સાબરકાંઠા માટે ઐતિહાસિક પળ: PM મોદી અને ઇઝરાયલ PM નેતાન્યાહુની થશે પધરામણી

PC: khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાબરકાંઠાના વદરાડ ખાતેના સેન્ટર ઓફ એકસેલન્સ વેજીટેબલ ખાતે મળી રહ્યા છે. આ કેન્દ્ર ભારત-ઇઝરાયલના કૃષિ ક્ષેત્રના પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે.

ભારત-ઇઝરાયલના વડા જ્યાં મળી રહ્યા છે તેવું આ કેન્દ્ર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે આવેલું છે. નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૂ. 12 કરોડના ખર્ચે નિર્મિત રાજયનું સૌ પ્રથમ સેન્ટર ઓફ એકસલેન્સ વેજીટેબલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે 2,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ સંકલિત કેન્દ્રથી આધુનિક ખેતી પદ્ધતિની જાણકારી મળે છે એટલું જ નહીં તે શિક્ષણલક્ષી તાલીમ પ્લેટફાર્મ પણ પુરૂ પાડે છે આ સંકલિત કેન્દ્રમાં ઉચ્ચગુણવત્તાવાળા 50 લાખ ધરૂનુ નિદર્શન કરાયું છે. જે ધરૂ પ્રતિકુળ વાતવારણમાં ટકી કિટકો-જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે. ભવિષ્યમાં અહીં મધમાખી ઉછેર અને સેન્દ્રીય પાકોનું નિદર્શન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટ દરમિયાન કૃષિ વિકાસને ધ્યાને લઇ રાજય સરકાર અને ઇઝરાયલ સરકારે સમજૂતી કરાર કર્યા હતા જેના પરીપાક રૂપે આ સેન્ટર ઓફ એકસલન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇઝરાયેલ સરકારના સહયોગ એવા આ કેન્દ્રમાં પ્લગ નર્સરી મારફતે ઉછેરાયેલા અને યોગ્ય રીતે પ્રોસેસિંગ કરાયેલા ધરૂઓનુ વાવેતર કરી શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. અહીં બજાર કિંમત કરતા ઘણા સસ્તા દરે ધરૂ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખેડૂતો જ્યારે પરંપરાગત રીતે પોતાના ખેતરમાં ધરૂ ઉછેર કરે ત્યારે 30 ટકા ધરૂ નકામા જાય છે. જયારે અહીં આવું નથી. આ સેન્ટર મારફતે ઉછેરવામાં આવેલાં ધરૂ ખેડૂતો માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે, આના કારણે ખેડૂતોને નિયમિત શાકભાજીની આવક મળી રહે છે

ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનું આ સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ કેન્દ્રની સ્થાપના વર્ષ-૨૦૧૩માં કરવામાં આવી હતી. જેની મુખ્ય કામગીરી શાકભાજીની ખેતીની વિવિધ પદ્ધતિઓની તાલીમ, રાહતદરે રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો, ગ્રીનહાઉસ તથા નેટહાઉસના પાકોના નિદર્શન અને માહિતી, શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું સ્ક્રિનીંગ કરવું, ચોકસાઈપૂર્વક ખેતી વિશે નિદર્શન અને સમજણ આપવી, શાકભાજીના ગ્રેડીંગ, પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રૃંખલાનું નિદર્શન કરવું, જેવી કામગીરી ઉપરાંત અહીં ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે પણ થાય છે.

ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર છે. જ્યાં એક જ સ્થાન ઉપર આશરે ૨ હેક્ટરમાં વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલું છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈ ના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે. તદઉપરાંત શાકભાજીના ધરૂં ઉત્પાદન તેમજ વેજીટેબલ ગ્રાફટીંગ માટે અધતન પ્લગ નર્સરી પણ બનાવવામાં આવેલું છે. જેના દ્વારા ખેડુતો રાહતદરે રોગ મુક્ત ધરૂ મેળવી શકે. આ સેન્ટરના અન્ય આકર્ષણો જેવાં કે, 2 હેકટરમાં ખુલ્લા ખેતરમાં શાકભાજીની વિવિધ ટેકનોલોજીના નિદર્શન પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તેમજ વહીવટી સંકુલ નો પણ સમાવેશ થાય છે. આ સેન્ટર કૃષિ વિકાસ ક્ષેત્રે ઇન્ડો ઇઝરાયલના સંયુકત પ્રયાસના શ્રેષ્ઠ પરિણામ સ્વરૂપ બની રહ્યું છે.

બન્ને દેશના વડાપ્રધાન સેન્ટર ખાતે કાયમી સ્મૃતિરૂપ એવા સ્તંભને ખુલ્લો મુકશે ત્યાર બાદ ઇન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન અંતર્ગત તૈયાર થયેલ વેજીટેબલ સેન્ટરમાં ઉભી કરવામાં આવેલી પ્લગ નર્સરીની અને પોલી હાઉસની મુલાકાત લઇ ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિ મંત્રી  આર.સી.ફળદુ સહિત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp