26th January selfie contest

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને રૂપાણી સરકારનું ગ્રહણ, 9 વર્ષ થયા, ભૂમિપૂજન પણ નહીં

PC: khabarchhe.com

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર માટે એક સપનું જોયું હતું પરંતુ નવ વર્ષ પછી પણ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનું આ સપનું પુરૂં કરી શક્યા નથી. મોદીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના ભારે ટ્રાફિકને હળવો કરવા સાબરમતી નદીના કિનારે માર્ગ બનાવીને તેનું બ્યુટીફિકેશન કરવું પરંતુ આનંદીબહેન અને વિજય રૂપાણીની સરકારમાં આ પ્રોજેક્ટ ભૂલાઇ ચૂક્યો છે.

નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રીવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવ્યા પછી તેને ગાંધીનગર સુધી લંબાવવા માટેની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત 2011માં કરી હતી. ત્યારપછી અમદાવાદના વાસણા થી ગાંધીનગર અને છેક અલુવા હિલ્સ સુધી રીવરફ્રન્ટને વિકસાવવાની યોજના બનાવવામાં આવી હતી. સાબરમતી નદીમાં હાલ નર્મદા કેનાલમાંથી પાણી નાંખવામાં આવે છે તેમ ગાંધીનગરના રીવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પણ નર્મદા નદીનું પાણી નાંખવામાં આવનાર હતું. જો કે સરકારે ગાંધીનગર માટેના રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું હજી સુધી ભૂમિપૂજન પણ કર્યું નથી.

અમદાવાદમાં સાબરમતી નદી પર રીવરફ્રન્ટની યોજનાને વ્યાપક આવકાર મળ્યા પછી ગાંધીનગર શહેર પાસેથી પસાર થતી સાબરમતી નદી પર પણ રીવરફ્રન્ટ વિકસાવવાની યોજનાનું હાલ તો બાળમરણ થયું છે. ગાંધીનગરને રીવરફ્રન્ટ આપવાની યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અને બજેટમાં પણ આકાર લઇ ચૂકી છે. સરકારે છેલ્લે એવું નક્કી કર્યું હતું કે ગાંધીનગરના રીવરફ્રન્ટનો પ્રોજેક્ટ ખાનગી કંપની પાસે તૈયાર કરાવવામાં આવશે.

ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી આકાર પામી રહ્યું છે. આ સિટીને રીવરફ્રન્ટથી જોડી દેવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. રાજ્યના માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અમારી પાસે ગાંધીનગર રીવરફ્રન્ટનો ડ્રાફ્ટ રીપોર્ટ તૈયાર છે પરંતુ સરકાર તરફથી તેને ફાઇલન કરવામાં આવ્યો નથી. સરકાર નક્કી કરે ત્યારે અમે ભૂમિપૂજન કરવા તૈયાર છીએ.

રૂપાણી સરકારમાં ગાંધીનગરને ત્રણ મોટા અન્યાય થયાં છે. પહેલા અન્યાયમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો, જો કે પાછળથી કેન્દ્ર સરકારે ગાંધીનગરને મેટ્રોરેલ આપવાનો આદેશ કર્યો છે. બીજો અન્યાય પંચામૃત ભવનનો છે જેમાં હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રીજો અન્યાય રીવરફ્રન્ટનો છે. ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ જાહેર થવાની સાથે ગાંધીનગરમાં સાબરમતી નદીનો કિનારો વિકસાવવાની યોજના બંધ કરી દેવામાં આવી છે.

 ગાંધીનગરમાં રીવરફ્રન્ટ યોજના બનાવવી થાય અને અમદાવાદના રીવરફ્રન્ટ સાથે જોડી દેવામાં આવે તો બન્ને શહેર વચ્ચેના ટ્રાફિકની સમસ્યાનો હલ થઇ શકે છે. એ સાથે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જળ પરિવહન પણ શક્ય બને તેમ છે. સીએમઓના અધિકારીનું આ બાબતે ધ્યાન દોરતાં તેમણે કહ્યું હતું કે અમે ગાંધીનગરને રીવરફ્રન્ટ મળે તે દિશામાં આગળ વધવાની ચોક્કસ વિચારણા કરીશું પરંતુ તે પહેલાં અમેરા શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાનો રહેશે. અહેવાલ માટે નિષ્ણાત એવી ખાનગી કન્સલટન્સી પેઢીને કામગીરી સોંપવામાં આવશે.

સીએમઓના અધિકારીએ રીવરફ્રન્ટના ખર્ચ અંગે કહ્યું કે અમદાવાદ રીવરફ્રન્ટમાં સરકારને 1500 કરોડનો ખર્ચ થયો છે પરંતુ આ રીવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવે તો તેનો કુલ ખર્ચ 4000 કરોડ કરતાં વધી શકે છે, કારણ કે ગાંધીનગરમાં નદીની કોતરોને સમથળ કરવાની કામગીરી ઘણી કપરી છે. એટલું જ નહીં અમદાવાદનો રીવરફ્રન્ટ વાસણા થી વાડજ સુધી વિસ્તરેલો છે પરંતુ તેને સાબરમતી, મોઢેરા, ગાંધીનર અને અલુવા હિલ્સ સુધી લઇ જવામાં ખર્ચ વધી શકે છે. અમદાવાદમાં રીવરફ્રન્ટની જેટલી લંબાઇ છે તેનાથી ચાર ગણી લંબાઇ ગાંધીનગર સુધીની થાય છે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp