જો આગ થોડી મોડી લાગી હોત તો સુરતની જેમ અમદાવાદમાં સીએના વિદ્યાર્થીના જીવ ગયા હોત

PC: khabarchhe.com

સુરતના કલાસમાં લાગેલી આગની ઘટના પછી પણ આપણે કઈ શીખ્યા નથી અથવા આપણને માણસની જિંદગીની કોઈ કિંમત નથી, તેવું લાગે છે. અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડીયમ સામે આવેલા જે કે શાહ કલાસીસમાં સવારે સાડા છ વાગે આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે અડધો કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિવિધ અભ્યાસક્રમ ચલાવતા આ કલાસનો સમય સાત વાગ્યાનો છે, સવારથી સાંજ સુધી ચાલતા આ કલાસમાં બે હજાર વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જો આ આગ અડધો કલાક પછી લાગી હોત અને કલાસ ચાલુ હોત તો સુરતની જેમ આ વિધ્યાર્થીઓ જીવ બચાવવા માટે પડતું મુકવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. 

સ્ટેડિયમની બરાબર સામે આવેલા જે કે શાહ કલાસીસનું મકાન પાંચ માળનું છે. તેમાં પહેલા માળે ઓફિસ અને રીસેપ્શન કાઉન્ટર છે. જયારે બાકીના ચાર માળ ઉપર સમગ્ર દિવસ ચાર્ટર્ડ એકાઉન્ટને લગતા વિવિધ કોર્સ ચાલે છે જેમાં બે હજાર કરતા વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સવારના સાડા છ વાગે આ મકાનના સીકયુરીટી ગાર્ડે જોયુ તો પહેલા માળેથી કાળા ધુમાડા બહાર નિકળી રહ્યા હતા, જેના કારણે સૌથી પહેલા તેણે ત્યાં પડેલા સાધનો દ્વારા આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તેને સફળતા નહી મળતા તેણે મદદ માટે ફાયર બ્રિગેડને જાણ કરતા મેમનગર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, સ્થળ ઉપર પહોંચેલા ફાયર સ્ટાફને સૌથી પહેલા મકાનમાં ફેલાઈ ગયેલા ધુમાડાને કારણે તકલીફ પડી રહી હતી. મકાનની તમામ દિવલો કાચની હોવાને કારણે કારણે ધુમાડો બહાર નિકળી શકતો ન્હોતો. 

ફાયર સ્ટાફે સૌથી પહેલા કાચની દિવાલો તોડી નાખી ધુમાડાને જવા રસ્તો કરી આપ્યો હતો અને ત્યાર બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ અને ફોરેન્સિક અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, આગની શરૂઆત સાડા છ વાગે થઈ હતી આ આગ સાત વાગ્યા પછી લાગી હોત તો સુરત જેવી મોટી દુર્ઘટના ઘટી હોત તેમાં કોઈ શંકા નથી. શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં ચાલી રહેલા જે કે કલાસ પાસે પાર્કિંગની સગવડ નામ પુરતી છે, ફાયરના સ્ટાફના જણાવ્યા પ્રમાણે રસ્તા ઉપર વિધ્યાર્થી વાહન પાર્ક કરે છે. જો આગનો સમય મોડો હોત તો સૌથી પહેલા આ વાહનો આગ ઓલવવા માટે મુશ્કેલ બનતા. 

તેમજ તેમાં રહેલું પેટ્રોલ પણ ઘાતક સાબિત થતુ, આ બીલ્ડિંગ કમલા સોસાયટીનો ભાગ છે. આ કલાસમાં આવતા વિધ્યાર્થીઓ રસ્તા ઉપર વાહન પાર્ક કરતા હોવાને કારણે સ્થાનિકો અને રસ્તે પસાર થતાં વાહનોને પણ તકલીફ પડે છે. પરંતુ ટ્રાફિક પોલીસ સાથે ગોઠવણને કારણે કલાસ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ ઉપરાંત બાજુમાં સેકન્ડ હેન્ડ કાર વેચનારની દુકાન પણ છે તે પણ રસ્તા ઉપર વાહન પાર્ક કરે છે. આમ તમામ એજન્સીઓની બેદરકારી વિધ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. આગ ઓગવવાની કામગીરી કરવા ગયેલા ફાયર સ્ટાફે જોયુ તો બિલ્ડિંગની કાચની દિવાલો સૌથી મોટી સમસ્યા હતી.ઉપરાંત સાંકડી જગ્યામાં વધુ વિધ્યાર્થીઓ બેસાડવા માટે જે પ્રકારને ફર્નીચર બનાવવામાં આવ્યુ હતું. 

તે આગને વધારનારુ હતું. આ ઉપરાંત અતિશય પ્રમાણમાં લાકડાનો ઉપયોગ પણ થયો હતો. જયારે વિશાળ સંખ્યામાં કોમ્પ્યુટરો અને વાયરીંગ પણ ખુબ હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ તરત પકડાઈ ગઈ હતી. સદ્દનસીબે કલાસ શરૂ થવાના અડધો કલાક પહેલા આગ લાગી માટે જાનહાનિ થઈ ન્હોતી. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સુરતની ઘટના પછી માત્ર નોટીસો આપી પોતાની જવાબદારી પુરી હોય તેવું ખુદ ફાયર અધિકારીઓ માની રહ્યા છે.
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp