ભારતમાં થશે ઇંધણની હોમ ડિલિવરી

PC: twitter.com/milinddeora

બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ 6 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે, બંને કંપનીઓ નવું સંયુક્ત સાહસ રચશે, જેમાં રિટેલ સર્વિસ સ્ટેશનનું નેટવર્ક અને ભારતમાં એવિએશન ઇંધણનો વ્યવસાય સામેલ હશે. રિલાયન્સનાં હાલની ભારતીય ઇંધણનાં રિટેલ નેટવર્ક અને એવિએશન ઇંધણ વ્યવસાય પર નિર્મિત આ નવું સાહસ ઝડપથી દેશની ઊર્જા અને પરિવહન માટે સૌથી વધુ ઝડપથી વધતી માગને પૂર્ણ કરવામાં મદદરૂપ થવા ઝડપથી વિસ્તરણ કરવશે એવી અપેક્ષા બંને પાર્ટનર કંપનીઓને છે.

આ સમજૂતીથી આરઆઈએલ અને બીપીની લાંબા ગાળાની ભાગીદારી વધુ મજબૂત થશે, જેની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી અને વર્ષ 2017માં એનો વિસ્તાર થયો હતો, જે અંતર્ગત વિવિધ ઇંધણ વિકસાવવા અને પરિવહનનાં વ્યવસાયમાં સંયુક્તપણે કામ કરવાનાં વિકલ્પો પર સમજૂતી સામેલ હતી.

ભારત આગામી 20 વર્ષમાં ઇંધણનાં બજારમાં દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું બજાર બનશે એવી અપેક્ષા છે. આ ગાળામાં દેશમાં પેસેન્જર કારની સંખ્યામાં અંદાજે છ ગણો વધારો થશે. આરઆઇએલ અને બીપીનું સાહસ રચાશે અને આરઆઈએલનાં ભારતમાં હાલનાં 1,400થી વધારે ઇંધણ રિટેલ નેટવર્ક પર નિર્મિત હશે, જેમાં બંને પાર્ટનર આગામી પાંચ વર્ષમાં 5,500 સાઇટ સુધી વિસ્તરણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

આ સંયુક્ત સાહસમાં આરઆઈએલનો એવિએશન ઇંધણનો વ્યવસાય પણ સામેલ હશે, જે અત્યારે ભારતમાં 30 એરપોર્ટ પર કાર્યરત છે, જેથી આ ઝડપથી વધતા બજારમાં સહભાગી થવાની તક પ્રદાન કરશે. મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને બીપીનાં ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ બોબ ડુડલીએ સાહસની રચના માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “અમને ઇંધણ-રિટેલિંગનાં ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓમાંની એક બીપી સાથે અમારી ભાગીદારી વધારવાની ખુશી છે. આ પાર્ટનરશિપ બીપી અને રિલાયન્સ વચ્ચેનાં ગાઢ સંબંધોનો પુરાવો છે. ભારતમાં ગેસ સંસાધનો વિકસાવવામાં અમારી ભાગીદારીએ હવે ઇંધણનાં રિટેલિંગ અને એવિએશન ઇઁધણમાં વિસ્તરણ કર્યું છે. આ પરિવર્તનકારક પાર્ટનરશિપ દેશભરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સેવાઓ વધારીને ગ્રાહકો સાથે અમારાં જોડાણને વધારે ગાઢ બનાવશે.”

બોબ ડુડલીએ કહ્યું હતું કે, “ભારત 2020નાં દાયકાની મધ્યમાં ઊર્જા માટે વિશ્વનું સૌથી મોટું વિકસતું બજાર બનશે. બીપી અહીં મોટી રોકાણકાર કંપની છે અને અમે અહીં વૃદ્ધિને ટેકો આપવા વધારે આકર્ષક, વ્યૂહાત્મક તકો જોઈએ છીએ. અમે રિલાયન્સ સાથે ભારતનાં ગેસ સંસાધનો વિકસાવવા કામ કરી રહ્યાં છીએ, જે દેશ માટે મુખ્ય ઇંધણની માગ પૂર્ણ કરવામાં મદદરૂપ છે. અમે ભારતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇંધણો, સુવિધાજનક રિટેલ અને સેવાઓ ગ્રાહકોને પૂરી પાડવા સંયુક્તપણે કામ કરીશું તથા દેશભરમાં આધુનિકીકરણ અને પરિવહનનનાં સોલ્યુશન્સને આગળ વધારવાની કામગીરી જાળવી રાખીશું.”

બંને પાર્ટનર નવું સંયુક્ત સાહસ સ્થાપિત કરવા સંમત થયા છે, જેમાં આરઆઈએલનો હિસ્સો 51 ટકા અને બીપીનો હિસ્સો 49 ટકા હશે, જે આરઆઈએલનાં હાલનાં ભારતીય ઇંધણ રિટેલ નેટવર્કની માલિકી અને એનાં એવિએશન ઇંધણ વ્યવસાયની માલિકી બનશે. એક અંદાજ મુજબ, વર્ષ 2019 દરમિયાન સમજૂતીને અંતિમ ઓપ અપાઈ જશે, જે નિયમનકારી અને અન્ય પરંપરાગત મંજૂરીઓને આધિન છે. આ સમજૂતી અંતર્ગત બંને કંપનીઓ વચ્ચેનો નાણાકીય વ્યવહાર વર્ષ 2020નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પૂર્ણ થઈ જશે એવી અપેક્ષા છે.

નવી કંપની એની નેટવર્ક સાઇટ પર ભારતીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇંધણ અને સેવાઓ પ્રદાન કરશે, જેને આરઆઇએલનાં રિટેલ વ્યવસાયમાં બહોળા અનુભવનો લાભ મળશે તેમજ જિયો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને બજારમાં અગ્રણી સુલભતા અને ડિજિટલ જોડાણનો ફાયદો થશે.

બીપી ઇંધણનાં રિટેલિંગ અને એવિએશનની કામગીરીમાં સરળતા ઊભી કરવામાં એનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં બહોળા અનુભવનો લાભ આપશે. આ સાહસનાં નેટવર્કમાં કેસ્ટ્રોલ લ્યુબ્રિકન્ટ્સ પણ ઉપલબ્ધ થશે.આ સાહસ એની પહોંચ વધારશે જેમાં મોબાઇલ ઇંધણ એકમો દ્વારા વિસ્તૃત સુલભતા ઊભી કરશે તેમજ હોમ ડિલિવરી સહિત ગ્રાહકોને પેકેજ ઇંધણ પણ પ્રદાન કરશે.

આ સાહસને ભારતનાં પશ્ચિમ દરિયાકિનારે સ્થિત ગુજરાતનાં જામનગરમાં સ્થિત આરઆઈએલનાં જામનગર રિફાઇનિંગ કોમ્પ્લેક્સમાંથી સ્પર્ધાત્મક ઇંધણ સપ્લાયની સુવિધામાંથી લાભ મળશે એવી પણ અપેક્ષા છે. આ રિફાઇનરી સંકુલ દુનિયાનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં ઓફશોર ઇન્ડિયામાં ઉત્ખનનથી સહકારની શરૂઆત કર્યા પછી બીપી અને આરઆઈએલએ વર્ષ 2011માં હાલની પાર્ટનરશિપ કરી હતી. એ સમયે બીપીએ આરઆઈએલનાં ઓફશોર ઇન્ડિયાનાં ઉત્ખનન અને ઉત્પાદનનાં પોર્ટફોલિયોમાં 30 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જેમાં પૂર્વ કિનારે કેજી ડી6 ગેસ-ઉત્પાદન કરતો બ્લોક સામેલ હતો. વર્ષ 2017થી અત્યાર સુધી બંને પાર્ટનર કંપનીઓએ કેજી ડી6 બ્લોકમાં ત્રણ નવા ગેસ ડેવલપમેન્ટને વિકસાવવાની મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp