કોર્ટની ટકોર પછી સાબરમતીને શુદ્ધ કરવા 2000 કરોડનો પ્રોજેક્ટ, ખરેખર કામ થશે ખરૂં?

PC: timesofindia.indiatimes.com

ગુજરાત હાઇકોર્ટની ટકોર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રદૂષિત ગટર બની ચૂકેલી સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે 2000 કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર થઇ છે. કોર્ટ મિત્રની  જાત મુલાકાત બાદ કડક પગલાં લેવાની ખાતરી સાથે નદીને શુદ્ધ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારે નિશ્ચય કર્યો છે કે સાબરમતી નદીને પોલ્યુટેડ કરનારા વ્યક્તિ કે ઉદ્યોગને છોડાશે નહીં. તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે. કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ એ સાબરમતી નદી અને આસપાસના ઔદ્યોગિક એકમોનું ઇન્સ્પેકશન કર્યું તો જાણવા મળ્યું કે ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી ખેતીમાં વાપરવા અધિકારીક છૂટ આપવામાં આવી છે.

ટ્રીટમેન્ટ વગર છોડાતા પાણીના કારણે નદી અને આસપાસની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ મામલે કોર્ટ મિત્ર અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં કોર્ટમાં વિસ્તૃત રિપોર્ટ સબમીટ કરશે. એ પહેલાં કોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ બાબતે સ્પષ્ટ કહ્યું હતું કે રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ તેમા દૂષિત પાણી છોડાતુ હોય તે ચલાવી નહીં લેવાય.

સત્તાની ટોચ પર બેઠેલા લોકો આવા ઔદ્યોગિક એકમોને રક્ષણ આપે તે દુ:ખદ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ કડક પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ છે.

કોર્ટના આદેશ બાદ સફાળી જાગેલી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે 2000 કરોડ રૂપિયાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટને કેન્દ્ર સરકારની નેશનલ રિવર કન્ઝર્વેશન યોજના હેઠળ રજુ કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી રહી છે.

સાબરમતી નદીના બંને કાંઠેથી કેટલાક વરસાદી પાણીનાં નાળા નદીમાં ખુલતા હતા. જેમાં ગટરનાં જોડાણો જોડી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ રિવરફ્રન્ટ બનતા આ નાળા બંધ થઇ શકે તેમ નથી. જેથી વાસણા બેરેજથી ડફનાળા સુધી ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી જેની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે.

સાબરમતીમાં ગટરનાં પાણી બારોબાર છોડવામાં આવે છે. સાબરમતી નદીમાં ટ્રીટ થયા વગરનું ગટરનું પાણી તેમજ ઇન્ડસ્ટ્રીનું કેમિકલ યુક્ત પાણી રોકવા કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp