26th January selfie contest
BazarBit

ટ્રાફિક ઘટાડવાનો મસ્ત આઇડિયા, જૂના વાહનો સરકાર જ ખરીદશે, જાણો કેવી રીતે?

PC: thehindu.com

 ગુજરાતમાં કંડમ થઇ ગયેલા અને 15 વર્ષ જૂનાં વાહનોની ખરીદી કરવા માટેની એક પોલિસી રાજ્ય સરકારમાં આકાર લઇ રહી છે, જો કે હજી તે અંગે પ્રાથમિક વિચારણા ચાલી રહી છે, જેમાં સરકારી અને ખાનગી એમ બન્ને પ્રકારના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના શહેરી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રાજ્ય સરકારે અનેક ઉપાયો શોધ્યાં છે કે જેમાં વાહનોની સંખ્યાને મર્યાદિત કરવી, હયાત માર્ગોને પહોળા કરવા કે ટ્રાફિક સિગ્નલો પર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત માર્ગો પર વાહન પાર્કિંગ બંધ કરવું, વાહન રજીસ્ટ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને પાર્કિંગની જગ્યા વિના નવું વાહન નહીં ખરીદવાનું ફરજીયાત બનાવવું જેવાં બીજા અનેક ઉપાયોનો સમાવેશ થાય છે.

વિભાગના અધિકારીઓએ હવે એવો ઉપાય શોધ્યો છે કે જેમાં માર્ગો પર ફરતાં જૂનાં અને ખખડી ગયેલા વાહનો અદ્રશ્ય બની જશે. આ ઉચ્ચ અધિકારીએ એવો નિર્દેશ આપ્યો હતો કે સરકાર ટૂંકસમયમાં જૂના વાહનોને સ્ક્રેપમાં લઇ જવા અંગેની પોલિસી બનાવી રહી છે જેમાં 15 કે 18 વર્ષ જૂનાં વાહનોને સ્ક્રેપમાં લઇ જવાશે.

આ પ્રકારની પોલિસી દિલ્હી, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં છે. આ રાજ્યોમાં સરકારી અને ખાનગી જૂનાં વાહનોને સ્ક્રેપમાં લઇ જવામાં આવે છે. આ અધિકારીએ કહ્યું હતું કે જો ગુજરાત આવી પોલિસી બનાવશે તો તે દેશમાં પાંચમું રાજ્ય હશે. આમ કરવાથી રાજ્યમાં માર્ગો પર વાહનોનું ભારણ ઓછું થશે અને જૂના વાહનોનું પ્રદૂષણ પણ ઘટશે.

પોલિસીમાં નક્કી થયા પ્રમાણે કોઇપણ વાહનચાલકનું વાહન જ્યારે સ્ક્રેપ કરવામાં આવે ત્યારે તેને ભંગારના ભાવમા દામ ચૂકવાશે. આ પોલિસીમાં માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ સરકારી વાહનોનો પણ સમાવેશ કરવામાં આવનાર છે. સરકાર પાસે પણ એવા કંડમ વાહનો છે જે તેમના કિલોમીટર પુરાં કરી ચૂક્યાં છે અને સચિવાલય તેમજ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં ઘૂળ ખાય છે.

 
 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp