26th January selfie contest

જળકપટઃ 10 હજાર કરોડની સૌની યોજના 20 હજાર કરોડની થઇ, ફાયદો કોને અને કેટલો?

PC: khabarchhe.com

સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે 2020CEX સૌરાષ્ટ્રના 115 બંધમાં રૂ.18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વારા શેત્રુંજી ડેમને નર્મદાના નીરથી ભરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું 7 માર્ચ 2019માં કર્યું હતું. રૂ.10,861 કરોડની મૂળ સૌની યોજનાથી 11 જીલ્લાના 115 બંધ દ્વારા 10,22,589 એકર ખેતીની જમીન પર સિંચાઈનો લાભ આપવાનું વચન આપ્યું હતું. જળ કરારનો ભંગ કરીને યોજનાના વારંવાર લોકાર્પણ થયા છે. પણ ક્યાંય ચોમાસાના પાણી નાંખવામાં આવતાં નથી અને ક્યાંય તે બંધોમાંથી આ પાણીથી સિંચાઈ થતી નથી.

દર ચૂંટણીએ વચન

સૌની યોજના છેલ્લાં 18 વર્ષથી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નવી જાહેરાત થાય છે. આ યોજના લોક હિત કરતાં રાજકીય વધું બની ગઈ છે. પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2003, 2008, 2013માં ગુજરાત વિધાનસભા દરમ્યાન સૌની યોજના વારંવાર જાહેર કરી હતી. 16 વર્ષ થયા આ વાતને છતાં હજુ સૌની યોજના પૂરી થઈ નથી ત્યાં બીજા મુખ્ય પ્રધાને સૌરાષ્ટ્રના લોકોને ગેરમારગે દોરવા માટે જાહેરાત કરી છે કે 2020માં સૌની યોજનાથી 115 બંધ ભરવામાં આવશે. ફરી એક વખત મુદત પાડવામાં આવી છે.

સૌની યોજનાનું બે ગણુ ખર્ચ

નેવાના પાણી મોભે ચઢાવીને જંગી ખર્ચ સાથેની આ યોજના માટે રૂ.16,000 કરોડ 2018 સુધી હતી. હવે તેમાં એકાએક બીજા રૂ.2000 કરોડનો વધું ખર્ચ બતાવીને તે રૂ.18 હજાર કરોડની જાહેર કરાઈ છે. જે આવતાં વર્ષે પૂરા રૂ.20 હજાર કરોડની થઈ જશે. તે પણ માત્ર ચોમાસામાં જ ડેમ ભરવા પાણીનો ઉપયોગ કરવાની શરતે નર્મદા ટ્રીબ્યુનલે મંજૂરી આપી છે. જો તેમ નહીં થાય તો ગુજરાત સરકાર ફરી એક વખત કાયદાના વિવાદમાં ફસાઈ શકે છે. આ યોજનાથી વીજળીનું બેશુમાર બિલ આવવાનું છે.

નર્મદા નદીમાં પાણી ઘટી ગયું

રાજ્ય સરકારે જાહેર કરેલી રૂ.18000 કરોડના ખર્ચ વાળી સૌની યોજના એટલે નર્મદાનું જુનું પાણી નવી બોટલમાં. એક જમાનામાં જયારે નદીનો પ્રવાહ 280 લાખ એકર ફૂટ ગણાતો હતો ત્યારે નર્મદા નદીના પુરના 10 લાખ એકર ફૂટ પાણીને નહેર મારફત રાજ્યના ખાલી ડેમમાં ભરી લેવાની વિચારણા થઇ હતી. પરંતુ 1993માં કેન્દ્ર સરકાર રચિત જયંત પાટીલ સમિતિનો અહેવાલ બહાર પડ્યો ત્યારે તારણ એવું નીકળ્યું કે નદીનો પ્રવાહ ઘટીને 230 લાખ એકર ફૂટ થઇ ગયો છે. 50 લાખ એકર ફૂટ પાણીનો આવરો બદલાતા પર્યાવરણને કારણે ઘટી ગયો છે. તો પછી સૌની યોજના માટે ચોમાસાનું 10 લાખ એકર ફીટ પાણી 115 બંધ ભરવા માટે વાપરવાનું હતું. જે પાણી તો હવે બંધમાં આવતું નથી. તો પછી ગુજરાત સરકારે પ્રજાના પૈસે બનાવેલી રૂ.20 હજાર કરોડની સિમેન્ટ કોંક્રીટની યોજના હવે સિમેન્ટનું જંગલ જ બની રહેશે.

ચોમાસામાં પાણીના કરારનો ભંગ

ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાના બદલે કરાર ભંગ કરીને ચોમાસા સિવાય બંધ ભરવામાં આવી રહ્યાં છે. તેનાથી ખેડૂતોની સિંચાઈ થતી નથી. ખેડૂતોને માટે આ યોજના નુકસાનકારક પુરવાર થઈ છે. કારણ કે નર્મદા બંધથી 18 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈતી હતી પણ માત્ર 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ રહી છે અને નહેરોનું પાણી ખેતરોમાં લઈ જવાના બદલે બંધોમાં લઈ જવામાં આવી રહ્યું છે.મધ્ય પ્રદેશ સરકાર પણ આ યોજનથી નારાજ છે કારણકે ભવિષ્યમાં અન્ય યોજનાઓની જેમ બંને રાજ્યો વચ્ચે જળવિવાદ થવાનો એ નક્કી.  1997ના ફેબ્રુઆરીમાં સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડાયરેક્ટરે જાહેરાત કરી કે. “આવતા 50 વરસ સુધી ગુજરાતને નર્મદાના પુરનું વધારાનું પાણી ઉપલબ્ધ થશે. કારણ કે મધ્ય પ્રદેશ તેની હદમાં વિરાટ નર્મદા સાગર પ્રોજેક્ટ અને બીજા 28 જેટલા નાના-મોટા પ્રોજેક્ટ સમયસર પુરા કરી શકે તેમ લાગતું નથી. પણ ત્યાં તો બંધ બની ગયા છે અને નર્મદા બંધમાં હવે પૂરતું પાણી તો આવતું નથી. 15મી વિધાનસભા દરમ્યાન જૂન 2001માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવી સિંચાઈ યોજનામાં સૌરાષ્ટ્રના 7 (હવે 10) જીલ્લાના બંધોમાં નર્મદાનું 10 લાખ એકર ફૂટ પાણી ભરવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. 

કોંગ્રેસ સરકારે યોજના જાહેર કરી હતી, ભાજપ પૂરી ન કરી શક્યું 

ખરેખર તો આ યોજના 1997માં કોંગ્રેસ સરકારે રમતી મૂકી હતી. હવે આજે જયારે નર્મદા નદીનો પાણીનો પ્રવાહ ઘટી ગયો છે ત્યારે તે અપ્રસ્તુત બની ગઈ છે. ગુજરાતમાં 13 વર્ષ સુધી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન રહ્યાં ત્યાં સુધીમાં આ યોજના પૂરી થવી જોઈતી હતી. પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આમેય નર્મદા સહિત તમામ સિંચાઈ યોજનાઓમાં અસહ્ય વિલંબ કર્યો છે. નર્મદા આધારિત બીજી જે યોજના બની છે, સૌની, સજલામ સુફલામ, નદીના જોડાણ, તળાવો ભરવા વગેરેનું ખર્ચ નર્મદા યોજના જેટલું રૂ.50 હજાર કરોડ થઈ ગયું છે. છતાં સિંચાઈ બહુ ઓછી થાય છે. સિંચાઈ ન થતાં ગુજરાતનું કૃષિ ઉત્પાદન સમગ્ર દેશે ગુમાવવું પડ્યું છે. ખેડૂતો આર્થિક રીતે નબળાં થયા છે. સીમએમ મોદીના સમયમાં 10 સારા ચોમાસા ગયા છે. પણ સિંચાઈ સુવિધા ઊભી થઇ શકી ન હતી. તે સૌની, નદી, તળાવ અને નર્મદા નહેરમાં સ્પષ્ટ જોઈ શકાય છે. સૌનીનો છેલ્લો તબક્કો જૂન 2011માં પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરો કરવાનો હતો. જે હવે 2020માં પૂરો થશે એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2019માં જાહેરાત કરી છે.

વારંવાર જાહેરાત

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 16મી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2012માં એક સભામાં રૂ.10,000 કરોડના ખર્ચ વળી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (સૌની) યોજનાની ફરીવાર જાહેરાત કરી હતી.2014ની લોકસભાની ચૂંટણી પહેલા 2013ના મે મહિનામાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન’ યોજનાની જાહેરાત કરી હતી. જેમણે કહ્યું હતું કે નર્મદાના ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને કેનાલમાં વળી લઇ સૌરાષ્ટ્રના નાના-મોટા 115 ડેમમાં પાણી ભરી લેવાશે. તેમણે જાહેર કર્યું કે 7 જીલ્લાના ડેમમાં પાણી ભરી લેવાશે. યોજનાનો ખર્ચ રૂ.10,000 કરોડનો આવશે. આજે તે ખર્ચ રૂ.20 હજાર કરોડ થઈ ગયો છે. આખી યોજના 2016માં પૂરી કરી દેવાની હતી પણ વિજય રૂપાણી કે આનંદીબેન પટેલ તે પૂરી કરાવી શક્યા નથી. અને હવે બીજી 2020ની મુદત પાડી છે. સિંચાઈ પ્રધાન નાનું વાનાણીએ 2019માં યોજના પૂરી કરવાની ખાતરી આપી હતી. સૌરાષ્ટ્રમાં ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન’ યોજના એટલે કે ‘સૌની’ યોજના દ્વારા 27 ઓગસ્ટ 2016માં અવતરણ થયું છતાં 10 લાખ હેક્ટરમાં તેનો ક્યાંય લાભ દેખાતો નથી. રૂ.20 હજાર કરોડના રોકાણના વળતરનો હિસાબ ગુજરાતની પ્રજાને આપવો જોઈએ.

કોંગ્રેસ પ્રજા સાથે ન રહી

આ માટે વિરોધ પક્ષના નેતાઓ અને કોંગ્રેસ પક્ષના પ્રમુખો અવાજ ઉઠાવવામાં સાવ નિષ્ફળ છે. પ્રજાહીતમાં સરકાર પાસે તેવો જવાબ મેળવવામાં નિષ્ફળ છે. તેમાં અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, પરેશ ધાનાણી પ્રજા વતી જવાબ માંગવામાં નબળા પુરવાર થયા છે.

પાઈપલાઈનનો ખર્ચ

1 પહેલો તબક્કો

મચ્છુ -2થી ઊંડ 1 –જામનગર, પૂર્વ સૌરાષ્ટ્ર, 180 કી.મી. પાઈપ લાઈન નાંથી 30 બંધમાં પાણીનાંખી રૂ.1533 કરોડના ખર્ચે 2,02,100 એકરમાં સિંચાઈ થવાની હતી.

2 બીજો તબક્કો

ભોગાવોથી ભીમડાદ –ભાવનગર, 253 કી.મી પાઈપ લાઈન દ્વારા 17 બંધ ભરવા રૂ.3229 કરોડનું ખર્ચ કરીને 27,47,700 એકર ખેતરોમાં સિંચાઈ કરવાની હતી.

3 ત્રીજો તબક્કો

ભોગાવોથી મચ્છુ -1-મોરબી, 245 કી.મી પાઈપ લાઈન દ્વારા 28 બંધ ભરીવા રૂ.2314 કરોડના ખર્ચે 198067 એકર જમીનમાં સિંચાઈ કરવાની હતી.

4 ચોથો તબક્કો

ભોગાવોથી આંકડિયા, રાજકોટ, 448 કી.મી. લાંબી પાઈપ લાઈન નાંખી 40 બંધ ભરવા માટે રૂ.3785 કરોડનું ખર્ચ કરીને 347722 એકર ખેતરમાં સિંચાઈ થવાની હતી.

(દિલીપ પટેલ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp