સચિન GIDCની ઘટનામાં કૌભાંડના સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસને કોની શરમ નડે છે

PC: indianexpress.com

(હરેશ ભટ્ટ) સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઝેરી કેમિકલના ગેરકાયદે નિકાલ વખતે સર્જાયેલી દુર્ઘટનામાં છ નિર્દોષ મજૂરો કાળનો કોળિયો બની ગયા. મોતના મુખમાં ધકેલાયેલા ગરીબ હોવાથી કોઈ અવાજ ઉઠાવતું નથી. તેવા સંજોગોમાં સત્યની નજીક રહી બનાવના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં નજર સામે જે દૃશ્ય ખડું થયું તેમાં આ કૌભાંડના સ્થાનિક કક્ષાએ નેટવર્ક ધરાવતા સૂત્રધારને પોલીસ પકડી શકતી નથી. પોલીસને કોની શરમ નડે છે? એ એક શંકાસ્પદ સવાલ છે. સચિન, સચિન જીઆઈડીસી અને પાંડેસરા વિસ્તરના કેમિકલ સાથે સંકળાયેલા લોકોમાંથી મોટા ભાગના લોકોને ખ્યાલ જ છે કે આ કૌભાંડ સંદીપ ગુપ્તા જ ચલાવી રહ્યો છે. આમ છતાં કોઈ હરફ સુધ્ધાં ઉચ્ચારતું નથી.
સ્થાનિક લોકોમાંથી સાંપડેલી માહિતી મુજબ સંદીપ ગુપ્તા છેલ્લાં કેટલાંક વર્ષોથી કેમિકલના ગેરકાયદે નિકાલમાં એક હથ્થુ રાજ ચલાવે છે. તેની આખી ટોળકી છે. જે પોલીસ સાથે મિલિભગત ધરાવી કૌભાંડ આચરી રહ્યો હોવાનું સૌ કોઇ કહી રહ્યા છે. સંદીપ ગુપ્તાની પોલીસ ઊંડાણપૂર્વક આકરી અને આગવી ઢબે પૂછપરછ કરે તો અનેકના નકાબ ચિરાઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

હવે વાત કરીએ પોલીસની. તો સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વહીવટદાર તરીકે રહી રોફ જમાવનારા પંકજ પાંડે અને તેનો રિક્ષાચાલક રણવીર રાજપૂત સમગ્ર કૌભાંડથી વાકેફ છે. જે બન્ને સમયાંતરે નાણાં ઉઘરાવી સંબંધિત પોલીસ અધિકારીઓને પહોંચતા કરતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. આમ છતાં આ બન્નેમાંથી કોઈની પણ પૂછપરછ કરવાની તસ્દી પોલીસ અધિકારીઓએ લીધી ન હોવાથી લોકોની વાતમાં તથ્ય હોવાનું માની શકાય તેમ છે.
પોલીસની ગતિવિધિ તરફ દૃષ્ટિપાત કરીએ તો અનેક સવાલો ખડા થાય છે. એક તો આ ઘટનામાં એવું તે શું સેન્સેટિવ હતું કે એફઆઈઆર ઓન લાઈન ન કરી, બીજું એવું તે શું ગંભીર હતું કે તપાસ રાતોરાત ક્રાઇમ બ્રાન્ચને આપી દેવામાં આવી, એવું તે શું આભ ફાટી પડ્યું કે પોલીસ કમિશરનરે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી.

કોઇ પણ ગુનામાં બહારનો ગુનેગાર તો જ સફળ થાય કે તેને સ્થાનિક ગુનેગારનો સહકાર સાંપડે. આ કિસ્સામાં સુરત બહારથી કેમિકલ ભરીને ટેન્કરો આવતાં હતાં. એ સૂચવે છે કે સ્થાનિક સહકાર વગર આ શક્ય જ નથી તો પછી સ્થાનિક કૌભાંડીઓને પોલીસ શા માટે છાવરી રહી છે. મુંબઈથી કેટલાકની ધરપકડ કરી તે સારી વાત છે. સંડોવાયેલા તમામને પકડી પાડવા જોઇએ એ વાત સાચી છે પણ સ્થાનિક કૌભાંડીઓને પોલીસ શા માટે પકડતી નથી. એ સવાલ પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે તેવો છે.

મામલા પર પરદો નાખવા માટે નીચેથી છેક ઉપર સુધી પહેલેથી જ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે સચિન જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા, 14 પોલીસ કર્મચારીઓને સામૂહિક બદલી કરી. માત્ર આ દેખાડો કરવાથી લોકરોષ શાંત થઈ જશે એ વાત ભૂલ ભરેલી સાબિત થઈ કારણ કે સ્થાનિક કક્ષાએ પોલીસની ગતિવિધિની ભારોભાર ટીકા થઈ રહી છે એટલું જ નહીં પણ લોકોમાં રોષ પણ ભભૂકી રહ્યો છે. તેવા સમયે પોલીસ તટસ્થ કામગીરી કરી સ્થાનિક કક્ષાએ ચાલતા નેટવર્કનો પર્દાફાશ કરે તે અત્યંત આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp