ધોલેરાનું નિર્માણ કરતી કંપની પાણીમાં ડૂબી ગઈ

PC: dholerasmartcity.com

દુનિયાનું સૌથી મોટા સ્માર્ટ સિટી માટે જે કંપની બાંધકામ કરી રહી છે તે લાર્સન એન્ડ ટુબ્રો - એલ એન્ડ ટી કંપનીનું વડું મથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે સ્માર્ટ સિટીના નિર્માણ માટે મોટો સવાલ ઊભો થયો છે. એલ એન ટીએ અહીં પ્રાથમિક સુવિધા માટે આંતરમાળખું તૈયાર કરવાનું કામ ગુજરાતની રૂપાણી સરકારે સોંપ્યુ છે.

સરકારની છૂપી વાતો

બાંધકામ માટે કામ કરતાં મજૂરોના ઝૂંપડા અને મકાનો ડૂબી ગયા છે. તેથી 150 મજૂરો અને સ્ટાફને ભાવનગર ખસેડવા પડ્યા છે. સરકાર આ બાબત છૂપાવી રહી છે. મામલતદારે કહ્યું હતું કે, ધોલેરા પાસેના રાહત તળાવ પાસે એલ એન્ડ ટી નો પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટમાં 100 થી વધુ મજદૂરો કામ કરી રહ્યા છે અને તે પૈકીનાં મોટા ભાગના લોકો નજીકમાં કાચા ઝૂંપડા બનાવીને રહે છે. પરંતુ બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે આ એલ એન્ડ ટીના 35 જેટલા મજદૂરોને રાહત તળાવ પાસે આવેલા એક સરકારી મકાનમાં ઉતારો અપાયો છે, તેમ પણ ધોલેરા મામલતદાર મહાવીરસિંહ ઝાલા દ્વારા જણાવાયું હતું. 

1734 કરોડનું કામ

ધોલેરા એસ.આઈ.આર.માં રૂ.1734 કરોડના ખર્ચે 20 ચોરસ કીલોમીટર વિસ્તારમાં રસ્તાઓ, પાણી પુરવઠાની લાઈનો અને ગટરની સુવિધા ઊભી કરી આપવાનો કરાર લાર્સન એન્ડ ટુબ્રો સાથે કરવામાં આવ્યો હતો. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ (ડીઆઈસીડીએલ)એ કરાર કર્યો હતો. ડીઆઈસીડીએલ એ ગુજરાત સરકાર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું એક સંયુક્ત સાહસ છે.

રસ્તાની નબળી ગુણવત્તા

ધોલેરાના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યનમાં 20 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રસ્તાઓ બાંધવા તથા પાણી પુરવઠા તથા ગટરની સુવિધા ઊભી કરવા માટે કરારની શરતમાં નક્કી કરાયેલા લોખંડ કરતાં નબળી ગુણવત્તાનું લોખંડ વાપરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. ખારાશવાળી જમીન હોવાથી કાટ ન ખાઈ જાય એવું જ લોખંડ વાપરવું એ કરારની પ્રથમ શરત છે. તે માટે એલ એન્ડ ટી એ પોક્સી કોટેડ સ્ટીલ ઉપયોગ ગટર, પાણી અને રસ્તા માટેના બાંધકામ માટે કરવા સરકારે નક્કી કર્યું હતું. તેને બદલે એલ એન્ડ ટીએ ટીએમટી સીઆરએસ સ્ટીલનો ઉપયોગ કર્યો હતો. જે ખારાશ સામે જરા પણ ટકી શકે નહીં. દરિયા કાંઠે જે બાંધકામ થતાં હોય છે તેમાં આ પ્રકારનું લોખંડ વાપરી શકાતું નથી. તેથી જે મકાનો બંધાયા છે તે 5 વર્ષમાં જ તૂટી પડે તો મોટી હોનારત થઈ શકે છે. આ કામગીરી માટે તેને રૂ.150 કરોડની ફી ચૂકવવામાં આવી છે.

રસ્તા ગટર કૌભાંડ પણ પગલાં નહીં

કૌભાંડ એપ્રિલ 2019માં આવ્યું હોવા છતાં આજસુધી તેની તપાસ થઈ કે કેમ તે બહાર આવ્યું નથી. જો 20 ચોરસ કિલોમીટર વિસ્તારના રસ્તાનું આ કૌભાંડ હોય તો આવા 900 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રોડ, ગટર, પાણીની પાયાની સુવિધા આપવાની છે તેમાં મોટી કંપનીઓને જ કામ આપવાનું છે. તેમાં વ્યાપક કૌભાંડ થવાને પૂરો અવકાશ છે.

લોકોએ રસ્તા તોડી નાંખ્યા

ધોલેરામાં એલ એન્ડ ટીએ જે રસ્તા બનાવ્યા છે તે 12થી 17 ફૂટ જેટલાં ઊંચા બનાવાયા છે. બહારથી માટી લાવીને અહીં રસ્તા બનાવવામાં આવી રહ્યાં છે. જે રસ્તાના કારણે દરિયા તરફ પાણી જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. તેથી ધોલેરા ગામમાં પાણી ભરાયા હતા. ગામ લોકોએ કેટલાંક ઊંચા માર્ગો તોડી નાંખ્યા છે. તો કેટલાંક માર્ગો તોડવા જતાં સરપંચ અને કંપનીના અધિકારીએ ધમકી આપી અટકાવી દીધા હતા. તેથી સ્થિતિ ગંભીર બની છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp