડો.તેજસ પટેલ, ડો.વિક્રમ શાહ, ડો.પ્રિયા રેડૃી અને ડો.જયંતી રવિએ પ્રેરક સૂચનો કર્યા હતા. હેલ્‍થકેર અને ફાર્મા જગતના 500થી વધુ પ્રતિનિધિઓ અને તજજ્ઞીઓએ આ સેમિનારમાં હિસ્‍સો લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp