દહેજ રિજનમાં હવે નર્મદાના પાણીની વધુ જરૂર નહીં રહે, માર્ચથી ડિસેલીનેશન પ્લાન્ટ

PC: timesofindia.indiatimes.com

ભરૂચમાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ, એન્ડ પેટ્રો કેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન (પીસીપીઆઇઆર) સ્થિત ઉદ્યોગોની વપરાશ માટે બનાવવામાં આવી રહેલો ડિસેલિનેશન પ્લાન્ટ માર્ચ 2022થી શરૂ કરવામાં આવનાર છે. આ પ્લાન્ટ ઉદ્યોગો પર નર્મદા નદીના પાણીની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

દહેજમાં ઔદ્યોગિક હેતુ માટે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ઉદ્યોગોના મૂડી યોગદાનના મોડલ પર આ પ્લાન્ટ બની રહ્યો છે જે ઉદ્યોગોને ખાસ કરીને ઉનાળા દરમ્યાન પાણીની સુરક્ષા પુરી પાડશે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 1000 કરોડ રૂપિયાના ખર્ચે ઉભો થઇ રહેલો આ પ્રોજેક્ટ પ્રતિદિન 100 મિલિયન લીટર પાણી આપશે જેનું નિર્માણ એલએન્ડટી કન્સ્ટ્રક્શન અને યુએઇ બેઝ ટેકટન એન્જિનિયરીંગ એન્ડ કન્સ્ટ્રક્શન આધારિત છે.

આ ઔદ્યોગિક વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં પાણીની અછત સર્જાય છે. એ ઉપરાંત ભરૂચ નજીક નર્મદા નદીના પાણીમાં ભરતીના સમયમાં દરિયાનું પાણી પ્રવેશે છે ત્યારે તે ખારૂં બની જાય છે. આવું ખારૂં પાણી ભરૂચ સુધી પ્રવેશ કરે છે જે નર્મદાના પાણીની ગુણવત્તા પણ બગાડે છે.

દહેજ પીસીપીઆઇઆર  જે 450 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને હાલમાં આ રિજનમાં 454 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ નવેમ્બર 2019માં થયો હતો જે હવે પૂર્ણતાના આરે છે. એક વખત આ પ્લાન્ટ શરૂ થઇ ગયા પછી ઉદ્યોગોની જરૂરિયાતનું એક ચતુર્થાંશ પાણી આ પ્લાન્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

આ પ્લાન્ટ માટે જીઆઇડીસીએ દહેજ રિજનની અંદર દહેજ-2 એસ્ટેટમાં જમીન ફાળવી છે. દહેજમાં જીઆઇડીસી દ્વારા કબજો કરાયેલો વિસ્તાર 110 ચોરસ કિલોમીટર છે. કુલ ક્ષેત્રફળમાંથી 97 ટકા જમીનનું વેચાણ થઇ ચૂક્યું છે અને આશરે 1500 જેટલા એકમોએ જીઆઇડીસીમાં જગ્યા લીધી છે જે પૈકી 300 એકમો કાર્યરત છે અને 600માં બાંધકામના વિવિધ તબક્કા ચાલી રહ્યાં છે.

ગુજરાતમાં દહેજ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં વધુ સાત ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરવાની દરખાસ્ત કરેલી છે. કચ્છના ઉદ્યોગો તરફથી ડિસેલિનેશન પ્લાન્ટની માગણી કરવામાં આવી છે પરંતુ હજી તેનો ફિઝિબિલિટી રિપોર્ટ આવવાનો બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp