પાપા કહેતે હૈ બડા કામ કરેગા, બેટા હમારા બડા નામ કરેગા...

PC: nihallifecoaching.com

ધ્યેય વિનાની જીંદગી એ પશુ કરતાં પણ બદતર છે. જીવનમાં કોઇ સપનાં નહીં હોય, પરિશ્રમ નહીં હોય, કોઇ નિશ્ચિત કરેલું ડેસ્ટીનેશન નહીં હોય કે ચોક્કસ ગોલ નહીં હોય તો જીવન બદબાદ છે. કિસ્મત પ્રત્યેકને એક મોકો આપે છે. જો તે પારખી લેતાં આવડે તો તમે સિકંદર છો. એક બાબત એવી પણ છે કે મહેનતકશ લોકો તેમની કિસ્મત જાતે બદલી શકે છે.

જો ધ્યેય સાથે માનવી આગળ વધશે તો તેને ડગલે ને પગલે સફળતા મળશે. નક્કી કરેલા ગોલ કે ડેસ્ટીનેશન સુધી પહોંચવામાં તનતોડ મહેનત અને ધગશ ખુબ મહત્વના હોય છે. પૃથ્વી પરનો પ્રત્યેક માનવી ધ્યેય સાથે જોડાયેલો છે. ભારતના ધનિક વ્યક્તિ ધીરૂભાઇ અંબાણી કહેતા હતા કે “સપનાં જુઓ અને તેને પુરાં કરવાની હિંમત પણ રાખો. જે લોકો સપનાં જોતાં નથી તે કોઇ કામ કરી શકતા નથી. હું સપનાં જોઉં છું અને તેને પુરાં કરવાની હિંમત પણ રાખું છું.”

જીવનમાં શોર્ટકટથી ઘણાં લોકો ખૂબ દુખી થયા છે. લોકોના સંસાર ઉજડ્યા છે. શોર્ટકટ અપનાવતા માનવીઓ ધ્યેય વિના પશુની જેમ જીવી જાય છે પરંતુ સમાજ કે આ દુનિયાને કંઇ નવું આપતા નથી. એવી જ રીતે ખોટી દોસ્તી જીવનને દોઝખ બનાવે છે. જીવનમાં સાચો દોસ્ત નસીબદારને મળે છે પરંતુ તાળી મિત્રો અનેક હોય છે જેમના પર જીવનનો ભરોસો છોડી શકાય નહીં, ક્યારે દગો આપે તેની સમજ પડતી નથી. કોઇપણ સંતાનનો પહેલો અને સાચો મિત્ર તેનો પિતા છે.

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ત્રણ સ્ટેજ આવતા હોય છે. પહેલું બાળપણ, કે જેમાં ખેલકુદ અને મસ્તીભર્યા દિવસો હોય છે. બીજું તેનો અભ્યાસ. આ ગાળામાં જે સપનાં જોયાં છે તેને સમયસર પૂર્ણ કરવા એ તેનું ધ્યેય હોય છે. જો તેમાંથી વિચલિત થાય તો તે અંતિમ સ્ટેજ એટલે કે નોકરી કે વ્યવસાયમાં ક્યારેય નિપુણ બની શકતો નથી. કહેવત છે કે- જેની દિશા ભટકી છે તેની દશા બગડી છે. દશા સુધારવી હોય તો આપણી પાસે યોગ્ય સમય છે અને જો સમયસર જાગવામાં નહીં આવે તો ચોતરફ નિરાશા અને હતાશા સામે આવવાની છે.

માતા-પિતા એ કોઇપણ સંતાન માટે અતિ મહત્વી કડી છે. જીવનભર જે માતા-પિતા સંતાનને સાથ આપે છે. આગળ વધવાની હૂંફ આપે છે અને તેની પાછળ જીવનની પાઇ-પાઇ ખર્ચી નાંખે છે પરંતુ તે સંતાન જ્યારે વર્ષોના વર્ષો તેનું જીવન આડા રસ્તે લઇ જાય છે ત્યારે તે માતા-પિતા પર પહાડ તૂટી પડ્યો હોય તેવો આઘાત લાગે છે. માતા-પિતા જ સંતાનોને ઉચ્ચકોટીના સંસ્કાર આપતા હોય છે. સંતાન જ્યારે સંસ્કાર ભૂલે છે ત્યારે તેનો જનમ પણ લાજે છે.

માતા-પિતાની ફરજ હોય છે તેવી સંતાનની પણ ફરજ હોય છે. પિતાની આંખ અને હાથ-પગ ચાલશે ત્યાં સુધી તે અંતિમ સમય સુધી સંઘર્ષ કરીને પણ તેના સંતાનનું ભરણપોષણ કરશે. માતાની તોલે વિશ્વમાં કોઇ આવતું નથી. તેની કુરબાનીનો આ જગતમાં કોઇ તોટો નથી. ભીનામાં સૂઇને બાળકને કોઇ કષ્ટ ન પડે તેનું ધ્યાન રાખવાથી બાળકના તમામ તબક્કા કે જ્યાં સુધી તે મોટું ન થાય ત્યાં સુધી પોતાનો જીવ બાળે છે.

જો સંતાન ભટકી ગયું હોય તો તેને પાછું લાવવા લાડ-પ્યાર સાથે એડી-ચોટીનું જોર લગાવે છે. આવી હોય છે પવિત્ર માતા-પિતાની ફરજ, પરંતુ બાળક તેને નજરઅંદાજ કરે છે ત્યારે એ પિતા કે એ માતા એમ સમજે છે કે તેમણે તેમના પૂર્વજન્મમાં એવા મોટા પાપ કર્યા હશે કે તેમને ત્યાં આવું સંતાન પેદા થયું છે. સંતાનનો કોઇ દોષ નથી, નસીબનો દોષ છે.

સંતાનનું શિક્ષણ એ જીવનનો મોટો આધાર છે. માતા-પિતા માટે તો પછી આવે છે પરંતુ પહેલાં તો સંતાનને તેના ખુદના માટે શિક્ષણ એક એવો સિતારો છે કે જેના વિના તેના જીવનમાં નર્યો અંધકાર છે. જ્યારે એ માતા-પિતા નહીં હોય ત્યારે તે સંતાનને એટલો અફસોસ થશે કે તેણે ખૂબ મોટું પાપ કર્યું છે.

કોઇપણ પરિવારમાં પિતાનું સ્થાન ખૂબ મહત્વનું છે. તે ઘરના મોભી હોય છે. તેમનો એક આદેશ પડે એટલે સમજદાર સંતાન પડ્યો બોલ ઉઠાવી લેતાં હોય છે. આ એક સુખી પરિવાની નિશાની છે. બાળકની ખુશીઓ અને તેના શોખ માટે એક પિતા જો સર્વસ્વ લૂંટાવી દેતા હોય તો તે બાળકને એમ કેમ નથી થતું કે- હું મારા પિતાને વિઘ્નો કે મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા અંશમાત્રની મદદ કરૂં. એ પિતા કે માતાને કેટલું ગૌરવ થતું હશે કે જેમના સંતાન આજ્ઞાકારી અને નિર્વ્યસની હશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp