...તો અમદાવાદમાં લન્ડન, ટોક્યો, પેરિસ, LA જેવી વ્યવસ્થાઓ ઊભી થઇ જશે, જાણો કેમ

PC: https://www.livemint.com

ગુજરાતમાં 2036માં ઓલિમ્પિક મહોત્સવ યોજાવાનો છે ત્યારે સરકારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી) સાથે જોડાણ કરવા માટે વાતચીત શરૂ કરી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) એ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કર્યા પછી ઓલિમ્પિકની ભાવિ આવૃત્તિ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની ઉમેદવારી માટે આ સંવાદ શરૂ કર્યો છે.

આ મહોત્સવ પૂર્વે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ મુખ્ય રમતો અને બિનરમતની સુવિધાનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની જરૂરિયાતો સાથે સંરેખિત છે. લંડન, રિયો, ટોક્યો, પેરિસ અને લોસ એન્જેલસની જેમ અમદાવાદ પણ ઓલિમ્પિક માટે બેન્ચમાર્ક બનવા જઇ રહ્યું છે. મૂલ્યાંકનના આધારે એવું અવલોકન થયું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 22 સ્થળોએ ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થશે.

ગુજરાતના મુખ્યસચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવની સમીક્ષા કરવા તેમજ આ ઇન્ટરનેશનલ ઇવેન્ટની યજમાની માટે પ્રારંભિક માળખાકીય સંભવિતતા અભ્યાસ હાથ ધરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેસર્સ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સ અને ઔડા દ્વારા નિયુક્ત આંતરરાષ્ટ્રીય કન્સલ્ટીંગ એજન્સીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ એસેસમેન્ટ, કોન્સેપ્ટ પ્લાન, વિઝન અને રોડમેપ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ ફ્રેમવર્કમાં આઇઓસી સાથે જોડાણ માટેના મુખ્ય લક્ષ્ય સાથે રોડમેપનો સમાવેશ થાય છે.

ઓલિમ્પિકના કારણે અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૈશ્વિક રમતગમત તેમજ પ્રવાસન સ્થળ બનવાની તક મળી છે જે શહેરની સંસ્કૃતિ અને તેના વારસાને પ્રદર્શિત કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિવરાજપુર બીચ અને પોળો ફોરેસ્ટ જેવા સ્થળો તેમજ ગોવા, આંદામાન-નિકોબાર ટાપુઓ તેમજ દેશના અન્ય સ્થળોએ સમાન સુવિધાઓને વોટર સ્પોર્ટ્સ, પર્વતીય રમતો અને આવી અન્ય રમતોના આયોજન માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

આ વર્ષના જૂન મહિનામાં રાજ્ય સરકારે સમર ઓલિમ્પિકની ભાવિ આવૃત્તિનું આયોજન કરવા માટે આઇઓસી સાથે જોડાવા અંગેના ટેન્ડર બહાર પાડ્યા હતા. એ ઉપરાંત શહેરમાં રમતગમત અને બિન રમતગમતના સ્થળોની આકારણી માટે સલાહકારો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી.

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા પછી હવે આ શહેરમાં ઓલિમ્પિક યોજવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં 50 હજાર કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ થવાનો છે. અમદાવાદમાં 2036માં ઓલિમ્પિક યોજાય તે પહેલાં 2032માં ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર છે. એ પૂર્વે 2024ની ઓલિમ્પિક પેરિસમાં, 2028ની ઓલિમ્પિક લોસ એન્જેલસમાં યોજાવાની છે. અમદાવાદ શહેરના મોટેરા અને ચાંદખેડામાં જમીનનો સર્વે કરવામાં આવ્યો છે, જ્યારે ઔડા અને ગુડાની હદમાં આવતા ભાટ, ચાંદખેડા, સુઘડ, ઝૂંડાલ, કોટેશ્વર, મોટેરા અને નાના ચિલોડા જેવા ગામોની સરકારી જમીનના પ્લોટ અનામત રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 

મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની 10 કિલોમીટરના વિસ્તારની સરકારી જમીન અનામત રાખવામાં આવી છે. ઔડાએ મોટેરા સ્ટેડિયમની 175 એકર જમીન અને નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સની 19.50 એકર જમીન ઉપરાંત બીજી 300 એકર જમીનની શોધ શરૂ કરી છે.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)ના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાએ થોડાં સમય પહેલાં ઇન્ટરનેશન ઓલિમ્પિક કમિટી સમક્ષ 2036ની સ્પર્ધા માટે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓપનિંગ સેરેમની માટેનું વેન્યૂ બની શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં ઓલિમ્પિકના આયોજન માટે અમદાવાદ સહિત દેશના ત્રણ થી ચાર શહેરોને યજમાન બનવાની બેસ્ટ તક મળવાની છે. 

 
 

 

 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp