26th January selfie contest

કેન્દ્રની ગુજરાતને થપ્પડ- પુરતા કોલસા વિના ગુજરાતના પાવર પ્લાન્ટની આવી થઇ હાલત

PC: khabarchhe.com

ગુજરાતના વીજમથકો ચલાવવા માટે કેન્દ્રની ડો. મનમોહનસિંહની સરકાર જરૂરી કોલસો નહીં આપીને ગુજરાતને થપ્પડ મારે છે તેવા સણસણતા આક્ષેપો કરનારા નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓની હવે બોલતી બંધ થઇ છે. મોદી અને ભાજપના નેતાઓએ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં આવા આક્ષેપો કર્યા હતા પરંતુ હવે એનડીએ સરકાર છે ત્યારે મોદી અને ભાજપના નેતાઓની બોલતી બંધ થઇ ચૂકી છે, કારણ કે યુપીએની જેમ એનડીએ સરકાર પણ ગુજરાતને જરૂરી કોલસો આપતી નથી.

કોલસાના અભાવે ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટ બંધ થઇ રહ્યાં છે. અત્યારે રાજ્યમાં નવ પ્લાન્ટમાંથી ગુજરાતની કેપેસિટી 14000 મેગાવોટની છે પરંતુ 10 હજાર મેગાવોટ કરતાં ઓછું વીજ ઉત્પાદન થાય છે. કેન્દ્ર તરફથી જો પુરતો કોલસો મળી રહે તો ગુજરાત થર્મલ પાવર પ્લાન્ટમાંથી હાલની સ્થિતિએ 14000 મેગાવોટ વીજળી મેળવી શકે છે અને ખાનગી મોંઘી વીજળીની ખરીદી બંધ કરી શકે છે પરંતુ કેન્દ્ર ગુજરાતના કોલસાની પુરતી ફાળવણી અંગેના મુદ્દે મૌન છે. ગાંધીનગર સહિત રાજ્યના થર્મલ પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન ઓછું કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કોલસાનો જથ્થો માગણી કરતાં ઓછો હોવાથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા કોલસાનો જરૂરી જથ્થો ફાળવવામાં આવે તે માટે કોલ કંપનીમિનિસ્ટ્રી ઓફ પાવરમિનિસ્ટ્રી ઓફ કોલમિનિસ્ટ્રી ઓફ રેલવે તેમજ સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટીને અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે વીજ મથકો પર હાજર કોલસાના જથ્થા અને આયાતી કોલસાનો વીજ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સરકાર હસ્તકની વીજ ઉત્પાદન કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કોલકા આધારિત વીજ મથકો માટે વાર્ષિક 163.10 લાખ મેટ્રીક ટન કોલસાની જરૂરિયાત છે.

છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવેલા કોલસાની વિગતો આપતાં અધિકારીએ કહ્યું હતું કે 2017-18ના વર્ષમાં કેન્દ્ર પાસેથી 101.16 લાખ મેટ્રીક ટન અને 2018-19માં 111.28 લાખ મેટ્રીક ટન કોલસો ગુજરાતને મળ્યો છે. રાજ્યના વીજ મથકો માટે જરૂરિયાત 163.10 મેટ્રીક ટન છે તેમ છતાં કેન્દ્ર તરફથી પુરતો કોલસો મળતો નથી.

કેન્દ્રમાં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ તત્કાલિન વડાપ્રધાન ડો મનમોહનસિંહની સરકારને આડે હાથ લેતા હતા પરંતુ હવે જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર છે ત્યારે પણ ગુજરાતને કોલસાની ફાળવણીમાં અન્યાય થઇ રહ્યો છે. પુરતા કોલસાના અભાવે રાજ્યના વીજમથકોની સ્થિતિ દયામણી બની છે. રાજ્યના કોલ બેઝ થર્મલ પાવર સ્ટેશનની કેપેસિટી ઘટીને 45 ટકાએ આવી છે જે યુપીએ સરકારના સમયમાં 65 ટકા હતી. એટલે કે કેન્દ્રની સરકાર ગુજરાતને પુરતો કોલસો આપતી નથી તેથી થર્મલ પાવર મથકોને વીજળીનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે, પરિણામે ગુજરાતને ખાનગી વીજમથકોની મોંઘી વીજળી ખરીદવી પડે છે.

 ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સામે લડત આપવાની જગ્યાએ એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં તેઓ હવે નવો એકપણ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે નહીં અને ખાનગી કંપનીઓને પણ સ્થાપવા દેશે નહીં. ગુજરાતે કોલસા આધારિત પ્લાન્ટ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp