ગુજરાતમાં આ જગ્યાએ શરૂ થશે 1100 કરોડના રોકાણે સોલાર પ્લાન્ટ, 2000ને મળશે રોજગારી

PC: khabarchhe.com/

સોલાર પી.વી. મોડ્યૂલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સની પ્રતિષ્ઠિત કંપની વારે પાવર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના માંડા ગામમાં સોલાર સેલ અને સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગેના MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ અને વારે ગૃપના ચેરમેન હિતેશ દોશીએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

રૂ. 1100 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે શરૂ થનારા આ પ્લાન્ટને પરિણામે બે હજાર જેટલા સ્થાનિક યુવાઓને રોજગાર અવસર મળતા થવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવાની જે પહેલ કરી છે તેની ફલશ્રુતિરૂપે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્ર – સોલાર એનર્જી સેકટરમાં મોટા પાયે રોકાણો આવી રહ્યા છે.

તેમણે રાજ્યમાં 8 લાખ ઘરોને સોલાર રૂફટોપ પોલીસી તહેત આવરી લઇ સૌરઊર્જા વિનિયોગ તેમજ 33 લાખ જેટલા MSME યુનિટસને 100 ટકા સૌરઊર્જા ઉપયોગ માટે પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમને પરિણામે ગુજરાતમાં સોલાર મોડ્યૂલ્સ અને સોલાર સેલની વિશાળ માંગ ઊભી થઇ છે અને રોકાણકારો માટે પણ આ ક્ષેત્રે નવિન તકો ખૂલી છે.

આ સંદર્ભમાં સોલાર પી.વી. મોડ્યૂલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન ક્ષેત્રે વિશ્વના 60 જેટલા દેશોમાં વેપાર-કારોબાર ધરાવતી કંપની વારે ગૃપે ગુજરાતમાં રોકાણ માટે આ MoU કર્યા છે. આ ગૃપ ભારતમાં પ્રેશર ગેજ ક્ષેત્રે પપ ટકા ઉત્પાદન કરે છે. તદ્દઉપરાંત, આ ગૃપ દ્વારા ભારતમાં સૌથી મોટો બે ગીગાવોટની ક્ષમતાનો સોલાર પી.વી. મોડયુલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સુરત અને ઉમરગામમાં કાર્યરત છે.

આ MoU સાઇનીંગ વેળાએ વારે ગૃપના ચેરમેન હિતેશ દોશીએ ગુજરાતમાં તેમના પ્રોજેકટ માટે જમીન ફાળવણી સહિતની તમામ પરવાનગીઓ ત્વરાએ વિનાવિલંબે મળી ગઇ છે તે માટે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. ગુજરાત સરકારના આ પ્રોત્સાહક અને પારદર્શી અભિગમથી પ્રભાવિત થઇને તેમનું ગૃપ નજીકના ભવિષ્યમાં જ રાજ્યમાં વધુ મૂડીરોકાણ કરવા ઉત્સુક છે એમ પણ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પણ રાજ્ય સરકાર તેમને નવા પ્રોજેકટ શરૂ કરવા માટે શકય બધી જ મદદ અને સહયોગ કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp