26th January selfie contest
BazarBit

અમદાવાદની 165 ઓવરહેડ ટાંકીઓમાંથી આટલા ટકા જર્જરીત

PC: khabarchhe.com

અમદાવાદ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કુલ મળીને 165 જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે.આ ટાંકીઓ પૈકી 44 જેટલી ટાંકીઓ જર્જરીત હાલતમાં છે.ગોતા વિસ્તારમાં આવેલી 60 વર્ષ જુની ઓવરહેડ ટાંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ-2008થી 2010 સુધીના સમયગાળામાં 33 ગ્રામ પંચાયત અને 11 નગરપાલિકાના વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવ્યા હતા.આ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરીત ટાંકીઓ અંગે કોઈ જ સર્વે કરાયો ન હતો. 

વોટર સપ્લાય કમિટીના ચેરમેન રશ્મિકાંત પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ,અમદાવાદમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ એક સર્વે જર્જરીત ટાંકીને લઈને કરવામાં આવ્યો છે.અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં કુલ 165 ઓવરહેડ ટાંકીઓનો સર્વે કરાયો છે.જેમાં 44 જર્જરીત હાલતમાં છે.આ પૈકી ઉત્તર-પશ્ચિમઝોનમાં 14,પશ્ચિમઝોનમાં 10,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ,ઉત્તરઝોનમાં ત્રણ,પૂર્વઝોનમાં ત્રણ અને મધ્યઝોનમાં એક ટાંકીનો સમાવેશ થાય છે.અમદાવાદમાં વેજલપુર,જાધપુર,ગોતા,ઓગણજ,શેલા,મકરબા,હેબતપુર જેવા વિસ્તારોમાં જર્જરીત ટાંકીઓ હોવાછતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ ભયસૂચક બોર્ડ કે બેરીકેટસ પણ સાવચેતી માટે મુકવામાં આવ્યા નથી.

ઘાટલોડીયામાં 25 વર્ષ જુની ટાંકી ધડાકાભેર તુટી પડી

શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થયા બાદ ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરની 25 વર્ષ જુની પાણીની ટાંકી ધડાકાભેર તુટી પડતા આસપાસના રહીશો ભયના માર્યા ફફડાટ સાથે ઘરની બહાર દોડી ગયા હતા.આ ઘટના બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ કામગીરી કરી હતી.જેમાં એક ૨૫ વર્ષની યુવતીને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.અમપા એસ્ટેટ વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના પશ્ચિમઝોનમાં આવેલા ઘાટલોડીયાના કર્મચારીનગર પાસે 25 વર્ષ જુની પાણીની ટાંકી આવેલી છે.આ ટાંકીની મરામત અંગે સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાળાઓ સમક્ષ અવારનવાર રજુઆત કરાઈ હતી.છતાં તંત્રના બહેરાકાને આ રજુઆત સંભળાઈ નહતી.દરમિયાન રવિવારે વહેલી પરોઢના 4.30ના સુમારે આ ટાંકી ધડાકાભેર તુટી પડતા ફાલ્ગુની આચાર્ય,ઉં.વર્ષ-૨૫ને હાથે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ટાંકી ક્ષતિગ્રસ્ત હોઈ રાત્રિના બે વાગ્યાથી જ તેમાંથી પાણી લીક થવા લાગ્યુ હતુ.અંતે 4.30 કલાકે તુટી પડતા ભર ઉંઘમાંથી લોકો જાગીને બહાર દોડી આવ્યા હતા.સ્થાનિક રહીશોની મળેલી પ્રતિક્રીયા મુજબ,અવાજ એટલો પ્રચંડ હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી.ઘટના અંગે અમપા ફાયરને જાણ કરાતા ફાયર અને એસ્ટેટની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.બોપલની ટાંકી ધરાશાયી બનવાની ઘટના બાદ ઘાટલોડીયામાં પાણીની ટાંકી ધરાશાયી બનતા લોકોએ સ્થાનિક તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.પાર્ક કરેલી અલ્ટો કારનો ખુડદો બોલી ગયો હતો.ઉપરાંત નજીકના ઘરમાં પાણી ફરી વળ્યા હતા.

વિશાલા સર્કલ પાસેની ઘટનામાં બે મજુરોના મોત થયા હતા

દિવાળીના થોડા દિવસો અગાઉ વિશાલા સર્કલ પાસે નવી બનાવવામાં આવી રહેલી પાણીની ટાંકીમાં પાઈપલાઈન માટે માપ લેવા ઉતરેલા બે મજુરો અચાનક જ નીચે પડી જતા દટાઈ જવાથી તેમના મોત થયા હતા.આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર રીપોર્ટ જારી કરવામાં આવ્યો નથી.

નિકોલ ટાંકીની દુર્ઘટનામાં મોડી કાર્યવાહી કરાઈ

આ અગાઉ નિકોલ વિસ્તારમાં પણ બનેલી ટાંકીની દુર્ઘટનામાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા કામમાં ગેરરીતી આચરવામાં આવતી હોવા અંગેની 27 વખત મ્યુનિસિપલ કમિશનરથી લઈને લાગતા-વળગતાઓ સમક્ષ ફરીયાદ કરવામાં આવી હતી.આમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હતી.અંતે ટાંકીનો સ્લેબ તુટી પડતા તેમાં દટાઈ જવાના કારણે બે લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ અમપાના ઈજનેર પી.એ.પટેલ.ને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા હતા.ઘટનાના ઘણા સમય બાદ ગત સપ્તાહે અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોન્ટ્રાકટર ભૂપતાણી એસોસિએટને ત્રણ વર્ષ માટે કોઈપણ કામ ન આપવા અને સ્મૃતિ મંદિર,ધોડાસર ખાતે પાણીની ટાંકી બનાવવા ભૂપતાણીને જે કામ સોંપવામાં આવ્યુ હતુ એ કામ પણ પરત લેવા નિર્ણય કરાયો છે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp