નીતિનભાઇએ કહ્યું- કલ્પસર યોજના જાહેર થઇ જ નથી! છતા થયો 62 કરોડનો ખર્ચ

PC: etimg.com

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કલ્પસર યોજનાની ભૂતકાળમાં અનેકવાર જાહેરાત થઇ ચૂકી છે છતાં આજે ગુજરાત સરકાર કહે છે કે કલ્પસર યોજનાની હજી અમે જાહેરાત કરી નથી. આ યોજનાની જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમના પછી આનંદીબહેન પટેલે પણ બજેટમાં જાહેરાત કરી હતી.

વિધાનસભામાં કલ્પસર યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી તેવા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (કલ્પસર) નીતિન પટેલે કહ્યું હતું કેઅમે કલ્પસર યોજનાની જાહેરાત કરી નથી પરંતુ કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે જરૂરી અભ્યાસોની કામગીરી માટે 2003થી સરકારે મંજૂરીઓ આપેલી છે.

કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના યોજના પાછળ થયેલા ખર્ચના પૂરક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કલ્પસર યોજનાના અભ્યાસ પાછળ 61.89 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે આ તમામ ખર્ચ વિવિધ અભ્યાસો પાછળ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

યોજના ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેવા પૂછાયેલા એક પૂરક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રગતિ હેઠળના અભ્યાસો પૂર્ણ થયા પછી કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવામાં આવશેત્યારબાર રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી વિવિધ મંજૂરીઓ મેળવવામાં આવશે. આ યોજનાનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 65000 કરોડની કલ્પસર યોજનાનું કદ અત્યારે એક લાખ કરોડના આંકડાને આંબી ગયું છે. નરેન્દ્ર મોદીએ તો કહ્યું હતું કે નર્મદા પછીની સૌથી મોટી કલ્પસર યોજના ઝડપથી શરૂ કરવામાં આવશે પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા પછી આ યોજના ટલ્લે ચઢી ગઇ છે. અભ્યાસોમાં પણ મંથર ગતિએ કામ ચાલે છે. આ યોજનામાં 17 વર્ષનો લાંબો વિલંબ થયો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp