સુરતનો વેદાંત યાદવ નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જમાં દેશભરમાં પ્રથમ આવ્યો

PC: khabarchhe.com

સુરતના ધો.6 માં અભ્યાસ કરતા નાનકડા વેદાંત કૃષ્ણકુમાર યાદવે અત્યંત કઠિન ગણાતી ‘નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ’ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી ભારતભરમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થઇ સુરતનું નામ વૈશ્વિક ફલક પર ગુંજતું કર્યું છે.

સામાન્ય રીતે ખગોળ-વિજ્ઞાન અત્યંત અઘરો અને નીરસ વિષય હોવાની માન્યતા છે. ભારતમાં અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ પ્રતિભાઓ સક્રિય છે. પશ્વિમના દેશોની સરખામણીએ ભારત હજુ ખગોળ વિજ્ઞાનમાં પાછળ છે. ખગોળશાસ્ત્રમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરવા સિંગાપોરની ‘સ્ટેમ રિસર્ચ ઇન્સ્ટીટયુટ’ સંસ્થા દ્વારા દર વર્ષે ‘નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ’ પરીક્ષાનું ભારતના વિવિધ રાજ્યોમાં આયોજન કરવામાં આવે છે. આ વર્ષે એપ્રિલ-2017માં ભારતના 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લેવાયેલી ‘નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ-2017’ પરીક્ષામાં સુરતના વેદાંત યાદવે 100 માંથી 100 ગુણ મેળવી ભારતભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

જુન માસમાં આ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું. જેમાં વિજેતા જાહેર થયેલા વેદાંત સહિત 10 એસ્ટ્રો ચેમ્પિયન વિદ્યાર્થીઓનો એવોર્ડ વિતરણ અને સન્માન સમારોહ ગત છઠ્ઠી ઓગસ્ટના રોજ ‘સ્ટેમ રિસર્ચ ઇન્સ્ટીટયુટ’ (એસ.આર.આઈ.) દ્વારા સિંગાપોરમાં યોજાયો હતો. એસ.આર.આઈ. દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેમના એક શિક્ષક સાથે સિંગાપોર લઇ જવા માટે એર ટિકિટ, રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિજેતા સ્પર્ધકોને સિંગાપોરમાં હવાઈ જહાજનું નિર્માણ કરતી "બોઇંગ કોર્પોરેશન"ની મુલાકાત દરમિયાન લાઈવ સિમ્યુલેટર દ્વારા વિમાન ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી.

માત્ર 12 વર્ષની વયે કઠિન પરીક્ષા પાસ કરનાર વેદાંત હાલમાં સુરત સ્થિત એસ્સાર ઇન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ ૬માં અભ્યાસ કરે છે. તેના પિતા ક્રિશ્નકુમાર યાદવ હજીરાની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(એન.ટી.પી.સી.)માં સિનીયર મેનેજરના પદ પર ફરજ બજાવે છે. મૂળ ઉત્તરપ્રદેશના વારાણસી શહેરના વતની ક્રિશ્નકુમાર યાદવ સુરતમાં ૨૫ વર્ષથી પરિવાર સાથે રહે છે.

ભવિષ્યમાં અવકાશયાત્રી બનવાની ખેવના ધરાવતા વેદાંત યાદવ પોતાની સિદ્ધિ વિષે ઉત્સાહપૂર્વક જણાવે છે કે, ‘વિજ્ઞાન પ્રત્યે બાળપણથી જ મને લગાવ છે. શાળામાં ખગોળશાસ્ત્ર મારો પ્રિય વિષય છે. અર્થ સાયન્સ ખૂબ જટિલ અને અઘરો વિષય હોવાની માન્યતા છે. પણ રસરૂચિ કેળવવામાં આવે તો આ સબ્જેક્ટ જેટલો આસાન અન્ય કોઈ વિષય નથી. શાળાઓમાં અભ્યાસક્રમ સિવાય અવકાશ વિજ્ઞાનમાં રૂચિ ઉત્પન્ન થાય તેવી પ્રવૃતિઓ ખુબ ઓછી થતી હોય છે. જેથી એસ્ટ્રોનોમી પરીક્ષાઓની તૈયારી કરવી ખૂબ અઘરી લાગે છે.

ભારતે વિશ્વને આપેલા સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા જેવા અવકાશયાત્રીઓ મારા જીવનના આદર્શ હોવાનું તે જણાવે છે.

વેદાંત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવીને ખૂબ ખુશી અનુભવે છે. તે કહે છે કે, ‘આ પરીક્ષાની તૈયારી કરવામાં મારા માતાપિતાએ ખુબ સારો સહકાર આપ્યો હતો. જિજ્ઞાસા અને રસ હોય તો ખગોળશાસ્ત્રમાં પણ અભ્યાસ અને કારકિર્દીની ઉજ્જવળ તકો રહેલી છે. બાળફિલ્મોના સ્થાને ધ ડાયનાસોર, ઇન્સેકટર, વોર ઓફ ધ વર્લ્ડ્સ જેવી અંતરીક્ષની પૃષ્ઠભૂમિકા ધરાવતી ફિલ્મો તેની પ્રિય ફિલ્મો હોવાનું તે જણાવે છે.’

વેદાંતના માતા શ્વેતાબહેન અને પિતા ક્રિશ્નકુમાર યાદવ પૂત્રની સફળતા માટે તેની મહેનત, લગન અને બાળપણથી અવકાશ વિજ્ઞાનમાં બાળસહજ જીજ્ઞાસાવૃત્તિને શ્રેય આપે છે. પિતા ક્રિશ્નકુમાર યાદવ કહે છે કે, ‘વેદાંતને સામાન્ય બાળકોની જેમ રમકડા અને ચોકલેટમાં રસ નથી. આકાશ, ચમકતા તારા, સૂર્ય, ચંદ્ર, વાદળો, વિમાન પ્રત્યે તેને બાળપણથી આકર્ષણ રહ્યું છે. વેદાંતને વાંચનનો ગજબનો શોખ છે. રૂમ રમકડાથી નહિ, પરંતુ જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકોથી ભરેલો છે. બહોળા વાંચનના પરિણામે તેણે ‘નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ’માં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેની ઉંમરના બાળકો પોગો અને ડિઝની જેવી કાર્ટૂન ચેનલો જોતા હોય છે, પરંતુ વેદાંતને કાર્ટૂનમાં કશો જ રસ નથી. તેના સ્થાને ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો અને અંતરીક્ષ વિજ્ઞાનને લગતા કાર્યક્રમો જોવાનું તે વધુ પસંદ કરે છે.

વેદાંત નાની વયે આપ બળે અંતરીક્ષ વિજ્ઞાનની પરીક્ષા પાસ કરીને તેના જેવા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. ભવિષ્યમાં આપણા દેશને ગુજરાતમાંથી વેદાંત રૂપે વધુ એક અવકાશ વિજ્ઞાની મળે તો નવાઈ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp