26th January selfie contest

આગામી બે વર્ષમાં ગુજરાતમાં 300 ગેસ સ્ટેશનો વધશે, ઓટો સેક્ટરનો ફાયદો

PC: cnglogistic.ro

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300થી વધારે નવા CNG સ્ટેશન રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થપાશે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં રૂ.1નો વધારો થયો છે અને નવો ભાવ પ્રતિ કિલો 55.95 થયો છે. જ્યારે પીએનજી (પાઈપ દ્વારા ઘરે પહોંચાડો ગેસ)માં પ્રતિ કિલો રૂ.2નો વધારો થયો છે. આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 26.24 થયો છે. ગુજરાત સરકારની બે કંપનીઓ ગેસ સ્ટેશન બનાવી રહી છે. વર્ષ 2030 સુધીમાં દેશમાં વેચાણ થતું પ્રત્યેક બીજું વાહન નેચરલ ગેસથી ચાલશે. તેનાથી મારૂતી સૂઝુકી અને હ્યૂન્ડાઇ મોટર ઇન્ડિયા જેવી કાર કંપનીઓને ઘણો ફાયદો થશે. 

ગેસના વાહનો વધુ વેચાયા

હાલમાં મારૂતિ સૂઝુકી અને હ્યૂન્ડાઇ મોટર ઇન્ડિયા દેશમાં સીએનજી વાહન વેચનાર પ્રમુખ કંપની છે. ગત કેટલાક મહિનામાં પેટ્રોલ ડિઝલની કિંમતોમાં વૃધ્ધિને જોતા મારૂતિ સુઝુકીની સીએનજી કાર સેલ્સમાં 50 ટકા કરતા વધુનો ગ્રોથ જોવા મળ્યો. મારૂતિએ હાલના નાણાકીય વર્ષના પહેલા સત્રમાં 55000 સીએનજી યુનીટ્સ વેચ્યા છે. ગત મહિને લોન્ચ થયેલ સેન્ટ્રોની સીએનજી વેરિએંટને જોતા હ્યુન્ડાઇ મોટરની સીએનજી સેલ્સમાં પણ મજબૂત ગ્રોથ જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડિઝલની સરખામણીએ સીએનજી વ્હિકલની રનિંગ કોસ્ટ ખાસ્સી ઓછી છે. જોકે તેનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પૂરતુ નહિ હોવાના કારણે માંગમાં નરમાઇ જોવા મળી રહી છે.

રૂપાણીની નીતિ 

રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ CNG પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે કોઇ વધારાની પરવાનગીઓ સરકારમાંથી લેવાની રહેશે નહિં. ‘CNG સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડેલ પદ્ધતિ હેઠળ સીએનજી ફ્રેન્ચાઈઝી (સ્વસંચાલિત ડિલર) મોડલ અને પીએસયુ- ઓએમસી ડિલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. 

મોદી કરતાં રૂપાણી ઝડપી 

રાજ્યમાં પાછલા 23 વર્ષમાં ૫૪૨ CNG સ્ટેશન ઊભા કરાયા છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 CNG સ્ટેશન ઊભા કરાશે. નરેન્દ્ર મોદી કરતાં વિજય રૂપાણી ઝડપથી સ્ટેશનો સ્થાપી રહ્યાં છે. જેમાં વાહન બનાવતી કંપનીઓને મોટો થાયદો થવાનો છે. સીએનજી વ્હિકલ વધુમાં વધુ દિલ્હી-એનસીઆર અને ગુજરાત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, ઉત્તર પર્દેસ અને પંજાબના કેટલાક નક્કી કરેલા શહેરોમાં વેચાનાર છે. એપ્રિલ 2018 સુધી દેશમાં ફક્ત 1424 સીએનજી સ્ટેશન હતા. 

4.50 લાખ વધું ઘરોને ગેસ

13.50 લાખ ઘરોમાં PNG ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી 3 વર્ષમાં વધુ 4.50 લાખ ઘરોમાં વિસ્તારી 2022 સુધીમાં 18 લાખ ઘરોને PNG ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો હતો. વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે PNG કનેક્શનની ડિપોઝિટ રૂ. ૧ હજાર તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. પાંચ હજાર ડિપોઝિટ લેવાશે. 

ઉદ્યોગોમાં ગેસ વપરાશ વધ્યો 

ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરના ગેસ વેચાણમાં બે ગણી એટલે કે ૪૦ લાખ SCMDથી વધીને ૮૦ લાખ SCMDની વૃદ્ધિ થઈ છે.
ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે. 

ગુજરાત દેશમાં પ્રથમ 

સમગ્ર દેશમાં 1762 CNG સ્ટેશનો સ્થપાયા છે, તેમાંથી 31 ટકા એટલેકે 542 CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. 542 સ્ટેશનમાંથી 344 સ્ટેશન એટલે કે 62 ટકા સ્ટેશન્સ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ સંચાલિત છે. CNG સ્ટેશન દ્વારા અંદાજે ૩.૫૦ લાખથી વધુ CNG વાહનોને રોજનો 17.40 લાખ કિ.ગ્રા. CNG ગેસ સરળતાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

વર્ષે 1 હજાર સ્ટેશનો દેશમાં શરૂ થાય છે 

સરકારે આવનાર 10 વર્ષોમાં 10000 સીએનજી સ્ટેશન ખોલવા માટે હાલમાં નેચરલ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી)એ આ મહિને શહેરોમાં ગેસ વિતરણના 10માં રાઉન્ડની જાહેરાત કરી છે. જેના કારણે 124 વધુ જિલ્લામાં સીએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. 2030 સુધી કુલ વેચાણમાં આવનાર ગાડીઓમાં નેચરલ ગેસથી ચાલનાર વ્હિકલની સંખ્યાને 50 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્‍ય હાંસલ કરવામાં મદદ મળશે. તેનાથી વર્ષ 2030 સુધીમાં ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ બિલને રૂ.11 લાખ કરોડ સુધી ઓછુ કરવામાં આવી શકે છે.

આયાત ઘટીને નોકરી વધશે

ક્રૂડ ઓઇલ ઇંપોર્ટ ઘટાડવા સિવાય નેચરસ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાનથી 400000 નવી નોકરીની તકો પણ ઉભી થવાની સંભાવના છે. થ્રી- વ્હિલર્સ અને લાઇટ કમર્શીયલ વ્હિકલના ડ્રાઇવર પોતાના વાહનને સીએનજીમાં બદલીને પોતાની માસિક આવકમાં 5000 થી 8000 રૂપિયા સુધીનો પ્રોફિટ કરી શકે છે. નોમુરાના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવેલ છે કે પીએમ 2.5 અને પીએમ 10 જેવા વાયુ પ્રદૂષણ ફેલાવનાર પાર્ટિકલ્સ સીએનજી વ્હિકલ્સમાં ના બરાબર કરવામાં આવે છે. જેનાથી શહેરોમાં વાયુ પ્રદૂષણ રોકવામાં પણ સહાયતા મળશે.

 
 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp