ગુજરાતમાં આ ગામના લોકો હવે ટાપુ પર રહે છે, 2 ચો.કિમીમાં 80 કુટુંબો વસે છે

PC: timesofindia.indiatimes.com

ગુજરાતમાં 42 દરિયાઈ ટાપુ છે. નદીના મુખ પ્રદેશમાં કે વચ્ચે કેટલાંક ટાપુ છે. પણ માણસ દ્વારા બનાવવામાં આવેલો હોય એવો સીમલેટ નામનો વિશાળ ટાપુ પણ છે. આ ટાપુ 1972માં સરકારે જમીન લીધી ત્યારબાદ ટાપુનું કૃત્રિમ સર્જન થયું છે. અહીં પાનમ બંધ બનતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ ટાપુ બની ગયો છે. ખેડૂતો માટે બનાવેલો આ બંધ સ્થાનિક ખેડૂતો માટે આફતરૂપ બની ગયો છે. 

મહીસાગર જિલ્લાના લુણાવાડા, શહેરા તાલુકાના પાનમ બંધના સ્રાવ વિસ્તારમાં આવેલા સીમલેટ ટાપુ પાનમ જળાશયની વચ્ચે છે. આ ટાપુ  સીમલેટ ગામ તરીકે ઓળખાય છે. 80 કુટુંબોના ઘર છે.  500 લોકોની વસ્તી છે. સીમલેટ ગામ 2 કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલું છે.

પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવા હડફ જેવા તાલુકા મથકો એક બાજુ આવેલા છે. બીજી તરફ ખેતીની સિંચાઈ માટે પાનમ ડેમ આવેલો છે.પાનમ ડેમ બનતા પહેલા જમીન રસ્તે ગામમાં અવરજવર થતી હતી. હવે પાણીથી ઘેરાયેલું હોવાથી અહીં જવા માટે કોઈ રોડ કે રસ્તા નથી. લોકો હોડીમાં જાય છે.

ગામમાં વાહન નથી  

અહીંના લોકોને વાહન ચલાવતા ઓછું આવડે છે. તેઓ હોળી ચલાવવાનું જાણતા હોય છે. ગામાં કોઈની પાસે સાયકલ, બાઈક, ટ્રેક્ટર કે કાર નથી. માત્ર હોડી છે.

બીજે જમીન આપી

સીમલેટમાં વસતા કેટલાક લોકોને સરકારે બીજી જગ્યાએ ખેતીની જમીન ફાળવી છે. તેઓ ત્યાં રહેવા ગયા નથી. ગામની આસપાસ પાણીની સપાટીમાં વધારો થતો ન હોવાથી સરકારે ગામ ખાલી પણ કરાવ્યું નથી.

મુશ્કેલી

આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. વીજળી નથી. પ્રાથમિક સુવિધાઓ નથી. સીમલેટ ગામ પંચાયત, સહકારી મંડળી, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, દૂધ ડેરી, મતદાન મથક, રસ્તો, આરોગ્યની કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. શહેરાના મહેલાણ ગ્રામ પંચાયત લાગતી હોવાથી તેને લગતી કામગીરી માટે ત્યાં જવું પડે છે. સ્થાનિકોને આસપાસના ગામો પર આધાર રાખવો પડે છે.

મહિને એક દિવસ ડોક્ટર આવે છે. પ્રસુતી અને ઈમરજન્સીમાં દર્દીને બોટથી જવું પડે છે. હલેસા વાડી દેશી નાવડીમાં જ ક્યારેક લોકો મોતને ભેટે છે.

શાળા નથી

પ્રાથમિક શાળા ન હોવાથી બાળકોને જાન જોખમે હોડીમાં બેસીને બહાર અભ્યાસ કરવા જવું પડે છે. શાળા શરૂ થઈ હતી તે બંધ કરી દીધી હતી.

દસ્તાવેજ છે

ગામના પરિવારોમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી જરૂરી દસ્તાવેજો છે. 242 મતદારોએ મહેલાણ ગામના મતદાન મથક પર મતદાન કરવા માટે હોડીમાં બેસીને લોકોએ જવું પડે છે.

જીવન

સીમલેટ ટાપુ પર વસતા લોકોનું જીવન મુશ્કેલી ભર્યું છે. ખેતીવાડી અને પશુપાલન કરી જીવનનિવાર્હ કરે છે. જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરવા માટે શહેરા ખાતે પછી નજીકના ગામોમા આવેલી દૂકાનો પર જવુ પડતુ હોય છે.

પાનમ બંધ

પાનમ બંધ 25 કિમી લાંબી પાનમ નદી ઉપર બાંધવામાં આવેલો છે. દાહોદના દેવગઢબારિયાથી ઉદભવતી પાનમ નદી પર સિંચાઇ યોજના બની છે. પાનમ મહી નદીમાં ભળી જાય છે. બંધ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલો છે. 1972માં ખેડૂતોની જમીન સરકારે લઈ લીધી હતી.

નહેર

21 ક્યુબિક મીટરની ક્ષમતા વાળી 100 કિલોમીટર લાંબી નહેર 1999માં પૂરી થઈ હતી. પાનમ બંધથી પંચમહાલ, વડોદરા અને મહીસાગર જિલ્લાના 132 ગામના ખેડૂતોની 36500 હેકટર જમીન માટે શિયાળુ અને ઉનાળુ સિંચાઇ થાય છે.

100 કી.મી. લાંબી નહેરમાં 900 કી.મી.ના શાખા કે પેટા શાખા નહેરો છે. 130 મીટર પાણીમાંથી 180 મિલીયન ઘનમીટર પાણી સિંચાઈ માટે, 15 એમસીએમ પાણી પુરવઠા માટે, 25 એમસીએમ ડેડ સ્ટોરેજ, 30 એમસીએમ લીકેજ અને બાષ્પીભવન થાય છે. નહેરના છેવાડે આવેલાં અનેક ગામોના ખેતરોમાં પાણી ન મળતાં ઘણી વખત ઘંઉ, બાજરી, મકાઇ પાક સુકાઈ જાય છે. 1994માં 2 મેગાવોટનું હાઈડ્રો વીજ મથક બનેલું છે.

સરકારની મિલકત જપ્ત

જમીનનું સરકારે વળતર ચૂકવ્યું ન હોવાથી 2018માં કોર્ટે સરકારની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. પાનમ કાર્યપાલક એન્જીનીયરની ટાટા સુમો જીપકાર જપ્ત કરી હતી. 6 ખેડૂતોના 1.47 લાખનું વળતર વ્યાજ સાથે 5.15 લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો.

સરકારે એક એકર ખેતીની જમીનના રૂ.700 વળતર આપ્યું હતું. ઓછી રકમ આપતાં ખેડૂતો અદાલતમાં ગયા હતા. પછી સરકારે કરોડો રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

અણીયાદ ગામના 23 ખેડૂતોને રૂ.2 કરોડ,  અંબાવઝડીગામના 15 ખેડૂતોને રૂ. 75 લાખ,  ખટકપુરગામના 16 ખેડૂતોને રૂ.3 કરોડ, આમ 8થી 9 કરોડ રૂપિયા અદાલતના આદેશ બાદ વર્ષો પછી ચૂકવવા પડ્યા હતા.

ઉચ્ચ સ્તરીય નહેર

ઉચ્ચ સ્તરીય નહેર 2017માં રૂ.215 કરોડની બનાવવા ફાળવવામાં આવ્યા હતા. પાનમ હાઈલેવલ નહેર 30 કિ.મી. લંબાઇ અને 800 કયુસેકસ ક્ષમતા છે. નહેર પર્વતની 115 ફૂટ નીચે ઈજનેરી કૌશલ્ય ધરાવતી 3.2 કી.મી. લાંબી 2014માં બની છે. જેનાથી રૂ.216 કરોડના ખર્ચે પંચમહાલ-મહીસાગર જિલ્લાના 38 ગામોના 53 તળાવો ભરાવાની યોજના બની હતી. જેમાં 86.5 કિ.મીટર જેટલી પાઇપલાઇન નેટવર્કથી જોડીને 6 જેટલા જુદા જુદા સ્થાનો પરથી પાણી ઉદવહન (લીફટ) કરીને ભરવામાં આવે છે.

10 હજાર હેકટર વિસ્તારમાં 38 ગામોના અંદાજે 11 હજાર ખેડૂતો તથા 45 હજાર ગ્રામીણ વસ્તીને સિંચાઇનો લાભ મળે છે. જેમાં 6 પમ્પીંગ સ્ટેશન પરથી 10 કયુસેકસથી 60 કયુસેકસની વહન શકિતવાળી 8 પાઇપલાઇન દ્વારા 13 મીટર થી 26 મીટર સુધીની ઊંચાઇ માટે પાણી ઊંચકવા 120 કિ.વોટથી 600 કિ.વોટ વીજળી પ્રવાહનો ઉપયોગ કરીને 53 તળાવો ભરાય છે.

ઉદ્વહન નહેર

ભાજપે અહીં ઉદ્દવહન નહેર બનાવી હતી. 2 જાન્યુઆરી 2020માં જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ.315 કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો બનાવાયા હતા. રૂ.138 કરોડના ખર્ચે તૈયાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમૂહુર્ત કરાયા હતા. જેમાં 128 ગામોની 43500 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. તેનો મતલબ એ થયો કે પાનમ યોજનાને 50 વર્ષ થયા છતાં તે હજું અધુરી છે.

10 ઓક્ટોબર 2020માં  પાનમ ડેમમાંથી ઉનાળુ પાકની ખેતી માટે સિંચાઈ પાણી અપાયું ન હતું. અનેક વખત ખેડૂતોને પાણી અપાતું નથી. નર્મદા નહેરથી પંચમહાલ જિલ્લાની મોટી નદીઓમાં પાણી ભરવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક બની શકે તેમ છે. પંચમહાલ લોકસભા બેઠકમાં આવે છે. 250 મતદારો 2 કી.મી. દૂર મહેલાણ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કરવા જાય છે. કોઈ પક્ષ કે નેતાઓ ટાપુ ઉપર પ્રચાર માટે જતાં નથી. ટાપુના મતદારો મતદાન કરવાનું ચુકતા નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp