ગુજરાત-IOC વચ્ચે MoU, 24000 પ્રોજેક્ટ્સ આ શહેરમાં સ્થપાશે, 25000 રોજગારીનો દાવો

PC: khabarchhe.com

ગુજરાતમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૂ. 24 હજાર કરોડના રોકાણ સાથે 6 નવા પ્રોજેક્ટ્સ વડોદરામાં સ્થાપશે. CM વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ-કુદરતી ગેસ-સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતીમાં આ અંગેના MoU ગુજરાત સરકાર અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટના પરિણામે વડોદરા અને આસપાસના વિસ્તારો સહિતના અંદાજે રપ હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગાર અવસર પ્રાપ્ત થશે.

ગુજરાત સરકાર વતી આ MoU પર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ દ્વારા અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન વતી ચેરમેન એસ. એમ. વૈદ્ય દ્વારા હસ્તાક્ષર કરીને MoUનું પરસ્પર આદાન-પ્રદાન થયું હતું. CM વિજય રૂપાણીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ગેસ એન્ડ પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે અને આ નવા રોકાણોના પ્રોજેક્ટ્સથી રાજ્યમાં ડાઉન સ્ટ્રીમ ઊદ્યોગોને વધુ સક્ષમતા પ્રાપ્ત થશે.

તેમણે ઉમેર્યુ કે, PM નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવામાં ગુજરાત મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વૈશ્વિક કોરોના મહામારીની અસર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વ્યાપક અસર પડી છે તેમ છતાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાતે વિકાસદર જાળવી રાખ્યો છે. મહામારીથી થયેલા નુકસાનને પહોંચી વળવા તેમજ ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બુસ્ટ કરવા રાજ્ય સરકારે રૂ. 14,000 કરોડનું ‘ગુજરાત આત્મનિર્ભર પેકેજ’ જાહેર કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે એપ્રિલ 2020 થી માર્ચ 2021 એટલે કે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કુલ 1.63 કરોડ રૂપિયાનું એફ.ડી.આઈ પ્રાપ્ત કર્યું છે. આ સમયગાળા દરમિયાન દેશમાં આવેલા કુલ એફ.ડી.આઈનો દર 37 ટકા રહ્યો છે, અને ગુજરાતે કોરોના કાળમાં પણ સતત ચોથા વર્ષે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે સર્વસમાવેશક આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે. ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સસ્ટાઈલ્સ, સિરામિક, રિન્યૂએબલ એનર્જી, મેરીટાઈમ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં સ્થાન હાંસલ કર્યું છે.

વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમારું ફોક્સ ફક્ત મોટા ઇન્વેસ્ટમેન્ટ પર જ નહી બલ્કે નાના-મધ્યમ ઉદ્યોગો પણ ગુજરાતમાં આવે અને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બને તેના પર છે અને સરકાર આ દિશામાં કામ પણ કરી રહિ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, MSME સેક્ટરનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મુખ્ય ફાળો રહ્યો છે. રાજ્યમાં 35 લાખથી વધુ MSME છે, જે રાજ્યમાં સૌધી વધુ રોજગાર આપનારી ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઊભરી આવ્યું છે.

મુખ્યમંત્રીએ તાજેતરમાં જ PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો છે, તેની ભૂમિકા આપી હતી. કચ્છમાં તૈયાર થનાર આ વિંડ સોલર હાઇબ્રિડ પાર્ક સિંગાપુર જેટલો વિશાળ છે. આ હાઇબ્રિડ પાર્ક 1.8 લાખ એકરમાં ફેલાયેલું છે જેની ઇન્સ્ટોલડ કેપિસીટ 30,000 મેગાવોટ હશે તેમ તેમણે જણાવ્યું હતું.

વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ અને ‘પ્રોએક્ટિવ ઇન્વેસ્ટર ફેસિલિટેશન’ પર પણ ફોક્સ રાખીને એ દિશામાં આગળ વધી રહી છે. એટલું જ નહીં, ગુજરાતમાં નવા ઇન્વેસ્ટમેન્ટ અને પરિયોજનાઓ માટે પણ રાજ્ય સરકાર દ્વારા સહયોગ આપવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો-કામદારો માટે કામચલાઉ આવાસ-રેન્ટલ એકોમોડેશનની PM નરેન્દ્ર મોદીની સંકલ્પનામાં ગુજરાત IOCLને આ હેતુસર જરૂરી જમીન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં પૂર્ણ સહયોગ કરશે તેમ ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp