પેરેન્ટ્સની વર્તણૂંકના આ સાત લક્ષણો તમને વારસામાં મળશે

PC: picdn.net

જે સંબંધનું તમારા માટે બહુ મૂલ્ય હોય એને ટકાવી રાખવા માટે તમે બહુ પ્રયાસ કરતાં હોવ છો, પરંતુ તમે જે કંઈ પ્રયાસ કરી શકો એનો આધાર તમારા પેરન્ટ્સે તમારો ઉછેર કઈ રીતે કર્યો હતો એના નિર્ભર છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં તમે કઈ રીતે વર્તશો એના પર તમારા મમ્મી પપ્પાના વર્તનની ઘેરી છાપ પડેલી હશે. તમારા મમ્મી કે પપ્પા એકબીજા સાથેના સંબંધને કંઈ રીતે નિભાવતા હતા એ તમે જાણતા કે અજાણતા ગ્રહણ કર્યું જ હશે.

ખરેખર તો સ્ત્રીપુરુષ વચ્ચેના સંબંધની ખબર જ તમને તમારા પેરેન્ટ્સના સંબંધ જોઈને થઈ હશે. તમે એમને લડતા ઝઘડતા, સમાધાન કરતાં, એકબીજાને પ્રેમ કરતાં, એકબીજાનું ધ્યાન રાખતા કે એકબીજા માટેની સમર્પણની ભાવના નજીકથી જોઈ હશે. દરેક વ્યક્તિને પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારના અનુભવ થતાં હોય છે અને એ અનુભવોની અસર જ વ્યક્તિ પર જીવનભર ટકી રહેતી હોય છે. પેરેન્ટ્સ વચ્ચેના સંબંધોની આ સાત લાક્ષણીકતાઓની મોટી અસર એમના સંતાનો પર જોવા મળતી હોય છે.

1. તકરાર પછી સુલેહ કરવાની રીત:

તકરાર પછી સુલેહ કરવાની રીત. તમારા મમ્મી પપ્પા વચ્ચે તકરારો અને ઝઘડા થતાં તમે જોયા જ હશે. એ ઝઘડા પછી સમાધાન કઈ રીતે થતાં હતાં એની પણ તમને જાણ હશે જ. શક્ય છે કે તમારા પેરેન્ટ્સ એ તકરારનો અંત એકદમ ઝડપથી લાવી દેતા હતા. જો તમે સતત આવું અનુભવ્યું હશે તો તમે પણ તમારા જીવનરસાથી સાથેના સંબંધમાં સમાધાનકારી વલણ અપનાવવાનું વલણ અપનાવશો. જો તમારા પેરેન્ટ્સ તકરાર વખતે અને પછી પણ સતત દલીલો કરતા રહેતા અને ઝઘડાને લંબાવતા રહેતા તો એ પ્રકારનું વલણ તમારામાં પણ સહજ રીતે આવી શકે, પરંતુ જો તમે આ બાબતે સજાગ બનો અને વિચારો કે ના, આ રીત ખોટી છે. બંનેએ પક્ષે થોડું થોડું જતું કરવાનું વિચારવું જોઇએ તો એ તમારા રોમેન્ટિક જીવનને, દામ્પત્યજીવનને મધુર બનાવશે. દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલે એ વલણ જ સંબંધમાં શ્રેષ્ઠ પૂરવાર થાય.

2. એકીબીજા સાથે ખુલ્લા દિલે વાત કરો:

પ્રેમ સંબંધમાં એકબીજા સાથે ખુલ્લાપણું દાખવવું બહુ જરૂરી છે. જો તમે તમારા પાર્ટનર સાથે ખુલ્લા દિલે વાત કરતા હોવ તો સંબંધો તંદુરસ્ત રહે છે. તમારા પેરેન્ટ્સ એકબીજા સાથે ખુલ્લાપણું દાખવતા હતા કે નહીં એ તમે જોયું હશે અને અનાયસે જ તમે એનું અનુકરણ કરતા હશો. જો તમે તમારા પાર્ટનર સાથે ખુલ્લા મને વાત કરશો તો તમારો સંબંધ લાંબા ગાળે વધુ ગાઢ બનશે.

3. સંબંધોની કડવાશને કઈ રીતે ફગાવી દેવી:

જો તમારો ઉછેર એવા ઘરમાં થયો હોય, જ્યાં સતત ઝઘડા ચાલતા હતા અને પેરેન્ટ્સ એકબીજા સાથે સતત ગાળાગાળી કરતા હતા તો નિરાશ થવાની જરૂર નથી. એ અનિચ્છનીય ઘટનાઓની નકારાત્મક અસરો તમારા મન પર જરૂર હશે, પરંતુ એ જરૂરી નથી કે તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં પણ એવી જ કડવાશ પેદા થશે. તમારે ફક્ત આ બાબતે સજાગ બનવાનું છે અને તમે જે જોયું છે એનું અનુકરણ કરવાને બદલે નકારાત્મકતાને તિલાંજલી આપી દેવાની છે.

4. એકબીજા માટેનું કમિટમેન્ટ સંબંધને ટકાવશે:
તમારા મમ્મી પપ્પા એકબીજા માટે કેટલા સમર્પિત હતા એ તમે જોયું હશે અને એ જ કમિટમેન્ટની ભાવના તમારામાં આવશે. કોઇ પણ પ્રેમસંબંધમાં વફાદારી અને નિષ્ઠા ખૂબ જ જરૂરી હોય છે. હકીકતમાં એકબીજા પ્રત્યેની નિષ્ઠા જ સંબંધને લાંબા સમય સુધી ટકી શકે એવો મજબૂત બનાવે છે.

5. એકબીજા સાથે મુક્તપણે કમ્યુનિકેટ કરવાની સ્વતંત્રતા જરૂરી:

તમારા પેરન્ટસની વર્તણૂંકનો જે સૌથી મોટો વારસો તમને મળવાનો છે એ તમે કઈ રીતે અન્યો સાથે કમ્યુનિકેટ કરો છો, વાતચીત અને વહેવાર કરો છો એને લગતો છે. જો તમારા ઘરમાં બધા પૂરી સ્વતંત્રતાથી એકબીજા સાથે વાતચીત કરી શકતા હશે, ખાસ તો તમારા પેરેન્ટ્સ વચ્ચે વિના કોઇ સંકોચ વાતચીત થતી હશે તો તમેય એ જ રીતે વાતચીત કરતા શીખશો અને તમારા પાર્ટનર સાથે તમે એવો જ વહેવાર કરશો. એટલું જ નહીં, તમારા સાથીદારને પણ તમે એવી જ સ્વતંત્રતા આપશો.

6. પૈસાના ખર્ચ અને હિસાબકિતાબ બાબતે પણ બંનેમાં સુમેળ હોવો જોઇએ:

એક કપલ તરીકે, એક દંપત્તિ તરીકે તમે તમારા ઘરની નાણાંકીય બાબતોને કઈ રીતે હાથ ધરો છો એ બાબત પણ સંબંધની ઘનિષ્ટતા વધારવામાં ભૂમિકા ભજવે છે. અમુક દંપત્તિઓનો હાથ એકદમ છૂટો હોય છે તો અમુક દંપત્તિઓ કરકસરમાં માનતા હોય છે. તમને જે રીતે ફાવતી હોય અને તમારા પાર્ટનરને જે પણ જે અનુકૂળ હોય એવી સિસ્ટમ તમારે શોધી કાઢવી જોઇએ, જેથી આ બાબતે કોઇ સંઘર્ષ ન થાય.

7. આદર્શ સંબંધ વિશેની તમારી માન્યતા કેવી છે?

આખરે એ વાત પણ મહત્ત્વની છે કે કેવા સંબંધને તમે આદર્શ માનો છો. આ બાબતે પણ તમારા પેરેન્ટ્સના અભિગમની અસર તમારા પર પડી હશે. આદર્શ સંબંધ બાબતે તમે જે માનતા હશો એના આધારે જ તમે સંબંધને આગળ વધારશો. આથી આદર્શ સંબંધની બાબતે સજાગ રહો અને એને સતત સુધારવાની કોશિષ કરતાં રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp