33 જિલ્લાઓ અને 6 યાત્રાધામોને રૂ. 325 કરોડના ખર્ચે CCTV નેટવર્કથી સુસજ્જ કરાશે

PC: tosshub.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે 'કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે.'

રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં થયેલી રૂ. 20 કરોડના હીરાની લૂંટનો ભેદ માત્ર 60 કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્વિતીય શક્તિનો પરિચય આપનારી સુરત પોલીસ ટીમનું મુખ્યમંત્રીએ સુરત ડાયમંડ એસોસિએશનના ઉપક્રમે ગઈકાલે સન્માન કર્યુ હતું.

વિજય રૂપાણીએ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાને કારણે રોજગારી અને વ્યવસાયીક રોકાણનું પ્રમાણ વધે છે તેમ ગુજરાત પોલીસની સજ્જતાને બિરદાવતા ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે 'CCTV કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોને દબોચી લેવામાં સફળતા સાંપડી છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યના 33 જિલ્લાઓ અને 6 યાત્રાધામોને રૂ. 325 કરોડના ખર્ચે CCTV નેટવર્કથી સુસજ્જ કરશે.'

તાજેતરમાં સુરતમાં રૂ. 20 કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલીસકર્મીઓ-અધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલીસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, 'સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે. ગુજરાત પોલીસની ચાંપતી નજર, સક્રિયતા તથા આધુનિક ટેકનોલોજીના કારણે ગુના બન્યા પછી તે ઝડપથી ઉકેલાઈ જાય છે. અપરાધીઓને સાંખી ન લેવાના મિજાજથી ગુજરાત પોલીસનો ભારતભરમાં દબદબો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ભારતની એકમાત્ર અને સર્વપ્રથમ રક્ષાશક્તિ યુનિવર્સિટી સાકાર થઈ છે. રાજ્યની શાંતિ, સુખાકારી અને સલામતીની જવાબદારી નિભાવતા પોલીસતંત્રમાં આ સરકારે મોટા પાયે ભરતી કરી છે. સાયબર ક્રાઈમમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાને કારણે પોલીસતંત્રને ડિજીટલ બનાવવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.'

પાછલા થોડા સમયમાં જૂનાગઢ, કડી, સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં થયેલા ચોરી, લૂંટ, હત્યાના કેસોને ગણતરીના કલાકોમાં ઉકેલીને ગુજરાત પોલીસે ગુનેગારોમાં ધાક બેસાડી છે. પરિણામે ગુનેગારોમાં પોલીસનો ફફડાટ ફેલાયો છે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ગર્વભેર કહ્યું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહક અને હકારાત્મક નીતિઓના પરિણામે ગુનાખોરી ડામવામાં ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર રહ્યાં છે. રૂપાણીએ પોલીસના સન્માનના કિસ્સા જૂજ બનતા હોવાનું જણાવી પોલીસકર્મીઓના સન્માન અને પ્રોત્સાહનથી પોલીસનું મનોબળ મજબૂત થવાની સાથે તેમને જુસ્સાભેર કાર્ય કરવાનું બળ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા સેવાકીય ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત પોલીસની સમગ્ર ટીમને અભિનંદન આપી ઉત્તમ કામગીરી બદલ બિરદાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત 14 માર્ચના રોજ સુરત કતારગામ વિસ્તારમાં પાંચ લૂંટારૂઓએ ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરી અંદાજીત રૂ. 20 કરોડના હીરાની લૂંટ કરી હતી, જેનો સુરત ની બાહોશ પોલિસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખીને લૂંટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરાંત ગત 26 માર્ચે પણ સુરત ક્રાઇમ બ્રાંચે ઉત્તરપ્રદેશના મેરઠ અને મુઝફ્ફરપુર જિલ્લામાંથી વધુ છ લૂંટારૂની ધરપકડ કરી હતી. જેના પગલે સમગ્ર ગુજરાતમાં સુરત પોલીસની વાહવાહી થઈ હતી.

પોલીસની ઉત્તમ કામગીરીની નોંધ લેતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કેસ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ અધિકારીઓને રૂ. 10 લાખના ઇનામની પ્રોત્સાહક જાહેરાત કરી હતી.

આ વેળાએ મુખ્યમંત્રીએ સુરત પોલીસની પ્રશસ્ય પહેલ એવી ગુનેગારોના ગુનાહિત માનસને સુધારવા માટેના ‘સમર્થ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કરી ‘સમર્થ’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp